ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં પડેલા ભારે વરસાદને કારણે, ચમોલીના છિંકા ખાતે આજે ગુરુવારે ભૂસ્ખલન થયું હતું. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને લીધે, ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાસ કરીને ચમોલીથી બદ્રીનાથ જવાનો નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ જતા, બદ્રીનાથ જવા આવવા માટેના બન્ન તરફના માર્ગમાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. સેંકડો મુસાફરો અટવાઈ ગયા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં, આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે, ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ ભૂસ્ખલન થવા પામ્યુ છે. પરંતુ ચમોલીના છિંકા નજીક મોટી માત્રામાં ભૂસ્ખલન થયું છે. જેના કારણે, ચારધામની યાત્રાએ ખાસ કરીને બદ્રીનાથ આવતા અને જતા યાત્રાળુઓ અટવાઈ જવા પામ્યા છે. ભૂસ્ખલનને કારણે યાત્રાળુઓ અટવાઈ ગયા હોવાના સમાચાર મળતા જ, ચમોલીના જિલ્લા વહીવટી તંત્રે, રોડ ઉપર આવેલ કાટમાળ ખસેડવા માટે તાકીદે કર્મચારીઓને કામે લગાવી દીધા હતા. જાે કે ભૂસ્ખલન મોટુ હોવાને કારણે, ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં સમય લાગે તેમ હોવાનુ સામે આવ્યું છે. આમ છતા તંત્ર વધારાના કર્મચારીઓ અને જેસીબી સહિતના વાહનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે ચમોલીથી બદ્દીનાથ જવાના માર્ગે બન્ને તરફ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. બદ્રીનાથ અને હેમકુંડ જતા આવતા બન્ને તરફ કલાકોથી ટ્રાફિક જામ રહેતા યાત્રાળુઓ પણ મુશ્કેલીમા મુકાયા છે. ભૂસ્ખલન થયું છે તે સ્થળ ચમોલીથી બદ્રીનાથ જવાના માર્ગ ઉપર પાંચ કિલોમીટર દૂર થયું છે. જેના કારણે તીર્થયાત્રીઓ હેરાન પરેશાન થવા પામ્યા છે. જાે કે વહીવટીતંત્રે ભૂસ્ખલનને કારણે ફસાયેલા યાત્રાળુઓની મદદ માટે વ્યવસ્થા કરી છે. જેમાં ફસાયેલા યાત્રાળુ અને મુસાફરોને પીવાનું પાણી, સુકો નાસ્તો અને બિસ્કીટ આપવામાં આવ્યા છે. હવામાન વિભાગે, ઉતર ભારતમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી કરી છે. આવા સંજાેગોમાં ચારધામની યાત્રાએ આવતા યાત્રાળુઓને હવામાન વિભાગની આગાહી અને વાતાવરણને જાેઈને જ યાત્રાએ નીકળવા તંત્ર અવારનવાર અપીલ કરતુ હોય છે. હાલ ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા ચાલી રહી હોવાથી, દેશના વિભિન્ન રાજ્યોમાંથી યાત્રાળુઓ મુસાફરો યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ખાતે આવતા રહ્યાં છે.