દહેરાદુન
ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ ચાર ધામના દર્શન કરવા પહોંચ્યા છે. રાજ્યના પર્યટન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની મુલાકાત લઈ ચૂક્યા છે. બીજી તરફ કેદારનાથ યાત્રા માટે દૈનિક નોંધણીનો આંકડો ૩૦ હજારથી વધુ થઈ ગયો છે. હાલમાં રોજના ૪૦ હજાર જેટલા યાત્રિકો ચાર ધામમાં આવી રહ્યા છે. તે જ સમયે, દરરોજ આટલી મોટી સંખ્યામાં યાત્રિકો ચાર ધામ પહોંચવાના કારણે વધતી ભીડને નિયંત્રિત કરવા માટે સરકારે નોંધણી પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો, અગાઉ સરકાર દ્વારા નવા નોંધણી પર ૧૫ મે સુધી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, હવે તે સમય ૨૪ મે સુધી વધારી દેવામાં આવી છે. સાથે જ ચોખ્ખા હવામાનની અસર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. કેદારનાથમાં હવામાન સાફ થયા બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે. બાબા કેદારના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. જેના કારણે દરરોજ મોટી સંખ્યામાં લોકો બાબાના ધામમાં પહોંચી રહ્યા છે. કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં ૧૦,૪૦,૮૮૧ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. બદ્રીનાથમાં ૮,૮૧,૪૮૭, યમુનોત્રીમાં ૫,૩૯,૪૯૨ અને ગંગોત્રીમાં ૪,૮૯,૭૦૬ નોંધણી કરવામાં આવી છે. ચારધામ યાત્રા શરૂ થયા બાદ હવે ૨૦ મેના રોજ હેમકુંડ સાહિબના દરવાજા પણ ખુલશે. આ માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સમયે હેમકુંડ સાહિબ રોડ પર ૬ ફૂટ સુધી બરફ છે. જેની સફાઈમાં સેનાના જવાનો લાગેલા છે. ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે.