‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ ની થીમ પર યોજાશે કાર્યક્રમ
અંબાજી ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતમાં યોજાનાર રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ નિદર્શન કરવામાં આવશે
ઈ.ચા. કલેક્ટર શિવાની ગોયલ અગ્રવાલની અધ્યક્ષતામાં વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગર્ત બેઠક યોજાઈ
સમગ્ર વિશ્વમાં પાંચમી જુનને ‘વિશ્વ પર્યાવરણ’ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્ય સહિત સમગ્ર દેશમાં ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી થવાની છે. ત્યારે ખેડા જિલ્લામાં ડાકોર ખાતે ૦૫ જૂન ૨૦૨૩ના રોજ મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં વિશ્વ પર્યારવરણ દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમના આયોજનની અંગે આજરોજ ઈ.ચા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.
બેઠક અંતર્ગત નાયબ વનરક્ષક ડૉ. ટી. કરૂપ્પાસામીએ પર્યાવરણ દિનના કાર્યક્રમના આયોજન અંગે જિલ્લાના વન વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના પ્રેરણાત્મક ઉદબોધન સહિત, મિશન લાઈફ અંતર્ગર્ત નાગરિકોને પર્યાવરણ જાગૃતિ અંગે વિડીયો નિદર્શન તથા અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતમાં યોજાનાર રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ નિદર્શન તથા ડાકોર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે.
બેઠકમાં કલેક્ટરે પર્યાવરણ દિન ઉજવણી કાર્યક્રમ અંગેના આયોજન અંગે જરૂરી માર્ગદર્શક સુચનો આપ્યા હતા. તેમજ તેમણે બીટ પ્લાસ્ટીક પોલ્યુશન થીમ અંતર્ગત જિલ્લાના નાગરીકોને નો યુઝ પ્લાસ્ટિક અંગે સંવેદનશીલ બનાવવાની દિશામાં કાર્યો કરવા ઉપર ભાર મુક્યો હતો.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલ, ઠાસરા પ્રાંત અધિકારી રિધ્ધિ શુક્લ, જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ, તેમજ જિલ્લાના સંબધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


