રાજકોટ
રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ બાદ ડેમ છલકાઇ ગયા છે. ઉપલેટાના ઉપરવાસમાં ભારે વરસાદથી મોજ ડેમમાં પાણીની આવક થઇ છે. જેથી મોજ ડેમના ૧૦ દરવાજા ૪ ફુટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને ડેમમાંથી મોજ નદીમાં ૨૫ હજાર ક્યુસેક પાણી છોડાયું છે. મોજ ડેમનો રૂલ લેવલ જાળવી રાખવા પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ગઢાળા ગામથી પસાર થતી મોજ નદી ગાંડીતૂર બની ગઇ છે. તેમજ ખાખી જાળીયાથી ગઢાળા તરફ જવાનો રસ્તો પણ બંધ થઇ ગયો છે. ગઢાળામાં મોજ નદી પર આવેલો કોઝવે છેલ્લા એક અઠવાડિયાથી પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તેથી લોકો ૨૦ કિલોમીટર ફરીને ઉપલેટાથી ગઢાળા જવા મજબૂર બન્યા છે. જાે કે ભારે વરસાદ થતો હોવાથી મોજ ડેમ અને નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.


