બુલવાયો
આઈસીસી વન-ડે વર્લ્ડ કપ ક્વોલિફાયરના સુપર સિક્સ રાઉન્ડમાં શ્રીલંકાએ રવિવારે ઝિમ્બાબ્વેને નવ વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ભારતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરનાર શ્રીલંકા પ્રથમ ટીમ બની છે. શ્રીલંકાએ ઝિમ્બાબ્વેનો ૧૬૬ રનનો ટારગેટ એક વિકેટ ગુમાવીને ૩૩.૧ ઓવરમાં પાર કરી લીધો હતો. ઓપનર પાથુમ નિસંકાએ ૧૦૨ બોલમાં ૧૪ ચોગ્ગાની મદદથી ૧૦૧ રનની અણનમ ઈનિંગ રમી હતી અને શ્રીલંકાને જીત અપાવી હતી. ટોસ જીતીને શ્રીલંકાએ પ્રથમ બોલિંગ લીધી હતી. મહેશ થીકશાનાની ચાર વિકેટની મદદથી શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને ૩૨.૨ ઓવરમાં ૧૬૫ રનમાં ઓલ આઉટ કર્યું હતું. ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સ ૫૬ રન સાથે સર્વોચ્ચ સ્કોર નોંધાવનાર બેટ્સમેન હતો. દિલશાન મધુશંકાએ ત્રણ પથિરાનાએ બે તથા શનાકાએ એક વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના શાનદાર બોલિંગ આક્રમણ સામે ઝિમ્બાબ્વેના બેટ્સમેનોએ ઘૂંટણીયા ટેકવી દીધા હતા. ઝિમ્બાબ્વેએ બે રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ નીયમિત અંતરે વિકેટ પડવાનો ક્રમ ચાલુ રહ્યો હતો અને ૧૨૭ રન પર ઝિમ્બાબ્વેની અડધી ટીમ પેવેલિયન પરત પહોંચી ગઈ હતી. સિકંદર રઝાએ ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકાએ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં આઠ અંક સાથે ટોચ પર સ્થિતિ મજબૂત કરી હતી અને હવે તેને એકમાત્ર મેચ રમવાની બાકી છે અને જાે તેમાં પરાજય થાય છે તો પણ તે પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમમાં સ્થાન મેળવશે અને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે. વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં અગાઉ સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝન હરાવીને અપસેટ સર્જ્યો હતો. જેથી ઝિમ્બાબ્વેને બીજા સ્થાને રહીને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા માટે મંગળવારે સ્કોટલેન્ડ સામે ફરજિયાત જીતવું પડશે. જાે ઝિમ્બાબ્વેનો સ્કોટલેન્ડ સામે પરાજય થાય છે તો ત્યારબાદ નેધરલેન્ડ અને સ્કોટલેન્ડના મુકાબલાને આધારે ક્વોલિફાયર ટીમનો ર્નિણય થશે. નેધરલેન્ડ સ્કોટલેન્ડને મોટા અંતરથી હરાવે છે તો ઝિમ્બાબ્વે નેટ રનરેટના આધારે ક્વોલિફાય થઈ શકશે. હાલમાં ઝિમ્બાબ્વેનો નેટ રન રેટ ૦.૦૩૦ છે જ્યારે સ્કોટલેન્ડ ૦.૧૮૮નો રન રેટ ધરાવે છે.
