Gujarat

રાજકોટ ખાતે આગામી તા.૮/૯ મે ૨૦૨૩ના રોજ દ્વિ દિવસીય દ્વિતિય મોતી મહોત્સવ યોજાશે, જે કલાયજ્ઞમાં મોતીકલાના વિવિધ જાતના બેનમૂન સર્જનો કલાપ્રેમી જનતા નિહાળી શકશે.

કાઠી ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા તા.૮ અને ૯ મે ૨૦૨૩ને સોમ, મંગળ એમ બે દિવસ માટે રાજકોટને આંગણે ઉદય હોલમાં રામાપીર ચોકડી ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે મોતીકલા મહોત્સવ –૨ નું આયોજન થયું છે, જે બે દિવસ તમામ સમાજના બહેનો આ મહોત્સવને માણી અને જાણી શકશે. આ કલાવંત બહેનો મોતીકલાને જીવાડી સાંચવી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. જેમની કલાને ટકાવવા માટેનો આ કલાયજ્ઞ જ ગણાવી શકાય.
આ મહોત્સવમાં શાખ તોરણ, પછીતપાટી,તોરણ, વિવિધ પડદા,લોટી નાળીયેર,વલોણું,મોતીભરેલખુરશી,મોતીનોબાજોઠ,સુંથિયા,ઈંઢોણી,ચાકળા,ધોડિયાની દોરી, ફ્લાવર પોટ,કાચના શીશા, ગણેશ સ્થાપન,પાણીની હેલ, વિંજણા, મોતીનારમકડાં, મોતીના ઝૂલા,મોતી ભરેલ ટેબલ ક્લોથ, તકિયા, મોતી મઢેલ બળદગાડું, સાંગામાંચી, કુંજા વગેરે ચીજો જોવા અને ખરીદવા પણ મળશે. આ ચીજો જોઈને શહેરીજનો નવાઈ જ પામી જાય કે કેટલી મહેનત પછી આ સર્જન થતું હશે. ધન્ય છે એમની કલાને.
ભારતમાં હસ્તકલાની વિવિધતા અને પ્રકારોને સમજવા ખૂબ જ મુશ્કેલ છે. દરેક પ્રદેશ તેમની હસ્તકળામાં નિપુણતા ધરાવે છે. ભારતીય હસ્તકલાનો ઈતિહાસ ખૂબ જ પ્રાચીન છે. ભારતીય કલા અને કલાકારોએ સદીઓથી તેમની અદભૂત રચનાઓથી વિશ્વને આશ્ચર્યચકિત કરી રહ્યાં છે. તેથી દુનિયાભરના લોકો ભારતીય કલા તરફ ખેંચાય છે.
સમગ્ર વિશ્વ ભારતની મહાન કલાઓ અને હસ્તકલાના સમૃદ્ધ વારસા વિશે જાણે છે. આપણા દેશમાં હસ્તકલા પરંપરાઓની વિવિધતા તથા આપણી કલાત્મક સંપત્તિનો બેજોડ ખજાનો છે. લગભગ બે ચાર દાયકાથી કાઠી મોતીકલા અને હસ્તકલાની વસ્તુઓનો વિશ્વમાં વ્યાપકપણે પ્રચાર થતો હતો અને વિવિધતા અને શ્રેષ્ઠતાની ખૂબ જ માંગ રહી છે. પરંતુ તેમને યોગ્ય સીધા જ સર્જકને પ્લેટફોર્મનો અભાવ હતો તે ખોટ હવે હાલ સમાજ લેવલે પૂરી પાડવામાં આવી છે. ભવિષ્યમાં સરકારશ્રી પણ આ સર્જક બહેનોને હસ્તકલા ઉત્સવમાં સામેલ કરશે એવી આશા છે.
આજે કમનસીબે મોટાભાગની હસ્તકલા પોતાના જ અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. એક તરફ, જ્યાં કેટલીક હસ્તકલા ફરી પ્રચલિત થઈ છે, તો બીજી તરફ, ભારતના દરેક ખૂણામાં ઘણી હસ્તકલા છે, જે આપણા સમર્થનની રાહ જોઈ રહી હતી. પરંતુ હવે કાઠી મોતીકલા કારીગરી વિશે ચિંતા સેવાતા તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા આ જાતના અનોખા મહોત્સવના આયોજન ગોઠવાયા છે. જો કે મોતી કલાને શા માટે આજે તેના અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે છે ? એજ સમજાતુ નથી.
આ કલા પરંપરાગત રીતે કાઠી સમાજમાં ગુજરાતમાં કાઠિયાવાડ વિસ્તારના નામથી જે પ્રદેશ ઓળખાય છે ત્યાં ખૂબ જ જળવાયેલી છે. કારણ આજે પણ તેઓ પોતાની દીકરીઓને મોતીની અનેક ચીજો કરિયાવરમા આપે છે.
પરંતુ ઘણી બધી ભિન્નતાઓને કારણે, કાઠિયાવાડમાં સર્જકો વિભાજિત અલગ અલગ હતા, જેમને હવે એક સાથે જોડેલ છે. પરંતુ તેમની કુશળતાને સાંસ્કૃતિક અને આર્થિક જરૂરિયાતો અને સ્થાનિક માંગને પ્રથમ મોતી મહોત્સવ ૧માં ચલાળા ખાતે પૂ.મહંતશ્રી વલકુબાપુના યજમાનપદે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. તેથી તેમને ઘણો વેગ મળ્યો છે. ચલાળા ખાતે ૩૭ સર્જક બહેનોને અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવેલ જે મૂલ્યવાન ઘટનાની ભવિષ્યનો ઈતિહાસવેતા જરૂર નોધ લેશે એવું સાંસ્કૃતિક કાર્ય હતું.
હવે તો આપણે નવી શિક્ષણનીતિમાં પરંપરાગત કલા અને હસ્તકલાના વિષયોને શાળા મહાશાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવા જોઈએ, જેથી કરીને બાળકો નાની ઉંમરથી જ કલાના આ સ્વરૂપોથી પરિચિત થાય. હવે આ હસ્તકલાના વધુ સારા દસ્તાવેજીકરણની પણ જરૂર છે જેથી તે આવનારી પેઢીઓ માટે રેકોર્ડ બની રહેશે.
ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ‘મેક ઈન ઈન્ડિયા મેક ઈન ઈન્ડિયા’ યોજના ભારતીય કલાકારો માટે આશાનું કિરણ લઈને આવી છે. આ અંતર્ગત ભારતમાં હસ્તકલાના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પણ કમનસીબે, આમાંની અમુક હસ્તકલા આજે અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. ત્યારે આ મહત્વાકાંક્ષી યોજનાનો ઉદ્દેશ્ય ભારતીય કલાકારોને તેમની કલા પ્રદર્શિત કરવાની વધુ સારી તક આપવાનો પણ છે.
આ ક્ષેત્રમાં સર્જન કરતા અનેક કલાવંત બહેનોની કૃતિઓને ઓળખવાની ખાસ જરૂર છે, કારણ કે આપણે તેમને સર્જક તરીકે બધા જ જોતા નથી. તેમના નમૂનાઓ શાશ્વત, કાલાતીત અને અમૂલ્ય છે. તેમને આ જ કારણસર સમાજમાં માન અને જબ્બર પ્રતિષ્ઠા મળવી જોઈએ.
દરેક ભારતીય સહમત થશે કે જ્યાં સુધી આપણે જ હસ્તકલા તેનો ઈતિહાસ, પરંપરાઓ અને કારીગરીના આપણા મહાન વારસાના સાચા મહત્વને ઓળખીશું નહીં ત્યાં સુધી આપણે તેને વધુ સારી રીતે વિશ્વ સમક્ષ રજૂ કરી શકીશું નહીં. આપણે તેની આપણે સહુએ મૂક્તકંઠે પ્રશંસા કરવાની જરૂર છે, આપણે જ તેમને ઓળખવાની જરૂર છે અને આપણે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. જે કામ આ મોતી મહોત્સવ દ્વારા થઈ રહ્યું છે.
આ મહોત્સવ ઉજવવા માટે શ્રી લતાબા ચાવડા, શ્રી પ્રતિમાબા વાળા, શ્રી ગીતાબા ચાવડા, શ્રી અંજુબા ચાવડા તથા શ્રી ગજરુબા ખાચર જહેમત ઉઠાવી રહ્યા છે,
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG_20230504_114850.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *