Gujarat

જૂનાગઢ જિલ્લો ખરા અર્થમાં યોગમય બને તે દિશામાં જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં  આયોજન ઘડી કાઢવામાં આવ્યું

૨૧મી જૂનના ૯માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ખરા અર્થમાં જૂનાગઢ જિલ્લો યોગમય બને તે દિશામાં કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરુપે આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

    જૂનાગઢના આઈકોનિક સ્થળ એવા ગિરનાર હિલ, દામોદર કુંડ સહિતના સ્થળો પર યોગાસન કરવામાં આવશે. યોગાભ્યાસના આ સ્થળોની સાથે જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ આરોગ્ય કેન્દ્ર જેલ પોલીસ સ્ટેશન પોલીસ હેડ ક્વાર્ટર સહિતના સ્થળોએ યોગ કાર્યક્રમ યોજવામાં આવશે.

    આ ઉપરાંત નગરપાલિકામાં વોર્ડ વાર અને તાલુકા કક્ષાએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

     આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સંભવત જિલ્લા કક્ષાની ઉજવણી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવશે.

    વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જન – જન જોડાય અને યોગ માટે વ્યાપક જનજાગૃતિ આવે તે માટે પણ કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લા સમાહર્તા શ્રી અનિલકુમાર રાણાવસિયાએ નિર્દેશ આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને સુચારું રીતે ઉજવણી થાય તે માટે પણ આ બેઠકમાં જરુરી સૂચનાઓ આપી હતી.

     ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર અને ગુજરાત સરકારે G-20ની ‘વન અર્થ, વન હેલ્થ’ની થીમને ધ્યાનમાં રાખી આ વર્ષે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ના નારા સાથે ”વસુધૈવ કુટુંબકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે ૨૧મી જૂન-૨૦૨૩ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

     વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરુપે મળેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, નિવાસી અધિક કલેકટર શ્રી પી.જી. પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે સહિતના સંબંધિત વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *