કવાંટ તાલુકાનું મોવણ ગામ પુરાતન વાવ અને બે નદીના સંગમ માટે જાણીતું છે
ક્યારેક અહીં રાજવી પરિવારનો વસવાટ હતો એવી લોકવાયકા છે
કિલ્લેબંધ સરહદી ચોકી અને તેની સાથે જોડાયેલી નગર વસાહત હશે એવું અનુમાન
પુરાતન સાત કોઠા વાળી વાવ કદાચ આ નાનકડા નગરની પાણીની જરૂરિયાત પૂરી કરવા જ બાંધવામાં આવી હશે
વાવના ભવ્ય પ્રવેશ દ્વાર,પગથિયાં,ગોખ,કોતરણી,કમાનો એની વિશાળતાની ગવાહી પુરે છે
સાંપણ અને વિંછણ નદીઓનો નિર્મળ જળ પ્રવાહ,એના પર સર્જાતા સાવ નાના નાના ધોધ અદભુત દેખાવ સર્જે છે
કવાંટ થી કડીપાણી જતા રસ્તે હમીરપુરાની હદ પુરી થાય કે લગભગ તુરત જ વજેપુર મોવણ નું પાટિયું જોવા મળે.આ મોવણ લોકોની જીભને સરળતા કરવા મોટેભાગે મોહનના નામે લોકબોલીમાં ઓળખાય છે.
આ નાનકડા ગામની એક વિશેષતા રાજાશાહી વખતના પ્રાચીન અવશેષો છે. અહીં જૂના સમયમાં રાજવંશની જાહોજલાલી ના અણસાર એની પ્રાચીન વાવ,પહાડી કિલ્લાની રાંગના અવશેષો,એક પગથિયાં વાળો કૂવો,પ્રાચીન શિવમંદિર,નદી કાંઠે હનુમાન મંદિરમાં સચવાયેલા અવશેષો આપે છે.ખંડહર બતા રહા હૈ ઇમારત બુલંદ થી એવી એક કહેવત છે. મોવણ માટે કહી શકાય કે ખંડેરો કહે છે કે અહીં કોઈ નગર હતું.
બ્રિટિશ શાસન સમયે આ ગામ અને આ વિસ્તાર છોટાઉદેપુર રજવાડા હેઠળ હતો એ તો નિશ્ચિત છે.
સ્વતંત્રતા પછી અને ગુજરાત રાજ્યની સ્થાપના પછી ઉપરવાસના આંબાડુંગર ગામે એક ખનિજ નામે ફ્લોરસ્પર ની ભાળ મળી, કડીપાણીમાં તેના શુદ્ધિકરણ માટે ગુજરાત સરકારના નિગમ જીએમડીસી એ કારખાનું બનાવ્યું અને તેના પગલે આ વિસ્તારને સડકની સુવિધા મળી.તે અગાઉ આમ તો વ્યવહાર છેક નર્મદા કાંઠાના હાંફેશ્વર સુધી હતો પણ સડકો ના નામે કદાચ ધૂળિયા રસ્તા અને કેડીઓ,પગદંડીઓ જ હશે.હાલમાં તો આ જગ્યાએ થઈને મધ્ય પ્રદેશના છક્તલા,અલીરાજપુર પણ જઈ શકાય છે.
ક્યારેક અહીં રાજવી પરિવાર નો વસવાટ હતો એવી લોકવાયકા છે જેની ચોકસાઈ તો છોટાઉદેપુર રાજ્યના દસ્તાવેજો ચકાસવા થી જ મળી શકે.
જો કે અહીં કિલ્લેબંધ સરહદી ચોકી અને તેની સાથે જોડાયેલી નગર વસાહત હશે એવું અનુમાન ચોક્કસ પણે બાંધી શકાય.
ડુંગર પર કિલ્લાની તૂટી ફૂટી કમાનો હજુ પણ જોઈ શકાય છે અને અગાઉ કોટની દીવાલોના અવશેષો હતા જે હવે લગભગ જમીનદોસ્ત થઈ ગયા છે.
પુરાતન સાત કોઠા વાળી વાવ કદાચ આ નાનકડા નગરની પાણીની જરૂરિયાત પૂરી કરવા જ બાંધવામાં આવી હશે.આજે એ વાવ આમ તો દિવસે દિવસે નામશેષ થતી જાય છે.જો કે હજુ પણ તેનું ભવ્ય પ્રવેશ દ્વારા,પગથિયાં,ગોખ,કોતરણી,કમાનો એની વિશાળતા ની ગવાહી પુરે છે.લગભગ ત્રણ કોઠા પાણીમાં ડૂબેલા જોઈ શકાય છે.ભૂતકાળમાં વડોદરા ના જિલ્લા વિકાસ અધિકારી અને પૂર્વ આઈ.એ.એસ.શ્રી આર.જે.પટેલે એનું સમારકામ કરાવ્યું હતું.જો કે તે પછી તેને ફરીથી વિસારે પાડી દેવાઈ અને ફરીથી તેના પર સમયના કાટ ના પડ ચઢવા લાગ્યા છે.
વાવ નજીક એક દરગાહ છે જ્યાં વર્ષમાં એકવાર ઉર્સનો મેળો ભરાતો હતો.
પહેલા કવાંટ તરફ ના રસ્તાની કોરે કેટલીક પાકી બાંધેલી કબરો હતી.એવું અનુમાન કરી શકાય કે રાજાની સેનામાં મુસ્લિમ સરદારો હશે જેમની એ આરામગાહો બની હશે.
ડુંગર પરના કિલ્લા માં એક ભોંયરું પણ જોવા મળતું હતું અને એ ભૂગર્ભ રસ્તે છેક પાવાગઢ સુધી જવાતું એવી લોકવાયકા હતી.કવાંટ થી કડીપાણીને જોડતા રસ્તા ના નિર્માણ માટે ખોદકામ કરતી વખતે સોના ચાંદીના સિક્કાઓ મળ્યાની વાતો પણ ક્યારેક કવાંટના લોકો કરતાં.
ઇતિહાસની ઝાંખી આરસી જેવી આ જગ્યા પ્રકૃતિ સૌંદર્ય થી ભરપુર છે અને ચોમાસા પછી ચારેકોર લીલાછમ્મ ખેતરો, ગાઢ વનરાજી,ખળખળ વહેતી સાંપણ અને વિંછણ નદીઓનો નિર્મળ જળ પ્રવાહ,એના પર સર્જાતા સાવ નાના નાના ધોધ અદભુત દેખાવ સર્જે છે.આ પાણી ઉનાળા સુધી પાતળા પ્રવાહ રૂપે જળવાય છે.
બે નદીઓના સંગમના એક ખૂણે જીર્ણશીર્ણ હનુમાન મંદિર હતું.મંદિર તો શું પણ ખુલ્લા આકાશ તળે બજરંગબલી ની એક પ્રતિમા હતી.ના કોઈ પુંજારી હતો ના ભક્તો આવતા.
તે સમયે કવાંટ હાઇસ્કુલ ના ગુરુજનો રોજ સાંજે અહીં સુધી ચાલવા આવતા.તે પછી હનુમાન દાદાની પ્રેરણા થી તેમણે આ જગ્યાને સુધારવાનું બીડું ઝડપ્યું.ભાવિકોના સહયોગ થી આજે આ સ્થળે એક દેરી,પૂજારી નિવાસ અને સારું કહી શકાય એવું હનુમાન મંદિર વિકસ્યું છે અને કવાંટ થી લોકો અહીં દર્શન કરવા અને કુદરત વચ્ચે ઉજાણી કરવા આવે છે.
આ જગ્યા ઇતિહાસ અને પ્રકૃતિ સૌંદર્યનું મિલન સ્થળ છે.રાજ્યના દસ્તાવેજો ખંખોળી એ ઇતિહાસને કોઈ ઉજાગર કરે એવી રાહ આ અવશેષો કદાચ જોઈ રહ્યાં છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


