જૂનાગઢ જિલ્લામાં સંભવિત વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા સારામાં સારી કામગીરી કરવામાં આવી રહી છે. આ વાવાઝોડામાં કોઈ પણ પ્રકારે જાનહાનિ ન થાય કે લોકોને ઈજા ન પહોંચે તે માટે વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે. આ પગલાંઓના ભાગરુપે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમ માંગરોળ ખાતે મીડિયા કર્મીઓને જાણકારી આપતા શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યુ હતુ.
મંત્રીશ્રીએ વીજ પ્રશ્ન બાબતે જણાવ્યુ કે, ભારે પવનના કારણે કેટલીક વીજ લાઈન સલામતીના ભાગરુપે બંધ રાખવામાં આવી છે. વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે જરુરિયાત મુજબ અન્ય જિલ્લાઓમાંથી વીજ કામગીરી માટે ટીમ બોલાવવામાં આવી છે. માંગરોળ બંદર ખાતેના જેટીના પ્રશ્ન બાબતે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે તેવી
ખાતરી પણ મંત્રીશ્રીએ આપી હતી.
સંભવિત વાવાઝોડા બાબતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સતત સંપર્કમાં છે, તેમજ સતત કેટલાક દિવસથી પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ સહિત આ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ વિવિધ સ્થળોએ મુલાકાત કરી લોકોના પ્રશ્નો નિવારવા માટે જહમત ઉઠાવી રહ્યા છે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.