શહડોલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહડોલમાં નેશનલ સિકલ સેલ પોર્ટલ લોન્ચ કર્યું. સિકલ સેલ એનિમિયા મુક્તિ મિશન અભિયાનની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે દેશ એક મોટો સંકલ્પ લઈ રહ્યો છે. આદિવાસી ભાઈઓ અને બહેનોના જીવનને સુરક્ષિત બનાવવાનો સંકલ્પ છે. તેમણે કહ્યું કે મે આદિવાસી સમાજના લોકો વચ્ચે ઘણો સમય વિતાવ્યો છે. દર વર્ષે સિકલ સેલ એનિમિયાની ઝપેટમાં આવતા ૨.૫ લાખ બાળકો અને તેમના પરિવારના સભ્યોના જીવનને બચાવવાનો આ સંકલ્પ છે.વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, અમારા માટે આદિવાસીઓ માત્ર મતદાર નથી. તેમણે કહ્યું કે, આજે મને રાણી દુર્ગાવતીજીની આ પવિત્ર ભૂમિ પર તમારા બધાની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. હું રાણી દુર્ગાવતીજીના ચરણોમાં મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમની પ્રેરણાથી આજે સિકલ સેલ એનિમિયા મુક્તિ મિશન અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે મધ્યપ્રદેશમાં ૧ કરોડ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવી રહ્યા છે. આ બંને પ્રયાસોનો સૌથી મોટો લાભ આપણા ગોંડ સમાજ, ભીલ સમાજ અને અન્ય આદિવાસી સમાજના લોકોને મળશે. સિકલ સેલ એનિમિયા જેવા રોગ ખૂબ પીડાદાયક છે. આ રોગ પરિવારોને પણ વેરવિખેર કરી નાખે છે. આ રોગ ન તો પાણીથી ફેલાય છે, ન હવાથી, ન ખોરાક દ્વારા. આ રોગ આનુવંશિક છે, એટલે કે આ રોગ માતા-પિતામાંથી જ બાળકમાં આવે છે.


