અમારા ધર્મગ્રંથોમાં એવા અનેક બાળકોના વિશે વર્ણન કરવામાં આવ્યું છે જેઓ ઉંમરમાં નાના હોવા છતાં એવા કાર્યો કર્યા જે તેમની કક્ષા બહાર હતા આમ હોવાછતાં તેમને ઇમાનદારી,નિષ્ઠા અને સમર્પણના સહારે મુશ્કેલ કામો પણ ઘણી જ સફળતાથી કર્યા હતા.આજે આપણે આવા આઠ બાળકો ધ્રૃવ, ગુરૂભક્ત આરૂણી, પરમભક્ત અષ્ટાવક્ર, આસ્તિક, ભક્ત પ્રહ્લાદ, ગુરૂભક્ત ઉપમન્યુ, માર્કણ્ડેય ઋષિ અને ગુરૂ ભક્ત એકલવ્ય પૈકી પરમ ભક્ત ધ્રુવના ચરીત્રની ચર્ચા કરીશું.
બાળક ધ્રૃવની કથા શ્રીમદ ભાગવતના ચોથા સ્કંદમાં આવે છે.મહારાણી શતરૂપા અને તેમના પતિ મનુથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના બે પૂત્રો થયા હતા.ઉત્તાનપાદને સુનીતિ અને સુરૂચિ નામની બે પત્નીઓ હતી.તેમાં સુરૂચિ રાજાને વધુ પ્રિય હતી અને સુનીતિ કે જેનો પૂત્ર ધ્રૃવ હતો તે પ્રિય નહોતી.એક દિવસ રાજા ઉત્તાનપાદ સુરૂચિના પૂત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને લાડ કરી રહ્યા હતા.તે સમયે ધ્રૃવને પણ ખોળામાં બેસવાની ઇચ્છા થઇ પરંતુ રાજાએ તેને આવકાર્યા નહી.તે સમયે ઘમંડી સુરૂચિએ પોતાની શોક્યના પૂત્રને ઇર્ષ્યાપૂર્ણ શબ્દોમાં કહ્યું કે દિકરા ! તૂં રાજસિંહાસન ઉપર બેસવાનો અધિકારી નથી કેમકે તે મારા પેટ જન્મ લીધો નથી.જો તૂં રાજસિંહાસન ઇચ્છતો હો તો તપસ્યા કરીને પરમપિતા પરમાત્મા નારાયણની આરાધના કર અને તેમની કૃપાથી મારા ગર્ભમાં આવીને જન્મ લે.
જેવી રીતે લાકડીનો માર ખાઇને સાપ ફુંફાડા મારવા લાગે છે તેવી જ રીતે પોતાની સાવકી માતાના કઠોર વચનથી ઘાયલ થઇ ક્રોધના આવેશમાં તે પોતાની માતા પાસે જાય છે.સુનીતિએ ધ્રૃવને ઉંચકીને ખોળામાં લઇ લીધા.મહેલના અન્ય લોકોના મુખેથી પોતાની શોક્ય સુરૂચિએ કહેલ વાતો સાંભળી તો તેમને ઘણું જ દુઃખ થાય છે અને રડતાં પોતાના પૂત્રને કહે છે કે બેટા ! તૂં બીજાઓના માટે કોઇપણ પ્રકારના અમંગળની કામના ના કર.જે મનુષ્ય બીજાઓને દુઃખ આપે છે તેણે પોતે જ તેનું ફળ ભોગવવું પડે છે.જો તૂં રાજકુમાર ઉત્તમની જેમ રાજસિંહાસન પર બેસવા ઇચ્છતો હોય તો દ્વેષભાવ છોડીને ભગવાનના ચરણકમળોની આરાધના કર.તારા દાદા સ્વંમભૂવ મનુએ અનન્યભાવે ભગવાનની આરાધના કરી હતી જેના ફળસ્વરૂપ તેમને અતિદુર્લભ લૌકિક,અલૌકિક અને મોક્ષસુખની પ્રાપ્તિ થઇ હતી.જન્મ-મૃત્યુના ચકરાવામાંથી છુટવા ઇચ્છતા મુમુક્ષુઓ નિરંતર પ્રભુ પરમાત્માનું શરણ લેવું જોઇએ.બીજા બધાનું ચિંતન છોડીને ફક્ત પ્રભુની ભક્તિ કર.મને શ્રી હરિ સિવાય તારા દુઃખને દૂર કરનારૂં અન્ય કોઇ દેખાતું નથી.
માતાની આજ્ઞા લઇ ધ્રૃવ પિતાના નગરમાંથી ચાલ્યા જાય છે.આ બધા સમાચાર સાંભળીને ધ્રુવ શું કરવા ઇચ્છે છે? તે જાણવા નારદજી આવે છે.નારદજી ધ્રૃવના મસ્તક ઉપર હાથ ફેરવતા કહે છે કે હજુ તો તૂં બાળક છે,ખેલકૂદમાં મસ્ત છે હું નથી સમજતો કે આ ઉંમરમાં કોઇ વાતથી તારૂં સન્માન કે અપમાન થઇ શકે.જો તને માન-અપમાનનો ખ્યાલ હોય તો બેટા ! વાસ્તવમાં મનુષ્યના અસંતોષનું કારણ મોહ છે. સંસારમાં મનુષ્ય પોતાના કર્મો અનુસાર જ માન-અપમાન કે સુખ-દુઃખ મેળવે છે.ભગવાનની ગતિ ઘણી વિલક્ષણ છે તેથી તેના પર વિચાર કરીને બુદ્ધિમાન મનુષ્યે ભાગ્યવશાત પોતે જેવી પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમાં જ સંતુષ્ટ રહેવું જોઇએ.
માતાના ઉપદેશથી તૂં યોગસાધન વડે જે ભગવાનની કૃપા મેળવવા જઇ રહ્યો છે મારા વિચારમાં તો સાધારણ મનુષ્યો માટે તેમને પ્રસન્ન કરવા ઘણું મુશ્કેલ છે.યોગીજનો અનેક જન્મો સુધી અનાસક્ત રહીને સમાધિયોગ વડે મોટી મોટી કઠોર સાધનાઓ કરતા રહે છે પરંતુ ભગવાનના માર્ગનો પત્તો મેળવી શકતા નથી.તેથી તૂં આ વ્યર્થ હઠ છોડી દે અને ઘેર પાછો જા.
વિધાતાના વિધાન અનુસાર જે કંઇ સુખ-દુઃખ પ્રાપ્ત થાય તેમાં ચિત્ત સંતુષ્ટ રાખવું જોઇએ.આમ કરવાથી મનુષ્ય સુખ-દુઃખથી પર થઇ જાય છે.મનુષ્યે પોતાનાથી અધિક ગુણવાનને જોઇને પ્રસન્ન થવું જોઇએ.જે ઓછા ગુણવાળા હોય તેના ઉપર દયા કરવી જોઇએ અને જે પોતાના સમાન ગુણવાળા હોય તેની સાથે મિત્રતાનો ભાવ રાખવો, આમ કરવાથી તેને દુઃખો ક્યારેય દબાવી શકતાં નથી.
ધ્રૃવ કહે છે કે ભગવાન ! સુખ-દુખથી જેમનું ચિત્ત ચંચળ થઇ જાય છે તે લોકો માટે તમે કૃપા કરીને શાંતિનો સારો ઉપાય બતાવ્યો છે પરંતુ મારા જેવા અજ્ઞાનીઓની દ્રષ્ટિ અહી સુધી પહોંચતી નથી.મારામાં વિનયનો અભાવ છે. હું તે પદ ઉપર અધિકાર કરવા ઇચ્છું છું જે ત્રણે લોકમાં સર્વશ્રેષ્ઠ પદ છે તથા જેના પર મારા બાપ-દાદા આરૂઢ થઇ શક્યા નથી.તમે મને તેની જ પ્રાપ્તિનો કોઇ માર્ગ બતાવો.
ધ્રૃવની વાતથી પ્રસન્ન થઇ નારદજી સદઉપદેશ આપતાં કહે છે કે જે મનુષ્યને પોતાના માટે ધર્મ અર્થ કામ અને મોક્ષરૂપ પુરૂષાર્થની અભિલાષા હોય તેના માટે તેમને પામવાનો ઉપાય એકમાત્ર શ્રીહરિના ચરણોનું સેવન છે.હવે તૂં યમુના કિનારે આવેલ મધુવનમાં જા.ત્યાં કાલિન્દીના નિર્મળ જળમાં સ્નાન કરી નિત્યકર્મથી પરવારી યથાવિધિ આસન પાથરી સ્થિરભાવે બેસજે.પછી રેચક પૂરક કુંભક..ત્રણ પ્રકારના પ્રાણાયામથી ધીરેધીરે પ્રાણ,મન અને ઇન્દ્રિયોના દોષોને દૂર કરી ધૈર્યયુક્ત મનથી પરમ ગુરૂ પ્રભુ પરમાત્માનું ધ્યાન કરજે.આ ધ્યાનની સાથે પરમ ગોપનીય મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય આપે છે.
હ્રદય સ્થિત શ્રીહરિ પરમાત્માનું મન વાણી અને શરીરથી ભક્તિપૂર્વક પૂજન કરવાથી આવા નિષ્કપટભાવે ભજન કરનારા પોતાના ભક્તોનો ભાવ વધારી દે છે અને ભક્તની ઇચ્છાનુસાર ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રદાન કરે છે.ઇન્દ્રિય સબંધી ભોગોમાંથી વૈરાગ્ય થઇ ગયો હોય તો મોક્ષ પ્રાપ્તિ માટે નિરંતર ભક્તિ કરવી.
ધ્રૃવને ઉપદેશ આપી નારદજી રાજા ઉત્તાનપાદના મહેલમાં આવે છે ત્યારે રાજા કહે છે કે હું ઘણો જ નિર્દય અને સ્ત્રીને વશ છું.મેં મારા પાંચ વર્ષના બાળકને તેની માતા સાથે ઘરમાંથી કાઢી મુક્યો છે ત્યારે નારદજી કહે છે કે તમે ધ્રૃવની ચિંતા ના કરો તેના રક્ષક ભગવાન છે તેના કારણે તમારો યશ વધશે. નારદજીના ઉપદેશ અનુસાર ધ્રૃવજીએ એકાગ્રચિત્તે પરમ પુરૂષની ઉપાસના શરૂ કરી.પ્રથમ માસ ફક્ત શરીર નિર્વાહ માટે બોર ખાઇને, બીજા મહિને ઘાસ-પાંદડા ખાઇને ભજન કર્યું.ત્રીજા માસે ફક્ત જળ પીને સમાધિયોગ વડે આરાધના કરી.ચોથા મહિને શ્વાસ જીતીને વાયુનો આહાર કરી ધ્યાનયોગ વડે ભગવાનની આરાધના કરી.પાંચમા મહિને એક પગ ઉપર ઉભા રહી પરબ્રહ્મનું ચિંતન કર્યું.
ધ્રૃવની આવી કઠોર સાધનાથી પ્રસન્ન થઇ વિરાટરૂપ ભગવાન ગરૂડ ઉપર સવાર થઇ ભક્તને દર્શન આપવા મધુવન આવે છે.તીવ્ર યોગાભ્યાસથી એકાગ્ર થઇને બુદ્ધિ વડે ભગવાનની દેદિપ્યમાન મૂર્તિનું ધ્યાન કરી રહ્યા હતા તે એકાએક વિલિન થતાં ગભરાઇને જેવી આંખો ખોલે છે ત્યાં તેમને શ્રીહરિના દર્શન થતાં ધ્રૃવ દંડવત પ્રણામ કરીને ભગવાનની સ્તુતિ કરે છે કે હે પ્રભુ ! આપ સર્વશક્તિ સંપન્ન છો મારા અંતઃકરણમાં પ્રવેશી મારી વાણીને સજીવ કરો.મારા પ્રાણ અને ઇન્દ્રિયોને ચેતનતા આપો. હે પ્રભુ ! આ શબવત્ શરીરોથી ભોગવાતું, ઇન્દ્રિયો અને વિષયોના સંસર્ગથી મળતું સુખ તો નરકોમાં પણ મળે છે. જે લોકો આ વિષયસુખ માટે લાલાયિત રહે છે અને જન્મમરણના બંધનથી છોડાવનાર પ્રભુની ભક્તિ નથી કરતા તેમને માયાએ છેતર્યા છે.હે અનંત પરમાત્મા ! મને વિશુદ્ધ હ્રદયવાળા મહાત્મા ભક્તોનો સંગ આપો.
હે અજન્મા પરમેશ્વર ! આ ચરાચર જગત આપનું વિરાટરૂપ છે તેને હું જાણી શકું છું પરંતુ આનાથી પર જે આપનું નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ સ્વરૂપ છે તેને હું જાણતો નથી.
શુભ સંકલ્પવાળા ધ્રૃવની સ્તુતિથી પ્રસન્ન થઇ ભગવાન કહે છે કે હું તારા હ્રદયનો સંકલ્પ જાણું છું જો કે તે પદ પ્રાપ્ત કરવું મુશ્કેલ છે તો પણ હું તને તે ધ્રૃવલોક પ્રદાન કરૂં છું.તારા પિતા તને રાજસિંહાસન આપી વનમાં જાય ત્યારે તૂં છત્રીસ હજાર વર્ષ સુધી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરજે.તારી ઇન્દ્રિયોની શક્તિ કાયમ રહેશે.આ લોકમાં ઉત્તમ ભોગો ભોગવીને અંતે મારૂં સ્મરણ કરીને તૂં તમામ લોકોના વંદનીય સપ્તર્ષિઓ કરતાં ઉપરના મારા નિજધામમાં જઇશ કે જ્યાં પહોચ્યા પછી ફરીથી સંસારમાં પાછા આવવું પડતું નથી આવા આર્શિવાદ આપી પ્રભુ પોતાના લોકમાં સિધાવી ગયા.
ત્યારબાદ ઉત્તાનપાદ મધુવનમાં આવી ધ્રૃવને મહેલમાં લઇ જાય છે ત્યાં ધ્રૃવ બંન્ને માતાઓને પ્રણામ કરે છે.જેમ પાણી જાતે જ નીચાણ તરફ વહેવા લાગે છે તેવી રીતે મૈત્રી વગેરે ગુણોના લીધે ભગવાન જેના ઉપર પ્રસન્ન થઇ જાય છે તેની આગળ બધા જીવો નમી પડે છે.પ્રભુનું નિરંતર ધ્યાન કરનારા ધીર પુરૂષો મૃત્યુને જીતી લે છે.
ધ્રૃવે પ્રજાપતિ શિશુમારની પૂત્રી ભ્રમિ સાથે લગ્ન કર્યું તેનાથી કલ્પ અને વત્સર નામના બે પૂત્ર થયા.ધ્રૃવની બીજી પત્ની વાયુપૂત્રી ઇલા હતી.તેનાથી ઉત્કલ નામનો પૂત્ર અને એક કન્યારત્નનો જન્મ થયો.જીતેન્દ્રિય મહાત્મા ધ્રૃવજીએ ઘણા વર્ષો રાજ કર્યા પછી પોતાના પૂત્ર ઉત્કલને રાજસિંહાસન સોંપી સમસ્ત દ્રશ્ય પ્રપંચને અવિદ્યારચિત સ્વપ્ન જેવો માયાથી પોતાનામાં જ કલ્પિત માનીને શરીર પૂત્ર પરીવાર તમામ ભૌતિક સુખના સાધનો કાળના મુખમાં પડેલા છે એમ સમજી બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા.ત્યાં પવિત્ર જળમાં સ્નાન કરી ઇન્દ્રિયોને વિશુદ્ધ કરી સ્થિર આસને બેસી પ્રાણાયામ દ્વારા શ્વાસને વશ કરી મન વડે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી ખસેડી ભગવાનના વિરાટ સ્વરૂપમાં સ્થિર કરી ધ્યાતા અને ધ્યાનના ભેદ વિનાની નિર્વિકલ્પ સમાધિના દ્વારા ભગવાનના ધામમાં ગયા.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


