જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં ખીરી, બારાડી, બાદનપર (જોડીયા), રણજીતપર, માનપર,
જશાપર, મોરાણા, શામપર, મધાપર, જીરાગઢ, બોડકા, પડાણા, રશનાળ, કોઠારીયા, ભીમકટા, જામસર, માવનુગામ,
તારણાધાર, જોડીયા, બાલંભા, શાંતિનગર તેમજ બીણાધાર- આ તમામ ગામોની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો
માટે સંચાલક, રસોયા અને હેલ્પરની વિવિધ જગ્યાઓ ભરવાની છે.
જેમાં, ફરજ બજાવવા અંગે ઇચ્છુક ઉમેદવારોએ આગામી તા. 28 જુલાઈ સુધીમાં તેમનું આખું નામ, સરનામું અને મોબાઈલ
નંબર સાથેની સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી પ્રમાણપત્રોની નકલો અરજી પત્રક સાથે રજૂ કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા
ચાલતી મહત્વપૂર્ણ 'મધ્યાહન ભોજન યોજના' માટે જોડીયા તાલુકાની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક/
રસોયા/ મદદનીશની તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી ખાલી જગ્યા ભરવાની છે.
જે ઉમેદવારો ફરજ બજાવવા ઇચ્છતા હોય અને જો તેમણે અરજી કરેલી હોય, તો તેઓને ઇન્ટરવ્યુ માટે અગાઉથી જાણ કરવામાં
આવશે. જયારે તેઓને ઉપસ્થિત રહેવાની જાણ કરવામાં આવે, ત્યારે તેમણે સ્વ-ખર્ચે ઉપસ્થિત રહેવું. જે ઉમેદવારો ફરજ
બજાવવા ઇચ્છતા હોય, તો તેઓએ મામલતદારશ્રીની કચેરી, પી. એમ. પોષણ યોજના શાખા, જોડીયા તાલુકા, જામનગર
ખાતેથી રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન સવારે 11:00 થી સાંજના 06:00 દરમિયાન રૂબરૂ આવીને અરજી ફોર્મ
મેળવવાના રહેશે. આગામી તા. 28 જુલાઈ પૂર્વે અરજદારોએ તેમની અરજી અને જરૂરી આધાર- પુરાવાઓ અત્રેની કચેરીને
પહોંચાડવાના રહેશે.
આ યોજનામાં સંચાલક કમ રસોયા તરીકે નિમણુંક પામનારી વ્યક્તિની લઘુતમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 55
વર્ષ સુધીની રાખવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારશ્રીના નિયમો અનુસાર મળવાપાત્ર છૂટછાટની કેટેગરીની જાતિઓમાં
આવતા ઉમેદવારો માટે મહત્તમ વય મર્યદા 58 વર્ષ સુધીની રહેશે. ઉમેદવાર ધોરણ 10 પાસ હોવા જોઈએ. તેમજ તે જ ગામના
વ્યક્તિ હોવા જોઈએ. સુનિશ્ચિત સમય મર્યાદા અને તારીખ બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
અરજીકર્તાઓએ અરજી સાથે અને ઈન્ટરવ્યુમાં જરૂરી આધાર- પુરાવાઓ જેવા કે શાળા છોડ્યાનું સર્ટિફિકેટ, શારીરિક તંદુરસ્તીનું
તબીબી પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, રેશનકાર્ડ, આધારકાર્ડ, બેન્ક ખાતા નંબર તથા અન્ય જરૂરી સર્ટિફિકેટની
પ્રમાણિત નકલો સાથે રજૂ કરવાની રહેશે. તેમ મામલતદારશ્રી, જોડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.