માંડવ્ય નામના એક વિખ્યાત મહાન સિદ્ધિવાન બ્રાહ્મણ જે ધૈર્યવાન,તમામ ધર્મોના જ્ઞાતા, સત્યનિષ્ઠ અને તપસ્વી હતા.ખાંડવવનમાં તેમનો આશ્રમ હતો.તેમને તપસ્યા દ્વારા ઘણી સિદ્ધિઓ પ્રપ્ત કરી હતી.તે પોતાના આશ્રમના દ્વાર ઉપર એક વૃક્ષ નીચે બંન્ને હાથોને ઉપર ઉઠાવી મૌનવ્રત ધારણ કરી ઉભા રહી કઠીન તપશ્ચર્યા કરતા હતા.
માંડવ્યઋષિના શાપથી ધર્મરાજાનો દાસીપુત્ર વિદુરજી તરીકે શુદ્રને ત્યાં જન્મ થયો હતો.માંડવ્ય ઋષિની કથા એવી છે કે એક વખત કેટલાક ચોરો રાજાના ખજાનામાં મૂલ્યવાન રત્નોનો ચોરી કરી હતી. તેમની પાછળ સૈનિકો પડ્યા એટલે પકડાઇ જવાના ડરથી રસ્તામાં આવતા માંડવ્યઋષિના આશ્રમમાં બધું ચોરેલ ધન-વૈભવ ફેંકીને આશ્રમમાં સંતાઇ જાય છે.આશ્રમમાં તપાસ કરતાં છુપાયેલ ચોરો પકડાઇ જાય છે.રાજાના ખજાનામાંથી ચોરાયેલ તમામ ધન સંપત્તિ જોઇને સૈનિકોએ માની લીધું કે માંડવ્યઋષિ જ ચોર છે એટલે ચોરોની સાથે તેમને પણ પકડીને ધન-સંપત્તિ સાથે રાજા સમક્ષ હાજર કરવામાં આવે છે.
રાજાએ પુરતી તપાસ કર્યા વિના ચોરો તથા માંડવ્યઋષિને પણ પ્રાણદંડની સજા કરવામાં આવે છે.માંડવ્યઋષિને શૂળી ઉપર ચઢાવવામાં આવે છે.ધર્માત્મા મહર્ષિ માંડવ્ય લાંબા સમય સુધી શૂળીના અગ્રભાગ બેસી રહેવા છતાં તથા ભોજન ન મળવા છતાં તેમનું મૃત્યુ થતું નથી.તેઓ શૂળીની અણી પર ગાયત્રી મંત્રનો જાપ કરે છે.ચોવીસ કલાક થયા છતાં ઋષિના શરીરમાં શૂળીનો પ્રવેશ થયો નથી.ઋષિએ સ્મરણ કરીને ઋષિઓને પોતાની પાસે બોલાવ્યા.શૂળીની અણી ઉપર રહીને તપસ્યા કરનાર મહાત્માથી પ્રભાવિત થઇને તમામ તપસ્વી મુનીઓને દુઃખ થયું અને તેઓ રાત્રિના સમયે પક્ષીઓનું રૂપ ધારણ કરીને આવીને વિપ્રવર માંડવ્ય ઋષિને પુછે છે કે આપે એવું કયું પાપ કરેલું કે જેના ફળસ્વરૂપે શૂળી ઉપર બેસવાનું મહાન કષ્ટ પ્રાપ્ત થયું છે? ત્યારે મુનિ કહે છે કે હું કોના ઉપર દોષ લગાઉ? બીજા કોઇએ મારો અપરાધ કર્યો નથી.
ઋષિનું દિવ્ય તેજ જોઈ રાજાને લાગ્યું કે આ કોઈ ચોર નથી પણ પવિત્ર તપસ્વી મહાત્મા લાગે છે.ઋષિને શૂળી પરથી નીચે ઉતરાવ્યા.સઘળી હકીકત જાણી રાજાને દુઃખ થયું અને ઋષિની માફી માંગતા કહે છે કે મેં મોહ અને અજ્ઞાનતાવશ જે અપરાધ કર્યો છે તેના માટે આપ મારી ઉપર ક્રોધ ના કરશો મને માફ કરજો.માંડવ્યઋષિ કહે છે રાજન હું તને ક્ષમા આપીશ પણ યમરાજને માફ નહિ કરૂં.મેં પાપ નથી કર્યું તો મને આવી સજા કેમ? મુનિને શૂળી ઉપરથી ઉતારીને શૂળીનો આગળનો ભાગ જે મુનિના શરીરમાં ઘુસી ગયો હતો તેને કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ ન નીકળતાં અણીનો ભાગ તેમના શરીરમાં જ રહેવા દઇને કાપી નાખવામાં આવે છે.તેમના શરીરમાં શૂળીનો અગ્રભાગ લઇને ફરતા હોવાથી તેમને અણિ-માંડવ્ય કહેવાયા.
ત્યારબાદ પરમાત્મા તત્વના જ્ઞાતા વિપ્રવર માંડવ્યઋષિ ધર્મરાજાના દરબારમાં આવીને પૂછે છે મને કયા પાપની સજા કરવામાં આવી છે? ધર્મરાજાએ જોયું તો ઋષિના નામે કોઈ પાપ જમા ન હતા. ધર્મરાજા ગભરાયા છે.તેમને વિચાર્યું કે ભૂલ થઇ છે એમ કહીશ તો ઋષિ શ્રાપ આપશે એટલે ધર્મરાજાએ કહ્યું છે કે તમે બાલ્યાવસ્થામાં હતા ત્યારે એક પતંગિયાને કાંટો ભોંકેલો તેની આ સજા છે.થોડું દાન કરવાથી તેનું અનેકઘણું ફળ મળે છે તેવી જ રીતે થોડો અધર્મ કરવાથી દુઃખરૂપી ફળ ભોગવવું પડે છે.
ત્યારે માંડવ્યઋષિ કહે છે કે મેં ક્યારે અને કેટલી ઉંમરે આ પાપ કર્યું હતું તે મને બતાવો? ત્યારે ધર્મરાજા કહે છે કે તમે ત્રણ વર્ષની ઉંમરે આ પાપ કર્યું હતું ત્યારે માંડવ્યઋષિ કહે છે કે ધર્મશાસ્ત્ર અનુસાર બાર વર્ષની ઉંમર સુધી બાળક જે કંઇ કર્મ કરે છે તેને અધર્મ માનવામાં આવતો નથી કે તેનું ફળ તેને ભોગવવું પડતું નથી.તમે નાના સરખા કર્મનો મને બહુ મોટો દંડ આપ્યો છે.
માંડવ્યઋષિ કહે છે કે શાસ્ત્રમાં આજ્ઞા છે કે કોઈ મનુષ્ય અજ્ઞાનાવસ્થામાં કાંઇ પાપ કરે તો તેની સજા જાગૃત અવસ્થામાં નહિ,સ્વપ્નાવસ્થામાં કરવામાં આવે છે. હું બાળક હતો ત્યારે અજ્ઞાન હતો અને કરેલા પાપની સજા સ્વપ્નામાં કરવી જોઈતી હતી.તમે ગેરવ્યાજબી રીતે ખોટી સજા કરી છે.ધર્મરાજાના પવિત્ર આસન પર બેસવા તમે લાયક નથી તેથી હું તમને શાપ આપું છું કે શૂદ્રયોનિમાં તમારો જન્મ થાઓ અને ત્યાં તમે ન્યાય-અન્યાયની સમસ્યાઓનું સમાધાન કરતાં કરતાં થાકી જશો.આજથી સંસારમાં ધર્મના ફળને પ્રગટ કરનાર મર્યાદા સ્થાપિત કરૂં છું કે ચૌદ વર્ષની ઉંમર સુધી જે કર્મ કરવામાં આવશે તેનું પાપ નહી લાગે.આ પ્રમાણે માંડવ્યઋષિના શાપથી સાક્ષાત ધર્મરાજા જ વિદુર તરીકે દાસીને ઘેર જન્મ્યા હતા.તેઓ ધર્મશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રના પંડીત,લોભ અને ક્રોધથી રહીત,દીર્ધદર્શી શાંતિપરાયણ હતા.
દેવથી ભૂલ થાય તો તેને મનુષ્ય બનવું પડે છે અને મનુષ્ય ભૂલ કરે તો તેને ચાર પગવાળા પશુ બનવું પડે છે.સદગુરૂ પરમાત્માની કૃપાથી એક પ્રભુ પરમાત્માને જાણીને,અમારા મનને હરીનામમાં લગાવવાથી અમો પાપ કરવાથી બચીએ છીએ તથા સદગુરૂ અમોને શરણમાં લઇ અમારો મનુષ્ય જન્મ સફળ બનાવે છે.
વિદુરજી વિચારે છે કે એકવાર મારી ભૂલ થઇ અને દેવનો મનુષ્ય બન્યો હવે હું અસાવધ રહીશ તો પશુ બનીશ.હવે મારા હાથે કોઈ પુણ્ય ના થાય તો વાંધો નહિ પણ પાપ તો ના જ થાય.પાપ ના કરે એ જ મહાપુણ્ય છે.
વિચારવાન પુરૂષ પા૫ કરવા ઇચ્છતો નથી કેમ કે પાપનું પરિણામ દુઃખ હોય છે અને દુઃખને કોઇપણ મનુષ્ય ઇચ્છતો નથી પરંતુ હૈયામાં સાંસારીક ભોગ અને સંગ્રહની ઇચ્છા જ તમામ પાપોનું મૂળ છે.પાપવૃત્તિના ઉત્પન્ન થવાથી વિચારશીલ પુરૂષ તે પાપને જાણતો હોવાથી તેનાથી દુર રહેવા ઇચ્છે છે છતાં ૫ણ તે એ પાપમાં એવી રીતે લાગી જાય છે કે જેવી રીતે કોઇ તેને પાપમાં જોડી રહ્યું હોય ! આથી એવું જણાય છે કે પાપમાં લગાવવાવાળું કોઇ બળવાન કારણ છે.
અંતકાળમાં બે યમદૂતો આવે છેઃપાપ પુરૂષ અને પુણ્ય પુરૂષ.પાપ પુરૂષ કહે છે કે તેં બહુ પાપ કર્યા છે એમ કહી મારે છે.પુણ્ય પુરૂષ કહે છે કે તને પુણ્ય કરવાની તક આપી હતી છતાં પણ તેં પુણ્ય કેમ કર્યું નહિ? ભક્તિ કરવાનો તને અવસર આપ્યો હતો છતાં ભક્તિ કેમ ના કરી? તેમ કરીને મારે છે.આ જીવ મરે છે ત્યારે અતિશય તરફડે છે.


