મોટાડેસર ગામે વાડી માંથી દીપડો પાંજરે પુરાયો…
ઊનાના વરસીંગપુર રોડ પર વાડી વિસ્તારમાં આવેલ કુવામાં અચાનક દીપડો ખાબકી જતાં વનવિભાગે રેશ્ક્યુ કરી સલામત રીતે પાંજરામાં બહાર કાઢ્યો હતો.. તેમજ મોટાડેસર ગામે વાડી માંથી દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વરસીંગપુર રોડ પર આવેલ રેલ્વે ફાટક નજીક આસીફભાઇ હુસેનભાઇ સોરઠીયાની વાડીમાં આવેલ ૫૦ ફુટ ઉંડા કુવામાં વહેલી સવારે અચાનક દીપડો ખાબકી જતાં વાડી માલીકને અવાજ આવતા કુવામાં નજર કરેલ ત્યાં દીપડો કુવાના પાણીમાં જોવા મળેલ હતો. અને તાત્કાલીક વનવિભાગને જાણ કરતા આરએફઓ જેજી પંડ્યા સહીત નવાબંદર રાઉન્ડનો સ્ટાફ, રેશ્ક્યુ ટીમ પાંજરૂ, દોરડા સહીતના સાધનો લઇ સ્થળ પર દોડી ગયા હતા. અને કુવામાં પડી ગયેલ દીપડાને અડધો કલાકની જહેમત બાદ સહીસલામત રીતે પાંજરામાં પુરી બહાર કાઢેલ હતો. અને જશાધાર એનિકલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ હતો. આ દીપડો એક વર્ષનો હોવાનું વનવિભાગે જણાવેલ હતું.
તેમજ મોટાડેસર ગામે મહેશભાઇ ભીખાભાઇ પામકની વાડી વિસ્તારમાં દીપડો અવાર નવાર આવી ચડતો હોવાથી આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. અને આ અંગે વનવિભાગને જાણ કરી હતી. જેથી દીપડાને પુરવા પાંજરૂ મૂકવામાં આવેલ હતું. રાત્રીના સમયે દીપડો શિકારની લાલચમાં આવી ચડતા પાંજરે પુરાય જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
