એકવાર મહર્ષિ વિશ્વામિત્રજી અને બ્રહ્મર્ષિ વશિષ્ઠજીની વચ્ચે એ વિષય ઉપર વિવાદ ઉભો થયો કે સત્સંગની મહત્તા વધારે કે તપની મહત્તા વધારે છે? વિશ્વામિત્રજીએ કઠોર તપસ્યા કરીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એટલે તેઓ તપને મોટું માનતા હતા જ્યારે વશિષ્ઠજી સત્સંગની મહત્તા વધુ માનતા હતા. બંન્ને ઋષિઓ આ વાતનો નિર્ણય કરવા માટે પ્રજાપિતા બ્રહ્માજી પાસે જાય છે.તેઓની વાત સાંભળીને બ્રહ્માજી કહે છે કે હું સૃષ્ટિ રચનાના કાર્યમાં વ્યસ્ત છું એટલે આપ ભગવાન વિષ્ણુ પાસે જાઓ.ભગવાન વિષ્ણુ આપની સમસ્યાનું નિરાકરણ કરશે.
બંન્ને ઋષિઓ ભગવાન વિષ્ણુ પાસે જઇને પ્રશ્ન કરે છે કે તપ મોટું કે સત્સંગ? ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે હું સત્સંગને મોટો કહીશ તો વિશ્વામિત્ર નારાજ થશે અને જો તપને મોટું બતાવીશ તો વશિષ્ઠજીની સાથે અન્યાય થશે એટલે એમ કહીને જવાબ આપવાનું ટાળ્યું કે હું સૃષ્ટિના પાલન કરવામાં વ્યસ્ત છું એટલે આપ ભગવાન શંકર પાસે જાઓ.
બંન્ને ઋષિઓ ભગવાન શંકર પાસે જઇને પ્રશ્ન પુછે છે ત્યારે ભગવાન શંકર કહે છે કે આપના પ્રશ્નનો નિર્ણય કરી શકવા હું સમર્થ નથી આનો નિર્ણય તો શેષનાગ જ કરી શકશે.બંન્ને ઋષિઓ શેષનાગ પાસે જાય છે.શેષનાગજીએ બંન્નેનું સ્વાગત કર્યુ અને આવવાનું પ્રયોજન પુછે છે.વશિષ્ઠ ઋષિએ પુછ્યું કે અમારા પ્રશ્નનો નિર્ણય કરી આપો કે તપ મોટું કે સત્સંગ?
શેષનાગજી કહે છે કે મારા માથા ઉપર પૃથ્વીનો ભાર છે.જો આપ બંન્નેમાંથી કોઇ થોડા સમય માટે પૃથ્વીનો ભાર ઉઠાવી લો તો હું આપના પ્રશ્નનો નિર્ણય કરી આપીશ.તપ કરવાથી અહંકાર આવે છે. વિશ્વામિત્ર તપસ્વી હતા,તેમને અહંકારવશ શેષનાગજીને કહ્યું કે પૃથ્વીનો ભાર આપ મને આપો અને વિશ્વામિત્રજીએ પૃથ્વીને પોતાના માથા ઉપર લીધી કે તુરંત જ પૃથ્વી નીચેની તરફ જવા લાગી ત્યારે શેષનાગજીએ કહ્યું કે વિશ્વામિત્રજી..રોકો..પૃથ્વી રસાતળમાં જઇ રહી છે.વિશ્વામિત્રજીએ પોતાના સમગ્ર જીવન દરમ્યાન કરેલ તપ અર્પણ કર્યું છતાં પૃથ્વી રોકાઇ નહી ત્યારે બ્રહ્મર્ષિ વશિષ્ઠજીએ અડધી ઘડીના સત્સંગનું ફળ અર્પણ કર્યું તો પૃથ્વી પોતાની ધરી ઉપર રોકાઇ ગઇ અને નિર્ણય આવી ગયો કે તપ કરતાં સત્સંગની મહત્તા વધારે છે.
અમોએ નિયમિત પરીવારના સદસ્યોની સાથે બેસીને સત્સંગ કરવો જોઇએ અને જ્યારે પણ આપણી આસપાસ ક્યાંય પણ સત્સંગ થતો હોય તો સાંભળવો જોઇએ અને સત્સંગમાં સાંભળેલ વાતોનું ચિંતન-મનન કરી તેનું આચરણ કરવું જોઇએ.સંત મહાપુરૂષોની સાથે વિચારોના આદાન-પ્રદાનથી સત્સંગની શરૂઆત થાય છે.“સત્સંગકી આધી ઘડી તપકે વર્ષ હજાર,તો ભી નહી બરાબરી સંતન કીયો વિચાર.”


