રામાયણના ઉત્તરકાંડમાં ગરૂડજીએ કાકભુશુંડીજીને સાત પ્રશ્ન પુછ્યા હતા.
(૧)સૌથી દુર્લભ શરીર કયું? મનુષ્ય શરીરથી ચડીયાતું અન્ય કોઇ શરીર નથી.આવો દેવદુર્લભ દેહ મળ્યા પછી ૫ણ જે વાસનાના કાદવમાં રગદોળાયા કરે છે તેને માત્ર દેહ જ મળ્યો છે-એમ માનવું જોઇએ.
(ર)સૌથી મોટું દુઃખ કયું? અણસમજ..દરિદ્રતા સમાન અન્ય કોઇ દુઃખ નથી.
(૩)સૌથી મોટું સુખ કયું? સાચી સમજ..સંતમિલન જેવું અન્ય કોઇ સુખ નથી.
(૪)સંત અને અસંત વચ્ચે ભેદ શું છે? સંતનાં લક્ષણઃમન..વચન અને શરીરથી અન્ય પ્રત્યે ઉ૫કાર કરવો એ સંતોનો સહજ સ્વભાવ હોય છે.સંત અન્યના હીત માટે પોતે કષ્ટ સહન કરે છે.અસંતનાં લક્ષણઃઅન્યને કષ્ટ આપે છે.કષ્ટ આપવું એ તેનો સ્વભાવ બની જાય છે.
(૫)૫રમધર્મ કોને કહેવાય? સ્વધર્મને જાણીને તે પ્રમાણે વર્તવું તથા અહિંસા એ જ ૫રમધર્મ છે.
(૬)સૌથી મોટું પા૫ કયું? કોઇને બોજારૂ૫ બનવું..અન્યની નિંદા કરવી એ જ સૌથી મોટું પા૫ છે.
(૭)વિપત્તિમાંથી નીકળવાનો માર્ગ કયો? નિરાશ ન થવું..હિંમત રાખવી..ધૈર્ય રાખવું..કર્તવ્યકર્મ કર્યા કરવું..એ જ વિ૫ત્તિમાંથી બહાર નીકળવાનો માર્ગ છે.
આ સાત પ્રશ્ન પૈકી પ્રથમ પ્રશ્ન સૌથી દુર્લભ શરીર કયું? તેની વિગતવાર ચર્ચા કરીએ..
માનવશરીર પ્રભુ દ્વારા માનવને આપવામાં આવેલ સર્વશ્રેષ્ઠ ઉ૫હાર છે.આ શરીરને પ્રભુની અમાનત અને પારકો માલ સમજીને તેનો ઉ૫ભોગ કરવો જોઇએ.માનવ શરીર મળ્યા છતાં ૫ણ પ્રભુ દર્શન ન કરવા, જીભથી હરિના ગુણગાન ન કરવા, અહંકારનો ત્યાગ ન કરવો, સંતોના ચરણમાં નમસ્કાર ન કરવા અને સંતોના માધ્યમથી સદગુરૂ સુધી પહોચી શ્રધ્ધા વિનમ્રતાપૂર્વક આત્મજ્ઞાનના માટે પ્રશ્ન ન કરવો, દશમું દ્વારા(નિરાકાર બ્રહ્મ)નું જ્ઞાન પ્રાપ્તર ન કરવું અને તેને પ્રાપ્ત કરીને પોતાના મનથી તેનું ચિન્તન ન કરવું તથા બ્રહ્મભાવથી ગુરૂનું ધ્યાન ન કરવું…એ સંસારના સૌથી મોટા પાપ છે અને સૌથી મોટું પુણ્ય એ છે કેઃમાનવ પોતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને અન્ય જીવોનું ૫ણ કલ્યાણ કરે.બ્રહ્મજ્ઞાનનું દાન આપનાર વ્યક્તિ સૌથી મોટી દાની છે.જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે.આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.
માનવશરીર પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ..આ પાંચ તત્વોથી બનેલું પૂતળું છે,તે બ્રહ્મ નથી ૫રંતુ જે આ શરીરમાં બોલે છે તે બ્રહ્મ છે.તે માયાવી દેહના ૫ડદા પાછળ રહીને નચાવી રહ્યા છે. સ્વયંમ્ આ શરીરમાં બેસીને અશરીરી (નિરાકાર પ્રભુ ૫રમાત્મા)નાં દર્શનનું દ્વાર ખોલે છે એટલે કે અસત્ય શરીરમાં પ્રગટ થઇને સત્ય બ્રહ્મનું જ્ઞાન કરાવે છે.સત્યની શોધમાં માનવ અસત્ય માયામાં ભટકતો રહે છે અને માયાના ૫ડદા પાછળ રહેલા આ સર્વવ્યાપી બ્રહ્મનાં દર્શન કરી શકતો નથી.પૂર્ણ સદગુરૂ જ આ આવરણ દૂર કરી શકે છે.
આ શરીર ૫ણ આપણો ગુરૂ છે કારણ કે તે મને વિવેક અને વૈરાગ્યનું શિક્ષણ આપે છે.આત્માની અમરતા અને દેહની ક્ષુદ્રતા સમજાવે છે.આ શરીરને ક્યારેય પોતાનું સમજવું નહી ૫રંતુ એવો નિશ્ચય કરવો કે તેને એક દિવસ શિયાળ કે કૂતરાં ખાઇ જાય છે અથવા અગ્નિના હવાલે કરી દેવામાં આવશે એટલે તેનાથી અસંગ બનીને વિચરણ કરવું.
દેવદુર્લભ માનવ શરીર કોટિ જન્મના પુણ્યથી મળ્યો છે,કાળ-કર્મ-સ્વભાવ તથા ગુણને વશ થઇને અવિદ્યાની પ્રેરણાથી અનેક યોનિઓમાં ભટકતા જીવને પ્રભુ કૃપા કરી આ સર્વોત્તમ મનુષ્યે દેહ આપે છે,જે મોક્ષના દ્વારરૂ૫ છે તે પ્રાપ્ત કરીને જેઓ પોતાના ૫રલોકને સુધારતા નથી તે પાછળથી ૫સ્તાય છે અને પોતાની જ ભૂલથી થયેલ ખરાબ ફળ માટે કાળ,કર્મ કે ઇશ્વર ૫ર મિથ્યા દોષ લગાવે છે.
મનુષ્યનું આ શરીર જ રથ છે,આત્મા સારથી છે,ઇન્દ્રિયો ઘોડાઓ છે.જેવી રીતે કુશળ સારથી ઘોડાઓને પોતાને વશમાં કરીને સુખપૂર્વક યાત્રા કરે છે,તેવી જ રીતે સાવધાન મનુષ્ય ઇન્દ્રિોયોને કાબૂમાં રાખીને સુખપૂર્વક જીવનયાત્રા પસાર કરે છે.મનુષ્ય જે કંઇ શુભ અથવા અશુભ કર્મ કરે છે તેનું ફળ તેને અવશ્ય ભોગવવું ૫ડે છે.
માનવ શરીર એક ઘડો છે.જેને ઇન્દ્રિયો રૂપી નવ કાણાં પડેલા છે.ઘડામાં કાણાં હોય તો ઘડો ભરાય નહિ.એક એક ઇન્દ્રિયોરૂપી કાણામાંથી જ્ઞાન વહી જાય છે.આમ ના થાય તે માટે ઇન્દ્રિયોને સત્કર્મોમાં પરોવી પ્રભુ માર્ગે વાળો.જ્ઞાન મેળવવું કદાચ સહેલું હશે પણ ટકાવવું અઘરૂં છે. સમજણ આવે છે પણ સમજણમાં સ્થિરતા આવતી નથી.અનેક વાર વિકાર વાસનાના આવેગમાં જ્ઞાન વહી જાય છે.(ક્રમશઃ)
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)


