જૂનાગઢ જિલ્લામાં સંભવિત વાવાઝોડાની વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીની સમીક્ષા બેઠક ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારના અધ્યક્ષ સ્થાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રીએ જરુરી સૂચનો કર્યા હતા અને તેમણે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, જૂનાગઢ જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. માંગરોળમાં ૨૦ અને માળીયાહાટીના માં ૫ સાયકલોન સેલ્ટર હોમમાં પણ તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. માંગરોળ માળીયાહાટીના દરિયા કિનારાથી નજીકના વિસ્તારમાં પાણી – વીજળી સહિતની વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે તેની તકેદારી રાખવામાં આવી છે.
૨૫,૦૦૦ જેટલા ફૂડ પેકેટ પણ તૈયાર કરી પહોંચાડવામાં આવ્યા છે. લોએજમાં એસડીઆરએફની એક ટીમ અને માંગરોળમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, મંત્રીશ્રીના સતત માર્ગદર્શનમાં વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
આ વિડીયો કોન્ફરન્સમાં સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ, જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, અગ્રણી શ્રી કિરીટભાઈ પટેલ, અધિક કલેકટર શ્રી પી. જી. પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


