મુંબઈ
ચેમ્પિયન્સ લીગ ફૂટબોલના અન્ય મુકાબલામાં બાયર્ન મ્યૂનિચે પોતાના વિજયનો સિલસિલો જારી રાખીને બેનફિકાને ૪–૦થી પરાજય આપ્યો હતો. બાયર્ન મ્યૂનિચે બે ગોલ રેફરલની મદદથી રદ કરાયા બાદ ૭૦મી મિનિટે ગોલનું ખાતું ખોલ્યું હતું. સેનના પ્રથમ ગોલ બાદ બેનફિકાની ડિફેન્સ હરોળ વેરવિખેર થઈ ગઈ હતી. બેનફિકાના આત્મઘાતી ગોલ વડે બાયર્નનો ૮૦મી મિનિટે સ્કોર ૨–૦નો થયો હતો. ૮૨મી મિનિટે રોબર્ટો લેવાન્ડોવસ્કીએ ગોલ કર્યા બાદ સેને ૮૫મી મિનિટે પોતાનો બીજાે ગોલ નોંધાવ્યો હતો.પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ૮૧મી મિનિટે નોંધાવેલા શાનદાર ગોલની મદદથી માન્ચેસ્ટર યુનાઇટેડે ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની લીગ મેચમાં એટલાન્ટાને ૩–૨થી હરાવ્યું હતું. રોનાલ્ડો મેચ પૂરી થવાની વ્હીસલ વાગવાની સાથે મેદાનમાં ઘૂંટણીયે બેસી ગયો હતો અને પૂરું સ્ટેડિયમ તેના નામથી ગુંજી ઊઠયું હતું. ચેમ્પિયન્સ લીગમાં સર્વાધિક ગોલ કરનાર રોનાલ્ડોનો આ ૧૩૮મો ગોલ હતો. ત્રણ સપ્તાહ પહેલાં તેણે વિલારિયલ સામે બીજા રાઉન્ડની મેચના સ્ટોપેજ ટાઇમની પાંચમી મિનિટે ગોલ કરીને ટીમને વિજય અપાવ્યો હતો. યુનાઇટેડની ટીમ હવે ગ્રૂપ–એફમાં ટોચના ક્રમે છે અને વિલારિયલ તેના કરતાં બે પોઇન્ટ પાછળ છે. સેન્ટ પીટર્સબર્ગ ખાતે રમાયેલી લીગ મેચમાં સબસ્ટિટટયૂટ ખેલાડી ડેઝાન કુલુસેવસ્કીના ગોલ વડે જુવેન્ટ્સે ચેમ્પિયન્સ લીગમાં જેનિસ સેન્ટ પીટર્સબર્ગને ૧–૦થી પરાજય આપ્યો હતો. કુલુસેવસ્કીએ છેલ્લી ચાર મિનિટ બાકી હતી ત્યારે મેચનો એક માત્ર ગોલ નોંધાવ્યો હતો. જુવેન્ટ્સે આ પહેલાં માલ્સો તથા ચેલ્સીને હરાવ્યા હતા. જુવેન્ટ્સ હવે ગ્રૂપ–એચમાં મોખરાના સ્થાને છે અને ચેલ્સી તેના કરતાં ચાર પોઇન્ટ પાછળ છે જેણે માલ્મોને ૪–૦થી હરાવી હતી.
