છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ તા 5 જૂન ને સોમવારથી ઉનાળુ વેકેશન પૂર્ણ થતા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ આજરોજ શાળાએ પહોંચ્યા હતા. જ્યારે પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ દિવસે અંદાજીત 40% ટકા હાજરી નોંધાઇ હતી. સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાવીજેતપુર, બોડેલી, નસવાડી, સંખેડા, અને કવાંટ તાલુકામાં માં કુલ 1251 પ્રાથમિક શાળા અને 126 માધ્યમિક શાળાઓ આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓનો કલરવ શરૂ થઈ ગયો હતો.
સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જ્યારે નાના ધોરણ 1ના બાળકોથી માંડી ધોરણ 12ના વિદ્યાર્થીઓ શાળાએ જતા જોવા મળ્યા છે. સમગ્ર જિલ્લામાં સ્ટેશનરીઓ ઉપર આજરોજ સવારથી ચોપડા અને નોટબુકો ખરીદવા અર્થે ભીડ જોવા મળી હતી. જ્યારે શિક્ષણ સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓમાં પણ નવા નવા ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષમાં નવા ધોરણમાં અભ્યાસ કરવા જવાનું હોય જેથી હરખ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર માં પાઠ્યપુસ્તકો નો જથ્થો આવી ગયો છે. પરંતુ લખવા માટે નોટબુકો ચોપડા ભારે મોંઘા થઈ ગયા હોવાથી ભારે રોષ વર્તાઈ રહ્યો છે. કારમી મોંઘવારીમાં નોટબુક ચોપડા ની કિંમતમાં 30%જેટલો વધારો થતાં સામાન્ય માધ્યમ વર્ગની હાલત ભારે કફોડી બની છે. 80 રૂ ના ચોપડાના 110 રૂ ની થઈ જ્યારે 60 રૂ ની વસ્તુ 85 રૂ થઈ ગયા છે. જ્યારે પેજ ઘટાડી દીધા હોવાની ફરિયાદ પણ પ્રજા કરી રહી છે. ઇલેક્ટ્રોનિક આઇટમો ની સાથે સાથે કાગળના ભાવમાં પણ ભારે વધારો થતાં ઓનલાઈન અને ઓફ લાઇન શિક્ષણ મોંઘું થયું છે. જ્યારે ગરીબીની રેખા નીચે જીવતો ગરીબ આદિવાસી વિદ્યાર્થી અભ્યાસ કરવા મોંઘવારીના ખપ્પરમાં પીસાઈ રહ્યો છે. શૈક્ષણિક વસ્તુઓના ભાવ શાળાની ફી અને ખર્ચો સાધારણ માધ્યમ વર્ગને પોષાય તેમ નથી.
વર્ઝન —- છોટાઉદેપુરમાં આવેલ સ્ટેશનરીનો વેપાર કરતા કમલેશભાઈ પટેલ જણાવી રહ્યા છે કે વેકેશન પૂર્ણ થતા નવા સત્રનો પ્રારંભ થઇ ગયો છે. જ્યારે ઘરાકી પણ પુષ્કળ જોવા મળી રહી છે. પરંતુ ચોપડા, નોટબુકોની કિંમતમાં 30 % ટકા જેટલો ગત વર્ષ કરતા ભાવવધારો જોવા મળી રહ્યો છે. જે ગરીબ સામાન્ય વર્ગને પોસાય તેમ નથી. કિંમતો વધતા ચોપડા નોટબુકો ખરીદવા વિદ્યાર્થીઓ તથા વાલીઓ ખચકાટ અનુભવે છે. તેમ જણાવ્યું હતું.
ફોટો—— છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા શાળાઓ ધમધમી ઉઠી જ્યારે પુસ્તકો ખરીદવા ભીડ જામી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


