Gujarat

 મારૂ ખોરડુ વિતેલા  વખતની વાતો  

ગ્રામ્યજીવનના કાચા-પાકા અને બે પડાળી વાળા રહેણાંકને ખોરડુ કહેવાતું. એની છત ઢાંકતા દેશી નળિયા દર દિવાળી અને ચોમાસા પહેલા ચાળવા પડતા. પડાળીના જે છેડા બન્ને તરફ નીચે આવતા એને નેવા કહેવાતા. સંધ્યા સમયે નેવા નીચે ન બેસાય એવી માન્યતા પ્રવર્તતી. વ્રુદ્ધો ઓસરીની કોર આસાનીથી ચડી શકે એ માટે નેવે નાનું દોરડુ લટકાવાતુ તેને સોટીયો/છોટીયો કહેવાતું. કોઇ અસંભવ જણાતા કામ માટે “નેવાના પાણી મોભારે ચડાવ્યા”ની કહેવત છે. સુશોભિત લેટરબોક્સ કે એવી વ્યવસ્થા નહોતી એટલે આવેલી ટપાલ, કંકોતરી, દિવાળી કાર્ડ અને એક્સ-રે જેવી વસ્તુઓ ત્યાં ભરાવીને સાચવી રખાતી.

    નેવાનો ભાર થાંભલીઓ જીલે. લાકડાની થાંભલી (કોલમ) અને એના ઉપર લાકડાના જ આડહર (બીમ). બન્ને પડાળી ફણાકારે જ્યાં મળે ત્યા મોભાર (મુખ્ય બીમ) હોય અને ખાસ આકારના ત્યાં જે  નળિયા હોય એ મોભિયા. “શેનું શાક છે ?” ના જવાબમાં “આખા મોભિયાનું…” એવો રૂઢી પ્રયોગ પ્રચલિત થયો તેમ કટાક્ષ માટે ઘણી જગ્યાએ મોભિયુ વપરાય છે.

    અફલાતુન રાચરચિલુ નહી, માટે જીણીમોટી વસ્તુઓ માટે દિવાલમાં ગોખલો રખાતો. પરચુરણ તમામ વસ્તુઓનું તે કાયમી ઠેકાણુ ! ભગવાન કે માતાજી ય ત્યાં બીરાજે. એટલે મંદિર કહો તોય ઇ, અને મઢ કહો તોય ઇ જ.

    નેવાથી ભીતરની ઓરડી સુધી પથરાતી પરસાળ ઓસરી કહેવાય અને મોભારના પુરક જેવી એ વચ્ચેની દિવાલ “ભડુ” કહેવાતી. પાછલી દિવાલ “પછીત”અને  રસોડુ “ઘોકીયું”…

    ઓસરી અને ઓરડાની દિવાલોમાં મોટાભાગે લાકડાની ખીંતીઓ દિવાલ ચણતી વખતે જ મુકવામાં આવી હોય. તેના આધારે ઓસરીની દિવાલમાં દેવી-દેવતાઓના કે કો’ક શિક્ષિત ખોરડે ક્રાંતીકારીઓના ફોટા; પ્લાસ્ટીક-હાર્ડ બોર્ડમાં મઢાવીને ટીંગાડ્યા હોય. અંદર ઓરડામાં ખીંતીઓ ઉપર લાંબુ પાટિયુ મુકી, તેના ઉપર કરિયાવરમાં કે આણામાં આવેલા થાળી-ખુમચા-વાટકા- તાંસળી-શકોરા-પિયાલા- કળશ્યા- ટબુડીયુ- અમલિયા વગેરે વગેરે વાંસણ કુસણ ગોઠવેલું હોય અને ઇ કાંધીની વિવિધતા- વાંસણોની સંખ્યા ઉપરથી ખોરડાની સુખ સમ્રુદ્ધી મપાતી.એના ઉપર નળિયામાંથી ઉતરી આવેલી “મેરે દેશ કી મીટ્ટી”નો થર બાઝી ગયો હોય, કાચા મકાનના મેટલ રહેણાકમાં રહીને ગરોળીઓનો વસ્તાર(પરિવાર) બેહીસાબ વધ્યો હોય, ઉંદરોની આબાદી પણ આઝાદ મુલ્કમાં વટભેર આંટાવીંટા ઠોકતી હોય, કરોળિયાના ઝાળા સર્કસના તંબુ માફક હીલોળા લેતા હોય અને લીંડીઓની ભરમાર હોય તેમ છતા કાંધી તો રખાતી જ. ભલેને વરસમાં બે વાર ધુંહ ઝાળા કરવા પડે પણ શોભાની અભિવ્રુદ્ધીમાં ક્યાંય ઉણપ ના આવવી જોઇએ.

   અંડર ગ્રાઉન્ડ વાયરીંગ નહી, તેમ પાણીની પાઇપો નહી. ફીલ્ટર કે ફ્રીજ નહોતા. બે ગોળા અને એક હેલ (હાંડો+ગાગર) પાણીયારે પાણીનો પુરવઠો પુરો પાડતા. ગાદલા-ગોદડા એક સામટા જ્યાં ઢંકાઇને પડ્યા રહે એવી થોડી ઉંચાઇવાળી વ્યવસ્થાને “ડામસિયો” કહેવાતો.

   શયનખંડમાં કો’ક ભાગ્યશાળીને ઢોલિયો હોય બાકી મહદઅંશે કાથીના/સુતરના વાણવાળા કે પાટીવાળા ખાટલા ઢળાતા. માંખી-મચ્છર-ચાંચડ-માંકડ અને ટોલાનો ઇ જમાનો…, માથામાં તો ઠીક, સમજ્યા હવે, પણ ચોરણી અને ચણિયાના નેફામાં ય ટોલા પડતા. છતા ય “ઉંઘ ન જુએ ઓટલો ને ભુખ ન જુએ રોટલો” ઉક્તિ મુજબ લુખુસુકુ ખાઇને લોકો ટેસથી લંબાવતા.

  ખોરડામાં સેપ્રેટ ??? કાઇ નહી. શયનખંડ નહી કે જાજરૂ નહી. અલાયદુ તો બધુ અત્યારે આવ્યુ. સાંકડમાં ગમે તેવો મોટો પરિવાર પણ ગોઠવાઇ જતો. સંસ્કારની વાત નહી કરૂ, “જાયે તો જાયે કહા”ની મજબુરી હતી.

  સંયુક્ત પરિવારના કોઇ ફાયદા નથી સમજાવવા કે નથી એવી ગુંગળામણભરી પરિસ્થિતિને પોરસનો ખોટો પાશ ચડાવવો. બસસસસ… તમે જો આવા ખોરડામાં રહ્યા હો તો એની યાદ તાજી કરાવવી છે અને નવી પેઢીને વણઓળખ્યા આપણા શબ્દભંડોળથી વાકેફ કરવા છે.

    જેમ કાચા મકાનો હવે ઓછા થતા જાય છે એમ એની સાથે જોડાયેલા કેટલાય શબ્દો ભુંસાતા જાય છે. ભાષા લુપ્ત થવી જોઇએ નહી એમ લોકબોલી પણ જળવાઇ રહેવી જોઇએ.
ખૂબ  સરસ  અને  સત્ય  વાત કરી  આખોરડામા  અંદર  પશુનો  ચારો  રાખવા  માટે    મેળો  બનાવતા  નીચેનો  ભાગ  ઢોર  બાર  કહેવાતો  અને  ત્યારે  ડીલવરી  હોસ્પિટલમાં  નહીં  પણ  આ  ઢોર  બાર  થતી એ મારૂ ખોરડું

શબ્દો: વીર કંડોરીયા
અહેવાલ : વજસી વરવારીયા

IMG_20211027_123608.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *