સુરત
સુરત શહેરમાં દોડતી બીઆરટીએસ બસના ડ્રાઇવરની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે. શહેરમાં સીટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઇવરોની પેસેન્જર સાથે માથાકૂટ અને બાદમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે. બીઆરટીએસના ડ્રાઇવરે ભાડૂઆતી ગુંડાઓ બોલાવીને પેસેન્જરની ધુલાઇ કરી દીધી હતી, લાકડાના ફટકા મારતા પેસેન્જરને માથાના ભાગમાં ૧૪થી વધુ ટાંકા આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં આજે સવારે બીઆરટીએસ બસમાં એક પેસેન્જર નોકરી જઇ રહ્યો હતો, આ પેસેન્જર અમરોલીથી સચિન ઓજીવાલામાં બસ મારફતે જઇ રહ્યો હતો. આ દરમિયાન પેસેન્જરે બસના ડ્રાઇવરને એસી ચાલુ કરવાનું કહ્યુ હતુ, આ બાબતે બન્ને વચ્ચે જાેરદાર બોલાચાલી બાદ ઝપાઝપી થઇ હતી. આ ઘટના ઉગ્ર બની ત્યારે બીઆરટીએસના ડ્રાઇવરે પેસેન્જરની ધુલાઇ કરવા માટે કેટલાક અસામાજિક તત્વોને ઉધના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બોલાવ્યા હતા. આ ભાડૂઆતી ગુંડાઓએ બાદમાં બસમાં બેસેલા પેસેન્જર પર જીવલેણ હુમલો કર્યો પેસેન્જરના માથાના ભાગમાં જાેરદાર લાકડાના ફટકા મારીને લોહીલુહાણ કરી દીધો હતો. ભાડૂઆતી ગુંડાઓ દ્વારા પેસેન્જરને માથાના બે ભાગમાં ઇજાઓ પહોંચાડવામાં આવી હતી, જેમાં કુલ ૧૪થી વધુ ટાંકા આવ્યા હતા. લાકડાના ફટકા માથામાં વાગતા પેસેન્જર બેભાન થઇ ગયો હતો, જાેકે, બાદમાં તેને સારવાર અર્થે નજીકની હૉસ્પીટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો. બાદમાં આ ઘટનામાં ભોગ બનનાર પેસેન્જર દ્વારા સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી.


