રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ,છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ માંગરોળ ખાતે માછીમાર સમાજના આગેવાનો તથા બોટ એસોસિએશનના હોદ્દેદારોને બિપરજોય વાવાઝોડાને અનુલક્ષીને જરૂરી તકેદારીઓ અને સાવધાની માટે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે કહ્યું કે, વોટ્સએપ પર ફરતાં ખોટા મેસેજ અને આપવાથી દૂર રહી, રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા જે સાચી માહિતી આપવામાં આવે તેને અનુસરવી જરૂરી છે. લોકોમાં ગભરાટ ફેલાય તેવી કોઈપણ વાતને વેગ ના આપીએ. તેમ જણાવતા તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર માછીમાર સમુદાય અને લોકોની પડખે છે. આ સાથે બિયરજોય વાવાઝોડાને અનુલક્ષીને ચાલતી કામગીરીમાં તંત્રને સહકાર આપવા તેમણે અનુરોધ કર્યો હતો.
વાવાઝોડામાં લોકો બિનજરૂરી રીતે બહાર હરવા ફરવા ન નીકળે, સગર્ભા બહેનો માટે યોગ્ય કાળજી અન્ય સિનિયર સિટીઝન માટે પણ જરૂરી તકેદારી રાખીએ તેમ જણાવતા તેમણે, જરૂરી મદદ સહાયતા માટે જાહેર કરેલા કંટ્રોલ રૂમના નંબર પણ સંપર્ક કરવા ઉપરાંત જન પ્રતિનિધિઓ અને અધિકારીઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બિપરજોય વાવાઝોડાના પગલે મંત્રીમંડળના જુદા-જુદા મંત્રીઓને જરૂરી દેખરેખ માટે જવાબદારીઓ સોંપી છે. તેમણે જણાવતા કહ્યું કે, તકેદારીના ભાગરૂપે શાળાઓ બંધ રાખવાનો પણ નિર્ણય કર્યો છે. ઉપરાંત વાવાઝોડામાં ધરાશાયી થયેલા વૃક્ષો દૂર કરવા અને આરોગ્ય માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ વાવાઝોડાના પૂર્વ અનુભવો ધ્યાને રાખી જરૂરી કાળજી લેવા માટે જણાવ્યું હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટ પટેલે લોકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી કામગીરી કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ તકે મહાવીર માછીમાર સહકારી મંડળીના ચેરમેન શ્રી દામોદર ચામુંડીયાએ જણાવ્યું હતું કે, દરિયામાંથી તમામ બોટો બહાર આવી ગઈ છે અને સુરક્ષિત જગ્યાએ નુકસાન ન થાય તે રીતે રાખી દેવામાં આવી છે. જેમાં ફીશરીઝ સહિતના ડિપાર્ટમેન્ટ નો સહયોગ મળ્યો છે. ઉપરાંત તેમણે માછીમારોની દરકાર લેવા માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
આ તકે ધારાસભ્ય સર્વશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ ખટારીયા, ખારવા સમાજના અગ્રણી શ્રી પરસોત્તમભાઈ ખોરાવા આગેવાનો ઉપરાંત પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા.


