નવીદિલ્હી
ઇંગ્લેન્ડનો ઝડપી બોલર જાેફરા આર્ચર પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામેની આગામી એશિઝ ટેસ્ટ ક્રિકેટ સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો છે. મંગળવારે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જાેફરા આર્ચર ૨૦૨૧થી એલબોની ઇજાને કારણે પરેશાન છે. એ વર્ષે સિઝન ગુમાવ્યા બાદ તે તાજેતરમાં આઇપીએલમાં રમવા ભારત આવ્યો હતો પરંતુ ઇજા વકરવાને કારણે તે અધવચ્ચેથી પરત ફરી ગયો હતો. હવે તે લાંબા સમય માટે ફરીથી ક્રિકેટથી દૂર થઈ ગયો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે આર્ચર આ વખતની સમગ્ર ઇંગ્લિશ સિઝન ગુમાવશે. તેના એલબોમાં થયેલા સ્ટ્રેસ ફ્રેક્ચરમાં વધારો થયો છે અને તેને કારણે તે રમી શકે તેમ નથી. બાર્બાડોઝમાં જન્મેલો ૨૮ વર્ષીય જાેફરા આર્ચર ૨૦૨૧થી અત્યાર સુધીમાં બે વખત તેના જમણા હાથમાં એલબોમાં સર્જરી કરાની ચૂક્યો છે અને આઇપીએલ દરમિયાન તેને આ સમસ્યા ફરીથી થતાં તેને પરત ફરવું પડ્યું હતું. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર રોબર્ટ કી એ જણાવ્યું હતું કે હાલનો તબક્કો જાેફરા આર્ચર માટે નિરાશાજનક રહ્યો છે અને આ બાબત કોઈ પણ ક્રિકેટરને અપસેટ કરનારી છે. એલબોની ઇજા ફરીથી વકરી નહીં ત્યાં સુધી તે સારી રીતે બોલિંગ કરી શકતો હતો. મને આશા છે કે જાેફરા ટૂંક સમયમાં જ તેની ઇજામાંથી બહાર આવીને ફરીથી ફોર્મ પરત મેળવવાનો પ્રયાસ કરશે. આ ઇજાએ તેને ઘણા સમય સુધી મેદાનથી દૂર રાખ્યો છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ ટેસ્ટની એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ ૧૬મી જૂનથી શરૂ થનારી છે. તે અગા ઇંગ્લેન્ડની ટીમ આ ટેસ્ટ સિરીઝની તૈયારીરૂપે આયર્લેન્ડ સામે લોર્ડ્ઝ ખાતે પહેલી જૂનથી એક ટેસ્ટ રમનારી છે. ઇંગ્લેન્ડે આ ટેસ્ટ માટેની ૧૫ સદસ્યની ટીમની જાહેરાત પણ કરી દીધી છે. જેમાં જાેની બેરસ્ટોને પણ સામેલ કરાયો છે જે ઘણા સમયથી ટીમની બહાર હતો. ગયા વર્ષે ગોલ્ફ રમતી વખતે તે ઘાયલ થયો હતો અને ત્યારથી તે ઇન્ટરનેશનલ ક્રિકેટથી અલગ થઈ ગયો હતો. હવે પહેલી જૂનથી તે પુનરાગમન કરનારો છે.
