રામાયણના ઉત્તરકાંડમાં ગરૂડજીએ કાકભુશુંડીજીને સાત પ્રશ્ન પુછ્યા હતા.તે પૈકી બીજો પ્રશ્ન છે કે સૌથી મોટું દુઃખ કયું? તેનો જવાબ આપતાં કાકભુશુડીજી કહે છે કે અણસમજ અને દરિદ્રતા સમાન અન્ય કોઇ દુઃખ નથી.
મમતા એ જ સૌથી મોટું દુઃખ છે.મહાભારતમાં મમતાનો સર્વથા ત્ગાગ કરવાનું કહ્યું છે સાથે સાથે એવું કહ્યું છે કે જો મમતા કરવી જ હોય તો તેને વ્યાપક બનાવો.જે ઇચ્છે તે ના થાય અને જે નથી ઇચ્છતા તે થઇ જાય તેને દુઃખ કહે છે.પ્રભુ સુમિરણ જ સુખનો સ્ત્રોત છે અને પ્રભુને ભુલી જવા એ જ દુઃખ છે.મુખથી નીકળેલું વચન ૫ણ સુખ-દુઃખનું કારણ બને છે.મીઠા વચનો બોલવાથી હ્રદયમાં સુખ ઉ૫જે છે અને કડવું વચન દુઃખ ઉત્પન્ન કરે છે.
પ્રત્યેક વસ્તુ પોતાના મૂળથી અલગ થવાથી દુઃખ પામે છે.જ્યાં સુધી તેને તે સ્ત્રોત મળતો નથી ત્યાંસુધી ભટકતી રહે છે.અનેક સૃષ્ટિ ૫દાર્થોમાં સુખની શોધ કરતાં ચૌરાશી લાખ યોનિઓમાં ભ્રમણ કરવા છતાં તેને સુખ મળતું નથી કારણ કે સંસારનો કોઇ૫ણ સબંધ-૫દાર્થો માનવને કાયમી સુખ આપતાં નથી.જ્યારે તેનો અભાવ થાય છે ત્યારે માનવ દુઃખી થાય છે, જેમ કેઃ સુંદર સ્ત્રી..સુંદર મકાન..સુંદર કાર..બાળકો વગેરે તમામ પ્રિય લાગે છે,પરંતુ આ સુખનાં સાધન સ્થાઇ હોતાં નથી.જે આજે છે તે કાલે જૂનાં થઇ જાય છે અને ૫રમ દિવસે રહેતાં નથી.કોઇ વસ્તુ અધવચ્ચે જ વિદાય લઇ લે તો માનવ દુઃખી થઇ જાય છે.આ કુચક્રથી પૂર્ણ સંત જીવને મુક્ત કરે છે.પૂર્ણ સંત સમજાવે છે કેઃ આ બધાં સાધનો જીવનનો આધાર જરૂરી છે,પરંતુ જીવનનું લક્ષ્ય નથી.મનુષ્યે જીવનનું લક્ષ્ય તેના મૂળ સ્ત્રોતને પામીને તેમાં ભળવાનું છે.(મુક્તિ પામવાનું છે) આવા પ્રકારનો દ્દષ્ટિ્કોણ પ્રત્યેક યુગમાં અવતારી પુરૂષોએ સંસારને પ્રદાન કર્યો છે.આજ કાર્ય આજે સંત નિરંકારી મિશન કરી રહ્યું છે.
ઇન્દ્રિંયોના વિષયોનો પાર પામવો કઠિન છે.જે મનુષ્ય તેમાં આસક્ત થાય છે તે દુઃખ ભોગવતો રહે છે અને જે તેનામાં આસક્ત થતો નથી તે પરમગતિને પ્રાપ્ત થાય છે.તૃષ્ણા સમાન કોઇ દુઃખ નથી અને ત્યાગ સમાન કોઇ સુખ નથી.
દર્શન કરતાં પ્રદર્શન વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે, તહેવાર કરતા વહેવાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે, વાસ્તવિકતા કરતા શણગાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે, સંસાર કરતા જંજાળ વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે, આવક કરતા જાવક વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે, મનમાં વર્તમાન કરતા ભૂતકાળનું ચિંતન વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે, મિલ્કત કરતાં વારસદારો વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે અને મિત્રો કરતા સલાહકારો વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય છે.
શરીરનાં દુઃખનાં ચાર કારણ છેઃરોગ, દુઃખદ વસ્તુઓનો સ્પર્શ, અધિક ૫રીશ્રમ તથા અભિલષિત વસ્તુ ન મળવી.આ નિમિત્તોથી મનમાં ચિંતા થાય છે અને માનસિક દુઃખ જ શારીરીક દુઃખનું રૂપ ધારણ કરી લે છે.મનના દુઃખી થવાનું કારણ છેઃસ્નેહ. સ્નેહના કારણે જ મનુષ્ય વિષયોમાં ફસાતો જાય છે અને અનેક પ્રકારના દુઃખ ભોગવે છે.સ્નેહના કારણે જ દુઃખ ભય શોક વગેરે વિકારોની પ્રાપ્તિ થાય છે.સ્નેહના કારણે જ વિષયોની સત્તાનો અનુભવ થાય છે અને ત્યાર૫છી તેનામાં રાગ આવી જાય છે.સ્નેહ એ વિષય ચિન્તન અને રાગથી ૫ણ વધુ બળવાન છે.જીવનમાં થોડો ઘણો રાગ ૫ણ ધર્મ અને અર્થનો સત્યાનાશ કરી દે છે.
પૂર્વ કર્મોના અનુસાર આવવાવાળી અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિનું નામ સુખ-દુઃખ છે..એટલે કે પ્રારબ્ધના અનુસાર શરીર ઇન્દ્રિયો…વગેરેને અનુકૂળ પરિસ્થિતિને સુખ કહે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિને દુઃખ કહે છે.પ્રભુ પરમાત્માનું સુમિરણ કરો કે હે પ્રભુ ૫રમાત્મા ! તમોને ક્યારેય ના ભૂલું કારણ કે તમોને ભુલવાથી દુઃખ જ દુઃખ છે.સુખ ૫ણ દુઃખ બની જાય છે.જો હું તમોને ના ભુલૂં તો દુઃખની શું તાકાત છે કે તે મારી નજીક આવી શકે?
પ્રસવપીડા વખતે અતિશય વેદનામાં તે પૂર્વજન્મનું જ્ઞાન ભૂલી જાય છે.ગર્ભનું જ્ઞાન પણ ભૂલી જાય છે.મા ને જે વેદના થાય છે તેના કરતાં હજાર ગણી વેદના જીવાત્માને થાય છે.રાજાને ઘેર જન્મ થાય કે રંકના ઘેર જન્મ થાય જન્મ એ જ મહાન દુઃખ છે.જન્મ એનો સફળ છે કે જેણે ફરીથી કોઈ મા ના પેટમાં જવાનો પ્રસંગ ના આવે.કોઈ ના પેટમાં જાય તેની દુર્દશા થાય છે.જન્મ અને મરણનું દુઃખ ભયંકર છે. આ બંને દુઃખ સરખાં છે.આ દુઃખોનો અંત આવતો નથી. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો જ આ દુઃખનો અંત આવે છે.
ઈશ્વરથી વિખુટા પડેલા જીવને સુખ નથી.પરમાત્માથી જે વિમુખ છે તે સંસારમાં રખડતો જ રહે છે. જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી તે ભલે સુખી દેખાય પણ તેને અંદરથી શાંતિ નથી.જે ઈશ્વરને ભૂલ્યો છે, તે ભૌતિક સુખ ભલે ભોગવે પણ તેને અંદરની શાંતિ મળતી નથી. વૃદ્ધાવસ્થામાં આ શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો જુવાન રહે છે.જુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે. મન ભગવાનનું ચિંતન કરતું નથી. વૃદ્ધાવસ્થામાં દુઃખ ભોગવવું પડે છે. કોઈ સેવા કરતું નથી.વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થવા છતાં સત્સંગ અને ભજન ન કરે તો મન અને જીભ જુવાન બને છે.સારૂં સારૂં ખાવાનું મન થાય છે.
પથારીમાં ડોસો પડ્યો છે. અતિ પાપીને નરકનું દુઃખ પથારીમાં જ ભોગવવું પડે છે. પથારીમાં જ મળ-મૂત્ર થાય તે નરક જેવું જ દુઃખ છે.આવી પથારીમાં જ જયારે યમદૂત દેખાય છે ત્યારે જીવ બહુ ગભરાય છે. જે લોકો માટે પૈસાનું પાણી કર્યું હોય તે લોકો જ ડોસો જલ્દી મરે તેવી ઈચ્છા રાખતા હોય છે. પોતાના થોડા કોઈ કદીક મને કંઈક આપશે તેવી ઇચ્છાથી સેવા કરે છે. બધાં સ્વાર્થના સગાં ભેગા થાય છે. છોકરીઓ પણ લાલચુડી હોય છે. મારા બાપાએ મારા માટે પંદર-વીસ તોલા જુદું રાખ્યું હશે. દોડતી દોડતી આવશે બધા ડોસાને ઘેરીને બેઠા છે. ‘બાપા..મને ઓળખી? બાપા હું તમારી સુમી….’ પણ સુમીબેનનું કંઈ અજવાળું પડતું નથી, એ ડોસો જવાની તૈયારીમાં છે તે બોલી શકતો નથી.
કોઇ કોઇને સુખ કે દુઃખ આપતું નથી.તમામ મનુષ્ય પોતાના કર્મ અનુસાર ફળ પામે છે.લોભ સમાન કોઇ દુઃખ નથી અને ત્યાગ સમાન કોઇ સુખ નથી.પ્રારબ્ધ અનુસાર જે કંઇ મળ્યું છે તેમાં સંતોષ માની જીવન જીવવું પણ લોભ ન રાખવો.
પરમાત્માએ ફક્ત મનુષ્યને જ બુદ્ધિ-શક્તિ આપી છે.પશુને પોતાના સ્વરૂપનું ભાન નથી.ત્રણ વર્ષ પછી તો તે ભૂલી જાય છે કે આ મારી મા છે કે આ મારો બાપ છે.જેને પોતાના સ્વરૂપનું ભાન નથી તે આત્મ સ્વરૂપને ક્યાંથી જાણી શકે? આ મનુષ્ય જન્મ તેની પાસે બુદ્ધિ હોવાથી જો તે ઈશ્વરને ઓળખવાનો, ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન ના કરે તો ચોરાશી લાખના ચક્કરમાં તે ફરે છે. તે ફરી ફરી સંસારમાં રખડે છે.જન્મ-મરણનું દુઃખ ભોગવે છે અને આ દુઃખ છે ત્યાં સુધી તે જીવને શાંતિ પ્રાપ્ત થતી નથી.
આશા અને તે ૫ણ ધનની આશા અત્યંત હીન છે.વૈરાગ્ય જ આશારૂપી ફંદાને કા૫વાવાળું દ્દઢ શસ્ત્ર છે.વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખની નિવૃત્તિ થતી નથી.વૈરાગ્ય દ્વારા જ મનુષ્ય કર્મબંધનોને કાપીને ૫રમ શાંતિ પામે છે.
પરમાત્મા તમને વધુ સુખ અને સંપત્તિ આપે અને સુખી કરે તો પણ જન્મ મરણના દુઃખને ભૂલશો નહિ. મરણના દુઃખને ભૂલશો નહિ.મરણને નિવારવું અશક્ય છે.જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિનાં દુઃખોનો વારંવાર વિચાર કરો તો વૈરાગ્ય આવશે, પાપ છૂટશે. બાકી પાપના સંસ્કારો જલ્દી છૂટતા નથી.વિચાર વિના વિવેક વૈરાગ્ય આવતા નથી.ઈશ્વરનું ચિંતન થતું નથી.
જીવ પાપ અને પુણ્ય બંને લઈને આવે છે.પાપનું ફળ દુઃખ છે અને પુણ્યનું ફળ સુખ છે. જેથી જીવનમાં અડચણ તો આવે જ છે માટે એવો દૃઢ નિશ્ચય કરો કે ગમે તે અડચણ આવે પણ ભગવાનનું નામ ન છૂટે.
દેહ એ જ દુઃખનું કારણ છે.દુઃખ ભોગવવા જ દેહ મળ્યો છે.પાપ ન કર્યું હોય તો આ જન્મ જ શા માટે મળે? જ્ઞાની પુરૂષો દેહનાં લાડ કરતા નથી તે એમ માને છે કે આ શરીરનો સંબંધ થયો એટલે દુઃખ આવ્યું.સર્વનો મોહ છોડી તેનો તેનો ત્યાગ કરો કે સર્વની સાથે તેમાં ઈશ્વર ભાવ રાખી પ્રેમ કરો પણ સર્વમાંથી મમતાનો ત્યાગ કરો.જન્મ મરણનું દુઃખ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવને શાંતિ નથી.જીવને શાંતિ ત્યારે થાય જયારે મનુષ્ય યોનિમાં તે પરમાત્માનો સાક્ષાત્કાર કરે.દેહાભિમાન દુઃખનું કારણ છે. મમતા મરે છે પણ અહંકાર મરતો નથી,અહંકારને મારવો કઠણ છે.
સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહા દુઃખ છે.જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એ જ સંસારમાં સુખી છે. “ચાહ ગઈ ચિંતા ગઈ મનુવા બેપરવાહ, જીસકો કછુ ન ચાહિએ વહ જગમેં શહેનશાહ”
અતિશય સુખમાં અને અતિશય દુઃખમાં ભગવાન ન ભુલાય તેવી ટેવ પડજો.જે જે સંસ્કાર મનમાં દૃઢ થાય તે સંસ્કાર બીજા જન્મમાં અને અંતકાળે કામ લાગશે.
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)


