Gujarat

પંચમ સ્થંભ ગ્રીન ગ્રોથ

તા.૦૩ જુલાઈ આંતરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ
પ્લાસ્ટિકની એક થેલીનું વિઘટન થતા ૧,૦૦૦ વર્ષ જેટલો સમય થઈ શકે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રકૃતિ માટે ખતરારુપ
અમરેલીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ નાગરિકોના સહિયારા પ્રયાસથી અસરકારક પરિણામ મળી શકે
આલેખન : જય મિશ્રા
અમરેલી તા.૦૧ જુલાઈ, ૨૦૨૩ (શનિવાર) પ્લાસ્ટિકથી સર્જાતા પ્રદૂષણ અંગે સમગ્ર વિશ્વમાં જાગૃતિ પ્રસરાવવાના હેતુથી તા.૦૩ જુલાઈને ‘આંતરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી’ દિવસ ઉજવવામાં આવે છે. પ્લાસ્ટિકના જોખમી ઉપયોગોને ઘટાડવા માટે ભારત સહિત વિશ્વના અનેક દેશોએ ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રગતિના મંત્ર સાથે રાજ્ય સરકારના ગ્રીન ગ્રોથ પ્રાપ્ત કરવાના સંકલ્પ હેઠળ રાજ્યમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કડીના ભાગરુપે અમરેલી નગરપાલિકા દ્વારા પણ ગત વર્ષે ઠરાવ કરી અને નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના અંતર્ગત અમરેલી નગરપાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિક સ્ટીક સાથે ઈયરબર્ડ્સ, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિકની દાંડી, પ્લાસ્ટિક ધ્વજ, કેન્ડી સ્ટિક્સ, આઈસ ક્રીમની દાંડી, પોલીસ્ટાયરીન (થર્મોકોલની સજાવટની સામગ્રી) પ્લેટ, કપ, ગ્લાસ, કાંટા ચમચી, ચાકુ, સ્ટ્રો, વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ પ્રકારની કોમોડીટીનું ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપોયગ પ્રતિબંધિત છે.
        સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ પ્રોગ્રામ (UNEP) દ્વારા વર્ષ-૨૦૧૮માં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક એ રોડ મેપ ફોર સસ્ટેનેબિલિટી’ અનુસાર પ્લાસ્ટિકની એક થેલીને જમીનમાં વિઘટન થતા ૧,૦૦૦ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આમ, પ્લાસ્ટિકનું ઝેર જમીનમાં સદીઓ સુધી ફેલાતું રહે છે. પ્લાસ્ટિક ફક્ત જમીન જ નહીં પરંતુ જળ પ્રદૂષણ પણ ફેલાવે છે. પ્લાસ્ટિકના વિઘટન ન થવાથી તેના કારણે પાણીના નિકાલના માર્ગોમાં અવરોધ થાય છે. આ અહેવાલ મુજબ વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકમાંથી ફક્ત નવ ટકા પ્લાસ્ટિકનો જ પુન: ઉપયોગ રિસાઇકલ દ્વારા કરી શકાયો હતો. આ જ રિપોર્ટ અનુસાર વર્ષ ૧૯૮૮માં બાંગ્લાદેશમાં વિનાશક પૂર આવ્યું હતું. જેમાં સમગ્ર બાંગ્લાદેશનો બે તૃતિયાંશ ભાગ પાણીમાં ડુબ્યો હતો. આ સ્થિતિમાં છેલ્લા દોઢ દાયકા જેટલા સમયથી સમગ્ર વિશ્વમાં અનેક દેશોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે પ્લાસ્ટિકની થેલી કે પદાર્થનો બીજીવાર ઉપયોગ ન થઈ શકે તે પ્રકૃતિ માટે જોખમી છે.
સ્વાસ્થ્ય પર અસર :
પ્લાસ્ટિકની સાથે ખાદ્ય પદાર્થો માટે ઉપયોગમાં લેવાતા સ્ટાયરોફોમ પદાર્થોથી સ્વાસ્થ્યને જોખમ થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ પ્રોગ્રામ દ્વારા તૈયાર કરવામાં આવેલા રોડ મેપના આ અહેવાલ મુજબ પ્લાસ્ટિક બેગના કારણે ગટરના ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ જાય છે અને તેના કારણે મચ્છરોની ઉત્પતિ વધે છે. આ સ્થિતિમાં મલેરિયા જેવા વેક્ટર-બોન રોગો જન્મ છે. આમ, પ્લાસ્ટિક એ પ્રકૃતિ સાથે મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે.
જળસૃષ્ટિ પર જોખમ
  પ્લાસ્ટિકના આ પ્રદૂષણના કારણે વર્ષ ૨૦૫૦ સુધીમાં સમુદ્રાના ૯૯ ટકા પક્ષીઓએ પ્લાસ્ટિક ખોરાક કે અન્ય રીતે ગળી લીધું હશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક
પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા માટે વિશ્વમાં અનેક જગ્યાએ બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં અને રાજ્યમાં પણ અનેક જગ્યાએ આ પ્રકારની પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. મકાઈના સ્ટાર્ચ, શેરડી, કેળના પાનથી તૈયાર કરવામાં આવેલી થેલીઓ અને ડીશ તેમજ વાટકીઓ ખોરાકના ઉપયોગમાં પણ ઉપયોગી છે. આ પ્રકારનું બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક પ્રકૃતિ માટે ખૂબ જ ઓછું જોખમી છે.
     ઉપાય : પ્લાસ્ટિકના આ પ્રદૂષણથી અમરેલી જિલ્લાને સમગ્ર રાજ્યને તેમજ વિશ્વને મુક્ત કરાવવા માટે પુન: વપરાશમાં લઈ શકાય તેવી થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ. જેમાં કાપડની, શણની, અથવા તો રીયુઝેબલ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ. નાગરિકોના સહિયારા પ્રયાસથી અમરેલી જિલ્લો સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બની શકે છે. આમ પ્રકૃતિના જતન માટે અને આવનારી પેઢીને સ્વસ્થ વાતાવરણ આપવા માટે એક વખત ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની થેલીઓ અને ખાદ્ય પદાર્થોના પેકેજીંગમાં વપરાતા આ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ પર સ્વયંભૂ પ્રતિબંધ જરુરી છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230701-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *