Gujarat

વાવેતર પહેલા અને વાવેતર પછી શુ પગલા લેવા અંગે ખેતીવાડી વિભાગની માર્ગદર્શિકા

મગફળીના વાવેતર પહેલા અને વાવેતર પછી શું પગલા લઇ શકાય તે બાબતો ઉપરાંત મગફળી પાકમાં સફેદ ઘૈણ જીવાતનું સંકલન નિયંત્રણ કરી શકાય તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકા મુજબ મુદ્દાઓ જણાવ્યા છે તે ધ્યાને લેતા વાવેતર પહેલા નિયંત્રણના પગલાઓ લેવા જરુરી છે.

  • ઉનાળામાં ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા કોશેટા તથા સુષુપ્ત અવસ્થાનમાં રહેલ પુખ્તન કીટકો (ઢાલિયા) બહાર આવવાથી સૂર્ય તાપથી અથવા પરજીવીઓ અને પરભક્ષીઓ દ્વારા તેનો નાશ થશે.
  • શરુઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના શેઢા પાળા પરના તેમજ આજુબાજુના બધા જ ઝાડો ઉપર કલોરપાયરીફોસ ર૦ ઈ.સી., ર૫-૩૦ મી.લી., પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવાથી ઝાડ ઉપર એકઠાં થયેલ ઢાલિયાનો નાશ થાય. આ ઉપરાંત જમીનમાં પડી રહેલ સુષુપ્ત ઢાલિયા સંધ્યા સમયે જમીનમાંથી બહાર નીકળીને ખેતરના શેઢા-પાળા ૫ર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાને ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો. (એ.એ.યુ.)
  • ઘૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાખન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવો.
  • દીવેલીનો ખોળ ૫૦૦ કિ.ગા./હેક્ટર પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ઘૈણ ઉપરાંત મગફળીના પાકમાં ડોડવાને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી શકાય. (એ.એ.યુ.)

બીજ માવજત :

  • મગફળીના બીજને વાવતા પહેલા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૫ મિલિ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિલિ અથવા ક્લોથીયાનિડીન ૫૦ ડબલ્યુડીજી ૨ ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ ૬.૫ મિલિ પ્રતિ કિગ્રા બીજ પ્રમાણે બીજને પટ આપી, બે ત્રણ કલાક બીજને છાંયડામાં સૂકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો. (એ.એ.યુ.)
  • બ્યુવેરિયા બેસિયાના અને મેટારિઝિયમ એનિસોપ્લિયા નામની ફુગનો પાઉડર ૨૫ ગ્રામ એક કિગ્રા બીજને માવજત આપી વાવેતર કરવુ. (એ.એ.યુ.)

મગફળીના ચાસમાં આપવાની માવજત :

  • જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે જૈવિક જંતુનાશકો જેવી કે મેટારીઝીયમ એનીસોપ્લી અથવા બ્યુવેરીયા બાસીયાના ૧.૧૫ વે.પા. (ન્યુનતમ ૨×૧૦૬ સીએફયુ/ગ્રામ) વાવેતર પહેલા અથવા ઉગવાના ૩૦ દિવસ પછી ૧ કિગ્રા ૩૦૦ કિગ્રા દિવેલી ખોળ સાથે ભેળવી છોડની હરોળમાં આપવી. આ બંન્ને જૈવિક જંતુનાશકો જમીનમા આપતા સમયે જમીનમાં ભેજ હોવો આવશ્યક છે.
  • ઘૈણનો ઉપદ્રવ વધારે રહેતો હોય તો મગફળીના ચાસમાં બજારમાં મળતી રાસાયણીક જંતુનાશકો કલોરપાયરીફોસ ૧૦જી હેકટરે ૧૦ થી ૧પ કિ.ગ્રા. ચાસમાં વાવેતર પહેલા આપવુ.

વાવેતર પછી નિયંત્રણ ના પગલાઓ :

  • જીવાતનો ઉપદ્રવ ઓછો હોય ત્યારરે કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. રપ થી ૩૦ મી.લી. દવા પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે.
  • ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. અથવા કવીનાલફોસ રપ ઈ.સી.  હેકટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારુ નિયંત્રણ મળે છે.
  • ચોમાસામાં મગફળીમાં પિયત ન આપવાનુ હોય ત્યાેરે આ જીવાતના નિયંત્રણ કરવા માટે કલોરપાયરીફોસ ૪ લીટર દવા પ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો જીણી રેતીમાં ભેળવી ત્યાગરબાદ રેતી સુકવી, આ રેતી એક હેકટર વિસ્તાકરમાં છોડના થડ પાસે પુખવી. ત્યારબાદ જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવુ.
  • મીથોક્સી બેન્ઝીન નામનું રસાયણ બજારમાં ઉપલબ્ધ છે જે આ જીવાતના એગ્રીગેશન એટલેકે બધા પુખ્ત એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા, ૫ x ૫ સેં.મી.ના વાદળી (સ્પોંજ)ના ટૂકડા કરવા, જેને ૪૫-૫૦ સેં.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને બીજા છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી. વાદળીના ટૂકડા પર ટપકણીયામાંથી ૩ મિલિ જેટલું મીથોક્સી બેન્ઝીન ટીંપે ટીંપે રેડવું. (એ.એ.યુ.)

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર

/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતીનિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *