વડોદરા
૨૨ ગામ ચરોતર લેઉવા પાટીદાર સમાજના અગ્રણી હિતેશ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં એકતા જળવાઈ રહે અને અંદરો-અંદરના નાના-મોટા ઝઘડાનું સ્થાનિક લેવલે જ નિરાકરણ આવે તે માટે અમે એક અભિયાન હાથ ધર્યું છે. જેમાં ૨૨ ગામ ચરોતર લેઉવા પાટીદાર સમાજનાં ૨૬ ગામડાંઓમાં અમે પોળ-શેરી અને ખડકી પ્રમાણે ૨૬ જેટલી ટીમો ઊભી કરી છે. દરેક ટીમમાં વડીલો,યુવાવર્ગ અને મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈ ઘરમાં સમસ્યા હોય અને તેની જાણ ગામડે ગામડે બનાવેલી ટીમને થાય એટલે ટીમ જે તે ઘરના સદસ્યોને મળીને તેમના ઘરની સમસ્યા જાણીને કાઉન્સેલિંગ કરીને તેનો સ્થાનિક લેવલે જ ઉકેલ લાવવામાં આવે છે. હિતેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમે બનાવેલી ટીમ આ પ્રકારનું કામ કરે છે તે માટે છેલ્લા ૬ મહિનામાં બોરસદ તાલુકાના જારોલા અને સીસવા ગામ, વાસદના અડાક ગામ અને આણંદ તાલુકાના નાવલી ગામે મીટિંગ કરવામાં આવી છે. જ્યારે આગામી રવિવારે વાસદ ખાતે પણ મીટિંગ કરી આ અભિયાન વિશે લોકોને જાણ કરવામાં આવશે.સમાજમાં એકતા જળવાઈ રહે અને પરિવારોમાં થતા નાના-મોટા ઝઘડા કોર્ટ-કચેરી સુધી ન પહોંચે અને સ્થાનિક લેવલે જ તેનું નિરાકરણ આવે તે માટે ૨૨ ગામ ચરોતર લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા ૨૬ ગામોમાં વૃદ્વ, મહિલાઓ અને યુવાઓને સામેલ કરી ટીમો બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા જે ઘરમાં સમસ્યા હોય તે પરિવારને મળીને તેમનું કાઉન્સેલિંગ કરી ૮૦થી ૮૫ ટકા કિસ્સામાં સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર મહિનામાં જ ૧૦ જેટલા કેસમાં સમાધાન લાવવામાં આવ્યું છે. ખેડા જિલ્લામાં એક યુવક-યુવતીનાં નવાં લગ્ન થયાં હતાં. લગ્નને ૫ વર્ષ પૂરાં થયાં એટલે સાસરિયાઓ અને પરિણીતા વચ્ચે ઘરકંકાસ થવા લાગ્યો હતો. રોજેરોજ નાનીનાની બાબતોમાં પરિણીતાને સાસુ ટોકે અથવા મહેણાંટોણાં મારે તેવા બનાવો વધવા લાગ્યા હતા. આ વાતની જાણ સમાજની ટીમને થઈ હતી. ટીમના સભ્યો પરિવારને મળ્યા હતા અને ઘરકંકાસનું કારણ શું છે તેની પણ જાણકારી મેળવી હતી. પરિવાર પાસેથી સંપૂર્ણ વાત જાણીને આખરે યુવક અને યુવતી બંને પરિવારોને સમજાવીને સ્થાનિક લેવલે જ ઘરકંકાસનો ઉકેલ લાવવામાં સફળતા મળી હતી.ખેડા જિલ્લામાં જ એક અન્ય કેસમાં એક પરિવારના બે સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. બંનેનાં રસોડાં પણ અલગ થઈ ગયાં હતાં. ત્યારે જે તે ગામની સમાજની ટીમને આ અંગે જાણ થતાં બંને ભાઈઓને સામસામે બેસાડવામાં આવ્યા હતા. તેમના વચ્ચે પ્રોપર્ટી સહિત અલગ અલગ મુદ્દાઓ પર જે મતભેદો હતા તે દૂર કરવામાં આવ્યા હતા. તેમને સમજણ આપી હતી કે ભલે મનમાં ભેદભાવ હોય પરંતુ સમાજમાં તો એકબીજાના ખભેખભા મિલાવીને જ સંપથી રહેવું જાેઈએ. આમ બંને ભાઈઓને સમજાવટથી છૂટા પડતા અટકાવવામાં આવ્યા હતા. ચરોતર, કાનમ અને વાકળ સમાજમાં એકતા જળવાઈ રહે અને એક પ્લેટફોર્મ પર આવે તેના માટે ચરોતર અને લેઉવા પાટીદાર એમ બે મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં સમાજના પ્રમુખ,સેક્રેટરી ઉપરાંત લોકો આ એપ્લિકેશનમાં જાેડાઈને પરિવારના સભ્યોની વિગતો મૂકી શકે તે માટે ગામેગામ એડમીન બનાવવામાં આવ્યા છે. એપ્લિકેશનમાં બિઝનેસ,મેટ્રોમોનિયલ, ફેમિલી ટ્રી સહિતની વિગતો જાેવા મળે છે. પહેલાં સમાજની લગ્નઈચ્છુક યુવક-યુવતીઓની ચોપડી બહાર પડતી હતી.જે હવે બંધ થઈ ગઈ છે.
