મુંબઈ
ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા અત્યારે ઢગલાબંધ ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા છે જે ભવિષ્યમાં આ રમતે મારી નાખશે અને વેસ્ટ ઇન્ડિઝ જેવા નાના નાના ક્રિકેટ બોર્ડને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આગળ વધવા માટે વધુ સારું વળતર આપવું જાેઇએ. તેમ વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન ક્રિસ ગેઇલનું માનવું છે. ક્રિસ ગેઇલ તેના ટી૨૦ ક્રિકેટના ઝઝાવાત માટે જાણીતો છે પરંતુ સાથે સાથે તે વેસ્ટ ઇન્ડિઝ માટે ૧૦૩ ટેસ્ટ અને ૩૦૧ વન-ડે મેચ રણ રમેલો છે. ૪૩ વર્ષીય ગેઇલે જણાવ્યું હતું કે ત્રણ જ ટીમનું ટેસ્ટ મેચમાં વર્ચસ્વ રહે તે લાંબા ગાળે ક્રિકેટ માટે નુકસાનકર્તા છે. છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટમાં ઘણું પરિવર્તન આવ્યું છે. હવે તે મોટો બિઝનેસ બની ગયું છે. માત્ર ટી૨૦ ક્રિકેટ લીગ જ નહીં પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં પણ ઘણો પૈસો આવી રહ્યો છે. આ સંજાેગોમાં મોટી ટીમોને સારું વળતર મળી રહે છે પરંતુ નાની ટીમોને ખાસ કાંઈ મળતું નથી જે તેમના માટે ગેરલાભ છે. આ માટે એક ચોક્કસ માળખું, એક ચોક્કસ સિસ્ટમ હોવી જરૂરી છે જેથી તમામને લાભ મળી રહે. નુકસાનકર્તા કે નીચલા ક્રમાંક ધરાવતી ટીમોએ વધુ મેચો રમવી જાેઇએ જેથી તેમનામાં રહેલા કૌશલ્યનો પણ વિકાસ થાય. તેમના માટે યોગ્ય માળખું રચાવાની જરૂર છે અને તે ખેલાડીઓને વધારે સારું વળતર ચુકવવું જાેઇએ કેમ કે તમામ ટીમો એક સરખા જ પ્રકારનું અને વધારે ક્રિકેટ રમી શકે તેમ ક્રિસ ગેઇલે ઉમેર્યું હતું. ક્રિસ ગેઇલ ઇન્ડિયન વેટરન્સ પ્રીમિયર લીગના ઉદઘાટન પ્રસંગે અહીં આવ્યો હતો.જમૈકાના ક્રિસ ગેઇલના આ નિવેદનમાં તથ્ય છે અને તેને ગંભીરતાથી લેવું જાેઇએ કેમ કે ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને બાદ કરતાં બાકીની નીચેના ક્માંકની ટીમો વર્ષ દરમિયાન ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમતી નથી. ગેઇલે વન-ડે ક્રિકેટના ભાવિ અંગે પણ શંકા વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે વન-ડે ક્રિકેટના ભાવિ અંગે કોઈ અટકળ થઈ શકે તેમ નથી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ હાલમાં વર્લ્ડ કપમાં ક્વોલિફાઈ થવા માટે સંઘર્ષ કરી રહી છે કેમ કે નાની ટીમોને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે પર્યાપ્ત વળતર મળતું નથી.
