જમ્મુકાશ્મીર
ગુજરાતમાં વેકેશન અને સખત ગરમી વચ્ચે કેટલાક સહેલાણીઓ ઉત્તર ભારતનાં રાજ્યોમાં ફરવા માટે ઉપડી ગયા છે. એવામાં એક દુર્ઘટના અમે આવી છે જેમાં ગુજરાતના સહેલાણીઓએ જમ્મુ કાશ્મીરમાં એક દુર્ઘટનાનાં કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાશ્મીર હિલ સ્ટેશન પહેલગામ ખાતે સોમવારે રાફ્ટિંગ બોટનાં અકસ્માતમાં ગુજરાતના એક કપલનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઝડપી ફૂંકાતા પવનને કારણે લદ્દર નદીમાં રાફ્ટિંગ બોટ પલટી ખાઈ ગઈ હતી. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના એક દંપતીના મૃતદેહોને રેસ્ક્યૂ ઓપરેશન ટીમો દ્વારા મેળવામાં આવ્યા હતા જ્યારે આ ઘટનામાં મુંબઈની એક મહિલાને બચાવી લેવામાં આવી હતી જેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મૃતક દંપતીની ઓળખ ભીખાભાઈ અંબાલાલ પટેલ અને તેઓના પત્ની શર્મિલાબેન પટેલ તરીકે કરવામાં આવી હતી. આ યુગલ સૈજાપુરબોઘા, અમદાવાદ ગુજરાતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બંને મૃતકોની ઉંમર ૫૧ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ અમદાવાદમાં સૈજાપુરબોઘાનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. વધુ એક મુંબઈનાં પ્રવાસી જેની હાલત ગંભીર છે અને તેની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અનંતનાગમાં સારવાર ચાલી રહી છે તેની ઓળખ પરવીન શેખની પત્ની મુસ્કાન ખાન તરીકે થઈ છે.પોલીસે ઘટનાની નોંધ લીધી છે અને કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.