નવીદિલ્હી
હાલમાં ઈંગ્લેન્ડમાં પુરૂષો અને મહિલાઓની એશિઝ શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક તરફ જ્યાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પુરૂષ ક્રિકેટરો આમને-સામને છે તો બીજી તરફ એશિઝ શ્રેણી અંતર્ગત રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટમાં બંને ટીમોની મહિલા ક્રિકેટરો પણ લડી રહી છે. ઇંગ્લેન્ડની બેટરે મહિલા એશિઝમાં અજાયબીઓ કરી છે. ટેમી બ્યુમોન્ટે બેટિંગમાં ૮૮ વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ખાસ યાદીમાં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે નોટિંગહામમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ટેમી બ્યુમાઉન્ટે બેવડી સદી ફટકારી હતી. તેણે ૩૩૧ બોલમાં ૨૭ ચોગ્ગાની મદદથી ૨૦૮ રનની ઇનિંગ રમી હતી. બ્યુમોન્ટ ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારી ઈંગ્લેન્ડની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. આ દરમિયાન ટેમી બ્યુમોન્ટે ઈંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર બેટી સ્નોબોલનો ૮૮ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ પહેલા ઇંગ્લેન્ડ માટે મહિલા ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ બેટી સ્નોબોલના નામે હતો. સ્નોબોલે ૮૮ વર્ષ ૧૨૮ દિવસ પહેલા આ રેકોર્ડ બનાવ્યો હતો. ટેમી બ્યુમોન્ટનો અગાઉનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૭૦ રન હતો. ૧૬ જૂન ૧૯૩૫ના રોજ, બેટી સ્નોબોલે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે ૧૮૯ રનની ઈનિંગ રમી હતી, જે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં એકંદરે ચોથા ક્રમે હતી. ઇંગ્લેન્ડે આ ટેસ્ટ મેચ ઇનિંગ્સ અને ૩૩૫ રને જીતી હતી. બ્યુમોન્ટે જુલાઈ ૧૯૭૬માં ઓસ્ટ્રેલિયા સામે ૧૯૭૬ રન બનાવનાર રાચેલ હેહોઉ ફ્લિન્ટનો રેકોર્ડ પણ તોડ્યો છે. ટેમી બ્યુમોન્ટને ૨૦૮ના વ્યક્તિગત સ્કોર પર એશ્લે ગાર્ડનરે આઉટ કર્યો હતો. બ્યુમોન્ટ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારી હિથર નાઈટ પછી ઈંગ્લેન્ડની બીજી મહિલા ક્રિકેટર છે. ૩૨ વર્ષીય ટેમી બ્યુમોન્ટ ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીનો વિમેન્સ એશિઝમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ તોડવામાં માત્ર પાંચ રન પાછળ પડી ગઈ હતી. પેરીએ વર્ષ ૨૦૧૭માં અણનમ ૨૧૩ રનની ઇનિંગ રમી હતી. બેવમોન્ટ બેવડી સદી ફટકારનાર બીજાે ઓપનર છે. આ પહેલા પાકિસ્તાનની કિરણ બલોચે વર્ષ ૨૦૦૪માં વેસ્ટ ઈન્ડિઝ સામે આ કારનામું કર્યું હતું, જ્યારે તે ૫૮૪ બોલમાં ૨૪૨ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.


