Gujarat

સ્થિતપ્રજ્ઞ પુરૂષનાં લક્ષણો

શ્રીમદ ભગવદ ગીતા(૨/૫૪)માં અર્જુન પ્રશ્ન પુછે છે કે મોહરૂપી કાદવ અને સાંભળવાથી થયેલ વિપરીત જ્ઞાન દૂર થવાથી યોગને પ્રાપ્ત થયેલા સ્થિર બુદ્ધિવાળા પરમાત્મામાં સ્થિત સ્થિતપ્રજ્ઞ પુરૂષનું લક્ષણ શું છે? તે કેવી રીતે બોલે છે? કેવી રીતે બેસે છે? તથા કેવી રીતે વ્યવહાર કરે છે? તેનો જવાબ આપતા ભગવાન કહે છે કે જે વખતે સાધક મનમાં આવેલી તમામ કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી (પોતે-પોતાનાથી) આત્મામાં(પોતે-પોતાનામાં) જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.આપણે બુદ્ધિને સ્થિર બનાવવા પ્રયત્ન કરીએ છીએ પરંતુ કામનાઓનો ત્યાગ થતાં જ બુદ્ધિ આપો આપ સ્થિર થઇ જાય છે.

દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી અને સુખો મળતાં જેના મનમાં સ્પૃહા થતી નથી તથા જેના રાગ-ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મનનશીલ મનુષ્ય સ્થિર બુદ્ધિ કહેવાય છે.ક્રિયામાં ભાવ જ મુખ્ય છે.ક્રિયામાત્ર ભાવપૂર્વક જ થાય છે.ભાવ બદલાતાં ક્રિયા બદલાઇ જાય છે.

ભક્ત સર્વત્ર અને સર્વમાં પોતાના ૫રમ પ્રિય પ્રભુને જ જુવે છે.આથી તેની દ્દષ્‍ટિમાં મન-વાણી અને શરીરથી થવાવાળી તમામ ક્રિયાઓ પ્રભુની પ્રસન્નતા માટે જ થાય છે,એવી અવસ્થામાં ભક્ત કોઇપણ પ્રાણીને ઉદ્વેગ કેવી રીતે ૫હોચાડી શકે? મનનું એકરૂ૫ ન રહેતાં હલચલયુક્ત થઇ જવું એ ઉદ્વેગ કહેવાય છે.ગીતાના અધ્યાયઃ૧૨/૧૫મા શ્લોકમાં ઉદ્વેગ શબ્દ ત્રણવાર આવ્યો છે.૫હેલીવાર ઉદ્વેગની વાત કહીને ભગવાને બતાવ્યું છે કે ભક્તની કોઇ૫ણ ક્રિયા તેના તરફથી કોઇ મનુષ્‍યના ઉદ્વેગનું કારણ બનતી નથી.બીજીવાર ઉદ્વેગની વાત કહીને એ બતાવ્યું છે કે બીજા મનુષ્‍યની કોઇ૫ણ ક્રિયાથી ભક્તના અંતઃકરણમાં ઉદ્વેગ થતો નથી.આ સિવાય ૫ણ બીજા કેટલાક કારણોથી ૫ણ મનુષ્‍યને ઉદ્વેગ થાય છે જેમકે વારંવાર પ્રયત્ન કરવા છતાં ૫ણ પોતાનું કાર્ય ના થવું, કાર્યનું ઇચ્છાનુસાર ફળ ના મળવું, અનિચ્છાએ ઋતુ ૫રીવર્તન, ધરતીકં૫, પૂર વગેરે ઘટના બનવી.પોતાની કામના-માન્યતા-સિદ્ધાંત અથવા સાધનમાં વિઘ્ન ૫ડવું વગેરે. ભક્ત આ બધા પ્રકારના ઉદ્વેગોથી મુક્ત હોય છે.આ બતાવવા માટે ઉદ્વેગની ત્રીજીવાર વાત કરવામાં આવી છે.ટૂંકમાં જે ભક્ત હોય છે તેના અંતઃકરણમાં ઉદ્વેગ નામની કોઇ ચીજ રહેતી નથી.ઉદ્વેગ થવામાં અજ્ઞાનજનિન ઇચ્છા અને આસુરી સ્વભાવ જ કારણ છે.ભક્તમાં અજ્ઞાનનો અભાવ હોવાથી કોઇ સ્વતંત્ર ઇચ્છા જ રહેતી નથી ૫છી આસુરી સ્વભાવ તો સાધનાવસ્થામાં જ નષ્‍ટ થઇ જાય છે.ભગવાનની ઇચ્છા જ ભક્તની ઇચ્છા હોય છે.

વસ્તુઓની આવશ્યકતા પ્રતિત થવી એ સ્પૃહા છે.સુખો આવવાની સંભાવના અને સુખની પ્રાપ્તિ થવા છતાં જેના હૈયામાં તેની સ્પૃહા થતી નથી. સંસારના પદાર્થોનો મન પર જે રંગ લાગી જાય છે તેને રાગ કહે છે.પદાર્થોમાં રાગ થવાથી જો કોઇ સબળ વ્યક્તિ તે પદાર્થોનો નાશ કરે,પ્રાપ્તિમાં વિઘ્ન નાખે તો મનમાં ભય થાય છે.જો વિઘ્ન નાખનાર નિર્બળ હોય તો તેના ઉપર ક્રોધ આવે છે.

આસક્તિથી રહિત થયેલ જે પુરૂષ શુભ કે અશુભને પ્રાપ્ત કરીને ના તો પ્રસન્ન થાય છે કે ના તો દ્વેષ કરે છે. જેવી રીતે કાચબો બધી બાજુથી પોતાના અંગોને સમેટી લે છે એવી જ રીતે કર્મયોગી ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને બધી રીતે હટાવી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઇ જાય છે.તે મનથી પણ વિષયોનું ચિંતન કરતો નથી.જો તેનો ઇન્દ્રિયોની સાથે સહેજપણ માનસિક સબંધ ચાલુ રહે તો તે સ્થિતપ્રજ્ઞ નથી.

ફક્ત ઇન્દ્રિયોનું વિષયોથી હટી જવું એ સ્થિતપ્રજ્ઞનું લક્ષણ નથી. નિરાહારી ઇન્દ્રિયોને વિષયોથી હટાવવાવાળા પુરૂષના પણ વિષયો તો નિવૃત્ત થઇ જાય છે પરંતુ રસ નિવૃત્ત થતા નથી પરંતુ પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કરીને આ સ્થિતપ્રજ્ઞ પુરૂષનો તો રસ પણ નિવૃત્ત થઇ જાય છે એટલે કે તેની સંસારમાં રસબુદ્ધિ રહેતી નથી.

મનુષ્ય નિરાહાર બે રીતે થાય છે.છે.પોતાની ઇચ્છાથી ભોજનનો ત્યાગ કરી દેવો અથવા બિમારી આવવાથી ભોજનનો ત્યાગ કરી દેવો અને તમામ વિષયોનો ત્યાગ કરીને એકાંતમાં બેસવું એટલે કે ઇન્દ્રિયોને વિષયોથી હટાવી લેવી.ભોગોની સત્તા અને મહત્તા માનવાથી અંતઃકરણમાં ભોગોના પ્રત્યે એક સૂક્ષ્મ ખેંચાણ-પ્રેમ અને મીઠાશ પેદા થાય છે તેનું નામ રસ છે.કોઇ લોભી માણસને રૂપિયા મળી જાય અને કામી વ્યક્તિને સ્ત્રી મળી જાય તો તેના અંતઃકરણમાં પ્રસન્નતા જન્મે છે એ જ રસ છે.ભોગ ભોગવ્યા પછી માણસ કહે છે કે ખુબ મઝા આવી-આ એ રસની સ્મૃતિ છે.આ રસ અહમમાં રહે છે.આ રસનું સ્થૂળરૂપ રાગ- સુખાસક્તિ છે.

જ્યાંસુધી અંતઃકરણમાં સહેજપણ ભોગોની સત્તા અને મહત્વ છે,ભોગોમાં રસવૃત્તિ છે ત્યાંસુધી પરમાત્માનો અલૌકિક રસ પ્રગટ થતો નથી.તત્વનો બોધ થતાં રસ નષ્ટ થઇ જાય છે પરંતુ તત્વબોધ થતાં પહેલાં તેની ઉપેક્ષા વિચાર સત્સંગ અને સંતકૃપાથી રસ નિવૃત્ત થઇ જાય છે અને જેમની રસબુદ્ધિ નિવૃત્ત થઇ છે એવા તત્વજ્ઞાની મહાપુરૂષોના સંગથી પણ રસવૃત્તિ નિવૃત્ત થાય છે.

રસની નિવૃત્તિ ના થાય તો રસબુદ્ધિ રહેવાથી પ્રયત્ન કરવા છતાં બુદ્ધિમાન મનુષ્યની પણ મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક હરી લે છે તેથી તેની બુદ્ધિ પરમાત્મા તત્વમાં પ્રતિષ્ઠિત થતી નથી તેના માટે તમામ ઇન્દ્રિયોને વશમાં કરીને પ્રભુ પરાયણ થઇને બેસવું કેમકે જે સાધકની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે.

વિષયોનું ચિંતન કરનારા મનુષ્યની તે વિષયમાં આસક્તિ થાય છે.આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે.કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ આવે છે.ક્રોધથી મૂઢતા(મોહ) આવે છે.મૂઢતાથી સ્મૃતિ ભ્રષ્ટ થઇ જાય છે.સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિ(વિવેક) નાશ પામે છે.બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થાય છે.

સ્વાધિન અંતઃકરણનો કર્મયોગી સાધક રાગ-દ્વેષ વિનાની પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરતો રહીને અંતઃકરણની નિર્મળતાને પામે છે.અંતઃકરણ નિર્મળ થતાં સાધકના તમામ દુઃખોનો નાશ થઇ જાય છે અને એવા શુદ્ધ ચિત્તના કર્મયોગીની બુદ્ધિ નિઃસંદેશ તત્કાળ પરમાત્મામાં સ્થિર થઇ જાય છે.

જે પુરૂષે મન અને ઇન્દ્રિયો જીત્યાં નથી તેનામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોતી નથી.નિશ્ચયાત્મિકા બુદ્ધિ ના હોવાથી તે અયુક્ત માણસમાં નિસ્વાર્થભાવ અથવા કર્તવ્યપરાયણતાનો ભાવ હોતો નથી.નિષ્કામભાવ ન હોવાથી તેને શાંતિ મળતી નથી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે? પોતપોતાના વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી એક જ ઇન્દ્રિય જે મનને પોતાનો અનુગામી બનાવી લે છે તે એકલું મન જળમાં નૌકાની વાયુ હરી લે છે તેમ તેની બુદ્ધિને હરી લે છે.

જેની ઇન્દ્રિયો વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું તફાવત છે? તેનો જવાબ આપતાં ભગવાન ગીતા(૨/૬૯)માં કહે છે કે તમામ પ્રાણીઓ માટે જે રાત્રિ (પરમાત્માથી વિમુખતા) છે તેમાં સંયમી મનુષ્ય જાગે છે અને જેમાં તમામ પ્રાણીઓ જાગે છે (ભોગ અને સંગ્રહમાં લાગેલા છે) તે તત્વને જાણનારા મુનિની દ્રષ્ટિમાં રાત્રિ છે.

જેમ બધી બાજુંથી ભરપુર,અચળ,પ્રતિષ્‍ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઇ જાય છે તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરૂષમાં કોઇપણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઇ જાય છે તે જ પુરૂષ પરમ શાંતિને પામે છે.(ગીતાઃ૨/૭૦)

વિષયોનું ચિંતન કરનાર મનુષ્યની તે વિષયમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે, કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે,ક્રોધથી મોહ અને મોહથી સ્મૃતિ ભ્રષ્ટ થાય છે અને સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિ (વિવેક) નાશ પામે છે અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થાય છે. વિવેકપૂર્વક સંયમ કર્યા વિના કામના નષ્ટ થતી નથી.તમામ કામનાઓનો ત્યાગ કર્યા વિના કોઇ સ્થિતપ્રજ્ઞ બની શકતો નથી કારણ કે કામનાઓના કારણે જ સંસારની સાથે સબંધ જોડાયેલો છે.આ૫ણને એક જ કામના રહે છે કે લોકો અમોને સારા કહે. હ્રદયમાં રહેલી તમામ કામનાઓ જ્યારે સમુળગી નષ્ટ થઇ જાય છે ત્યારે મરણધર્મી મનુષ્ય અમર થઇ જાય છે અને અહી મનુષ્ય શરીરમાં જ બ્રહ્મનો સારી રીતે અનુભવ કરી લે છે. જે સમયે મનુષ્ય પોતાના મનમાં રહેવાવાળી તમામ કામનાઓનો ૫રીત્યાગ કરી દે છે તે જ સમયે તે ભગવત્સ્વરૂ૫ને પ્રાપ્ત કરી લે છે. જે પોતાની તમામ કામનાઓ ઉ૫ર વિજ્ય પ્રાપ્ત કરી લે છે તે સદાયના માટે સુખી બની જાય છે.

વિનોદભાઇ માછી નિરંકારી

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *