રાવલ ડેમના ૪ દરવાજા ૦.૩૦ મી. ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા, ઊના ગીરગઢડા પંથકમાં ૨ ઇંચ,
ગીર પંથકના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઊના ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાન રાવલ ડેમ તેમજ મચ્છુન્દ્રી ડેમ
ઓવરફ્લો થતા તમામ નદી.નાળા છલકાયા હતા. ત્યારે ચિખલકુબા ગામ નજીક આવેલ રાવલ ડેમ ઓવરફ્લો થતા ચાર દરવાજા
૦.૩૦ મી. ખોલવામાં આવતા નદીમાં પાણીનો પ્રવાહ ભારે વહેતો જોવા મળ્યો હતો. તો બીજી તસ્વીરમાં ગીરગઢડાના કોદીયા ગામે
નજીક મચ્છુન્દ્રી ડેમ પણ ઓવરફ્લો થતા ડેમના ઉપરના ભાગેથી પાણી વહેતુ થયુ હતું. ત્યારે બન્ને ડેમમાં પાણી આવક વધતા
નદીઓમાં બન્ને કાંઠે પાણી ધસમસતુ જોવા મળેલ હતું. રાવલ ડેમ તેમજ મચ્છુન્દ્રી ડેમ બન્ને ઓવરફ્લો થતા તંત્ર દ્રારા બન્ને નદી
કાંઠાના ૩૨ જેટલા ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે.
ઊના ગીરગઢડા પંથકમાં વહેલી સવારથી વરસાદ વરસતા બપોર સુધીમાં બે ઇંચ વરસાદ ખાબકી ગયેલ હતો. ભારે વરસાદને પગલે
ઉનાના સનખડાની રાવલ નદીમાં પુર આવતા દુધાળા રોડ તેમજ ખત્રીવાડા ગામે જતા રસ્તા પર પાણીનો પ્રવાહથી લોકોની અવર
જવર ઠપ થઇ જતા આ વિસ્તારના તમામ ગામ લોકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. તેમજ ઉંટવાળા ગામે હુકવાના પુલમાં કચરો
ભરાવાના કારણે વરસાદનું પાણી ધરાઇ ગયુ હોવાથી લોકોને પસાર થવામાં મુશ્કેલી પડતા સરપંચ જોરૂભા ભોળુભા ગોહીલ દ્રારા
જેસીબીની મદદથી સાફ સફાઇ કરાવી પાણીનો નિકાલ કર્યો હતો. આ સીવાય ગીરગઢડાના જુડવલી ગામના મુખ્ય રસ્તા પર
ખેતરાવ પાણી વહેવા લાગ્યા હતા. જેના કારણે વાહન ચાલકો મુસીબતમાં મુકાયેલ તેમજ કોદીયા ગામે જતા રોડ પર બે કિ.મી. સુધી
રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. જેથી વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકી ભોગવી પડી હતી.