નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાત મારફત લોકો સાથે સંબોધન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને કોરોના રસીના ૧૦૦ કરોડ ડોઝ, તેમાં સ્વાસ્થ્ય કર્મચારીઓના યોગદાન, સરદાર પટેલ, બિરસા મુંડાની જયંતી, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના યોગદાન, ડ્રોન ટેક્નોલોજી, સ્વચ્છતા, તહેવારો પર વોકલ ફોર લોકલ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, ૧૦૦ કરોડ રસીકરણ માટે દેશવાસીઓને અભિનંદન. ૧૦૦ કરોડ રસીકરણનું લક્ષ્ય પાર કર્યા પછી આજે દેશ નવા ઉત્સાહ, નવી ઊર્જાથી આગળ વધી રહ્યો છે. આપણા રસીકરણ કાર્યક્રમની સફળતા ભારતનું સામર્થ્ય બતાવે છે. તેમણે જણાવ્યું કે, ભારત દુનિયાના એ પહેલા દેશોમાંથી છે, જે ડ્રોન ટેક્નોલોજીની મદદથી તેમના ગામમાં જમીનનો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરી રહ્યું છે. આપણે ડ્રોન ટેક્નોલોજીમાં અગ્રણી દેશ બનવાનું છે. તેના માટે સરકાર દરેક શક્ય પગલાં લઈ રહી છે. તેમણે વોકલ ફોર કોલ પર ભાર મૂકતા કહ્યું કે તમે લોકલ ખરીદશો તો તહેવારોની સાથે ગરીબોના ઘરમાં પણ પ્રકાશ ફેલાશે. વોકલ ફોર લોકલનું અભિયાન આ તહેવારોમાં વધુ મજબૂત બનશે.
