Delhi

દેશભરની તમામ પંચાયતોમાં ૧૫ ઓગસ્ટથી યુપીઆઈથી લેવડદેવડ ફરજિયાત બનશે

નવીદિલ્હી
દેશભરની તમામ પંચાયતો આ સ્વતંત્રતા દિવસ પછી તમામ વિકાસ કાર્યો અને આવકની વસૂલાત માટે ફરજિયાતપણે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરશે અને ૧૫ ઓગસ્ટથી તમામ પંચાયતોને યુપીઆઇ-સક્ષમ જાહેર કરાશે. પંચાયત રાજ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે રાજ્યોએ મુખ્યપ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો જેવા અગ્રણી મહાનુભાવોની હાજરીમાં યુપીઆઇ-સક્ષમ પંચાયતોની જાહેરાત અને ઉદ્‌ઘાટન કરવાનું રહેશે. પંચાયતી રાજ મંત્રાલયના સચિવ સુનીલ કુમારે જણાવ્યું હતું કે આશરે ૯૮ ટકા પંચાયતોએ યુપીઆઈ આધારિત પેમેન્ટનો ઉપયોગ શરૂ કરી દીધો છે. આશરે રૂ.૧.૫ લાખ કરોડની ચૂકવણી પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા થઈ છે. પંચાયતોને ચૂકવણી હવે ડિજિટલ માધ્યમથી થશે. ચેક અને રોકડમાં ચૂકવણી લગભગ બંધ થઈ ગઈ છે. પંચાયતોને ૩૦ જૂને સર્વિસ પ્રોવાઇડર્સ અને વેન્ડર્સ સાથે મીટિંગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.યુપીઆઇ પ્લેટફોર્મ, જીપે, ફોનપે, પેટીએમ, ભીમ, મોબિક્વિક, વ્હોટ્‌સએપ પે, એમેઝોન પે અને ભારત પેનાના સંબંધિત વ્યક્તિઓની વિગતો સાથેની યાદી મંત્રાલયે આપી છે. મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર પંચાયતોએ ૧૫ જુલાઈ સુધી યોગ્ય સર્વિસ પ્રોવાઇડર્સ પસંદ કરવાના રહેશે અને ૩૦ જુલાઇ સુધી વેન્ડર્સ નક્કી કરવાના રહેશે. પંચાયતોને સમગ્ર વિસ્તારને આવરી લે તેવા એક જ વેન્ડર્સ પસંદ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. રીયલ ટાઇમ ધોરણે ટ્રાન્ઝેક્શનની દેખરેખ માટે કેન્દ્રીય ડેશબોર્ડ બનાવવાની પણ ભલામણ કરાઈ છે. પંચાયતી રાજ રાજ્ય મંત્રી કપિલ મોરેશ્વર પાટીલે જણાવ્યું હતું કે અધિકારીઓ માટે જિલ્લા અને બ્લોક સ્તરે તાલીમ શિબિરો યોજાશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી ભ્રષ્ટાચારને રોકવામાં મદદ મળશે. સરકારના ડેટા અનુસાર માત્ર જાન્યુઆરી ૨૦૨૩માં બીએચઆઇએમ દ્વારા ૧૨.૯૮ લાખ કરોડ રૂપિયાના ૮૦૬.૩ કરોડ ટ્રાન્ઝેક્શન થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *