આત્મા મરતો નથી પણ જ્યાં સુધી આપણે આત્મસ્વરૂપ થયા નથી ત્યાં સુધી આપણને મૃત્યુનો ભય લાગે છે.મૃત્યુ એક રસપ્રદ ઘટનાક્રમ છે.અંદાજે મૃત્યુના ૪ થી ૫ કલાક અગાઉ પગના તળીયા ઠંડા પડવાની શરૂઆત થાય છે.આ લક્ષણો એમ સૂચવે છે કે પ્રૃથ્વી-ચક્ર જે પગના તળીયે આવેલ છે,તે શરીરથી છૂટૂ પડી રહ્યું છે.જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે એમ કહેવાય છે કે યમદૂત તે જીવનું માર્ગદર્શન કરવા માટે આવે છે.
મૃત્યુ સમયે જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે.અંતકાળે યમદુતો તેને રડાવતા નથી પણ ઘરની મમતા રડાવે છે.ઘર છોડવું તેને ગમતું નથી અને યમદુતો તેને ધક્કો મારે છે.પત્ની-પુત્ર-પૈસા છોડવા તેને ગમતા નથી.યમદૂત તેને મારતા નથી પણ ઘરની મમતા તેને મારે છે અને રડાવે છે. જાણે છે કે હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી,પુત્ર સાથે આવશે નહિ,મારે એકલાને જ જવું પડશે છતાં વિવેક રહેતો નથી.
અંતકાળમાં બે યમદૂતો આવે છેઃ પાપ પુરૂષ અને પુણ્ય પુરૂષ.પાપ પુરૂષ કહે છે કે તેં બહુ પાપ કર્યા છે એમ કહી મારે છે.પુણ્ય પુરૂષ કહે છે કે તને પુણ્ય કરવાની તક આપી હતી છતાં પણ તેં પુણ્ય કેમ કર્યું નહિ? ભક્તિ કરવાનો તને અવસર આપ્યો હતો છતાં ભક્તિ કેમ ના કરી? તેમ કરીને મારે છે.આ જીવ મરે છે ત્યારે અતિશય તરફડે છે.
યમદૂતોની ગતિ પગથી આંખ સુધીની હોય છે.બ્રહ્મરંઘ્ર (દશમા દ્વાર)માં જે પ્રાણને સ્થિર કરે છે તેને યમદૂતો કંઈ કરી શકતા નથી.શાસ્ત્રમાં એવું લખ્યું છે કે દશમા દ્વારથી જીવ અંદર આવે છે અને જો તે દ્વારમાંથી જીવ બહાર નીકળે તો મુક્તિ મળે છે.અતિ પુણ્યશાળી હોય તો તે જીવ પ્રભુના દરબારમાં જાય છે. આંખમાંથી જીવ બહાર નીકળે તો તે જીવ સ્વર્ગ-લોકમાં જાય છે, મુખમાંથી જીવ બહાર નીકળે તો તે જીવ મનુષ્ય યોનિમાં ફરીથી જાય છે, મુખથી નીચે અને ડુંટીથી ઉપરના ભાગમાંથી જીવ બહાર નીકળે તો પશુ-પક્ષીની યોનિમાં જાય છે અને ડુંટીથી નીચેના ભાગમાંથી જીવ બહાર નીકળે તો પ્રેત યોનિમાં જીવ જાય છે.
મૃત્યુ સમયે અને જન્મ સમયે એટલી બધી વેદના થાય છે કે મર્યા પછી પૂર્વજન્મ યાદ આવતો નથી.સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે અને તેની અંદર કારણ શરીર (વાસનાઓ) છે.યમદૂતો જીવાત્માને સૂક્ષ્મ શરીર અને કારણ શરીર-વાસનાઓ સાથે યમપુરીમાં લઇ જાય છે.અતિપાપી માટે યમપુરીનો માર્ગ અતિ ભયંકર છે.રસ્તામાં એને ત્રણસો કુતરાં કરડવા આવે છે.ગરમ રેતી પર ચાલવું પડે છે ત્યારે એકલો રડતો રડતો જીવ જાય છે તેને કોઈ સાથ આપતું નથી. આ પંથે માત્ર ધર્મ જ સાથ આપે છે.ધર્મ (સ્વ-ધર્મ) જીવને ધીરજ આપે છે કે હું તને બચાવીશ.(ધર્મ સાચો મિત્ર છે.)ચિત્રગુપ્ત જીવાત્માએ કરેલાં પાપ-પુણ્ય જીવાત્માને યમ દરબારમાં સંભળાવે છે.
જીવાદોરી એટલે આત્મા અને શરીર સાથેનું જોડાણ.મ્રુત્યુનો સમય આવતાં યમદૂતના માર્ગદર્શનથી જીવાદોરી કપાય છે અને આત્માનું શરીર સાથેનું કનેક્શન કપાઈ જાય છે,આ પ્રક્રિયાને જ મ્રુત્યુ કહે છે. સામાન્ય રીતે જ્યાં સુધી અગ્નિદાહ આપવામાં આવે ત્યાં સુધી આત્મા શરીરની આસપાસ જ રહે છે.પહેલાં સાત દિવસ સુધી એ આત્મા તેની મનગમતી જગ્યાએ ફરે છે.દરેક જીવાત્માને જન્મના ૪૦ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહે છે ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે.
ચિત્રગુપ્ત એટલે ચિત્તની ગુપ્ત વાતો જાણનાર.ચિત્તની ગુપ્ત વાતો જાણે તેને ચિત્રગુપ્ત કહે છે. સાક્ષીમાં સૂર્યદેવ અને વાયુદેવ છે.દિવસના કરેલા પાપની સાક્ષી સૂર્યદેવ આપે છે.રાતના પાપની વાયુદેવ.આ જીવ બારણા બંધ કરીને પાપ કરે છે કે મને કોઈ જોતું નથી પણ તારો બાપ જે અંદર બેઠો છે તે તો જુએ છે? પૃથ્વી,ચંદ્ર,સૂર્ય..વગેરે ચૌદ સાક્ષીઓ છે તે પરમાત્માના સેવકો છે તે સાક્ષી આપે છે કે અમે તેને પાપ કરતા નજરે જોયું છે.પાપની જેમ પુણ્યની પણ સાક્ષી અપાય છે પછી જીવાત્માએ તે કબુલ કરવું પડે છે. તે પછી પાપ-પુણ્ય પ્રમાણે જીવની ગતિ નક્કી થાય છે. પાપ વધુ હોય તો નરકની સજા થાય છે.પાપ-પુણ્ય સરખા હોય તો તે ચંદ્રલોકમાં જાય છે.પુણ્ય હોય તો તે સ્વર્ગમાં જાય છે.સ્વર્ગમાં પુણ્ય ભોગવીને પુણ્યનો ક્ષય કરીને પુણ્ય ખૂટી જાય એટલે ફરી મનુષ્ય લોકમાં જન્મ લેવો પડે છે આને ચૌરાશીનું ચક્કર કહે છે. જન્મ મરણનું દુઃખ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવને શાંતિ નથી.જીવને શાંતિ ત્યારે થાય જયારે મનુષ્ય યોનિમાં તે પરમાત્માનો સાક્ષાત્કાર કરે.
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)