જિલ્લાના તમામ શ્રમિકોને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો લાભ સુનિશ્ચિત કરાવવાની અપીલ કરતા જિલ્લા કલેકટર કે.એલ. બચાણી
***
ગત તારીખ 08 જુલાઈના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે પોસ્ટ વિભાગની શ્રમિકો માટેની અતિ મહત્વાકાંક્ષી અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી હતી. શ્રમયોગીઓના લાભ માટે આ અનોખી યોજનાને ખેડા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે શરૂ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે ત્યારે જિલ્લામાં આ યોજનાનું યોગ્ય અમલીકરણ કરવા જિલ્લા કલેકટર શ્રી કે.એલ. બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટરે જીલ્લાના તમામ વિભાગોને પોસ્ટ વિભાગ સાથે જરૂરી સંકલન કરી અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો લાભ શ્રમિકોને સરળતાથી મળી શકે એ પ્રકારે આયોજન કરવા અપીલ કરી હતી. તથા આ યોજનાના વ્યાપ વિસ્તાર માટે જરૂરી રૂપરેખા પૂરી પાડી હતી.
કલેકટરે ઉમેર્યું હતું કે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાથી જિલ્લામાં વસતા શ્રમિકો અને તેમના સમગ્ર પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરી શકાશે. ઈ-શ્રમ કાર્ડ, ડેરી નેટવર્ક, સખી મંડળ ગ્રુપ, બેંક સહિતના અન્ય યોજના સાથે જોડાયેલ અન્ય હિસ્સેદારો સાથે જરૂરી સંકલન કરી આ યોજનાને જમીની સ્તર સુધી પહોંચાડવા જિલ્લા કલેકટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત આ યોજના અંતર્ગત પોસ્ટ અને જિલ્લાના અન્ય વિભાગો વચ્ચે માહિતીના સરળ આદાન પ્રદાન માટે કોમન કોમ્યુનિકેશન પ્લેટફોર્મ ઊભું કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં પોસ્ટ વિભાગ દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો લાભ લેવા જરૂરી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એકાઉન્ટ (આઈપીપીબી), આધારકાર્ડ, ઈ શ્રમ કાર્ડ અને મોબાઈલ નંબર જેવા દસ્તાવેજોની સરળ માહિતી આપવામાં આવી હતી. ઉલેખનીય છે કે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાથી શ્રમિકો ફક્ત રૂ.૨૮૯ અને રૂ. ૪૯૯ના પ્રીમિયમથી આકસ્મિક મૃત્યુ, આકસ્મિક વિકલાંગતા, આંશિક કે પૂર્ણ વિકલાંગતા, બાળ શિક્ષણ સહાય, આકસ્મિક તબીબી ખર્ચ અને લાંબા સમય સુધી દવાખાનાના રોકાણ માટે લાભ મેળવી શકશે. કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસ, પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવકનો સંપર્ક કરી આ યોજનાનો લાભ મેળવી શકાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલ, પ્રાંત અધિકારીઓ, પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણ, ખેતી, આરટીઓ, નગરપાલિકા સહિતના ઉચ્ચ અધિકારીઓ, મામલતદાર ઓ અને તાલુકા વિકાસ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.