સાબરકાંઠામાં ચાલુ વર્ષે સિઝનમાં પ્રથમ વખત ગરમીનો પારો 44-45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્રણેક દિવસથી પ્રતિદિન એક થી દોઢ ડિગ્રી તાપમાન સતત વધી રહ્યું છે. મકાનો ભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે મોડી રાત સુધી ગરમી ત્રાહિમ પોકારાવે છે. જોકે હવામાન વિભાગના વરતારા મુજબ 24 કલાક બાદ ગરમીમાં આંશિક રાહત મળવાની સંભાવના છે.દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સિવિયર હીટવેવ કન્ડિશન હોવાને કારણે ઉત્તર પશ્ચિમના પવનોએ સાબરકાંઠા જિલ્લાનું તાપમાન પણ ઊંચક્યું છે. સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ અસહ્ય ઉકળાટનો અનુભવ થવા માંડે છે અને જેમ જેમ દિવસ પસાર થતો જાય છે તેમ તેમ ગરમી વધતી જાય છે. મકાનો અગનભઠ્ઠી બની ગયા છે. મોડી રાત સુધી અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. સવારે પણ આ સ્થિતિ જળવાઈ રહે છે. લઘુત્તમ તાપમાન પણ નોર્મલ કરતાં 3 ડિગ્રી ઊંચું નોંધાયું હતું. ઉકળાટ અને બફારા સાથેની તીવ્ર ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અસહ્ય ગરમી બાદ ગુરુવારે મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી નોંધાયું હતું.જે આગાહી મુજબ જ નોર્મલ કરતાં 3 ડિગ્રી વધુ હતું. સવારે પણ ઊંચું તાપમાન નોંધાતા ગરમી વધવાના એંધાણ મળી રહ્યા છે. દિવસ અને રાત્રિનું તાપમાન ઊંચકાતા અંગદઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ 24 કલાક મહત્તમ તાપમાન 44-45 ડિગ્રીની આસપાસ જળવાયેલું રહેશે અને આગામી બે એક દિવસમાં ગરમીનો પારો થોડો નીચો ઉતરવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.
