૨૧મી જુને બોટાદની સરકારી હાઇસ્કૂલ સહિત જિલ્લાના વિવિધ
૮ જેટલાં સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે
જિલ્લાના આઇકોનિક સ્થળોમાં સાળંગપુર હનુમાનજી મંદિર અને સ્કાય સ્પીનટેક્સ ખાતે યોગ દિવસ ઉજવાશે: જિલ્લા કલેક્ટર
આજરોજ કલેક્ટર કચેરીન વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ના ઉપલક્ષ્યમાં જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
જિલ્લા કલેક્ટરે માધ્યમકર્મીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, “આગામી તા.૨૧મી જુનના રોજ સમગ્ર રાજ્યમાં “આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે ત્યારે બોટાદ જિલ્લામાં સરકારી હાઇસ્કૂલ ખાતે યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. ઉપરાંત જિલ્લાના આઇકોનિક સ્થળોમાં સાળંગપુર હનુમાનજી મંદિર તેમજ અને સ્કાય સ્પીનટેક્સની પસંદગી કરવામાં આવી છે જ્યાં યોગ દિવસ ઉજવાશે સાથોસાથ ઉગામેડી ગામે અમૃત સરોવર ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરાશે.”
કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, “જિલ્લાના વિવિધ ૮ જેટલાં સ્થળોએ અંદાજે ૨ હજાર જેટલાં લોકો યોગ કરશે જેમાં દિવ્યાંગજનો માટે પણ સવિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ ઉજવણીમાં જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓ, બોટાદ શહેરીજનો સહભાગી બનશે. લોકોમાં યોગ વિશે જાગૃતિ વધે તે માટે તા.૧૮મી જુનના રોજ પોલીસ વિભાગ દ્વારા બોટાદ જિલ્લા મથકેથી સાળંગપુર સુધી સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.”
૨૧મી જુનના રોજ યોજાનારા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનવાં બોટાદનગરજનોને કલેક્ટરે અપીલ કરી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વીરાણી, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા, અધિક નિવાસી કલેક્ટર મુકેશ પરમાર, સહાયક માહિતી નિયામક રાધિકા વ્યાસ, જિલ્લા રમત ગમત અધિકારી પરમાર, યોગ કોચ પ્રવીણભાઇ કળથીયા સહિત મીડીયાકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર