International

વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ દાવમાં ૨૫૫માં ખખડ્યું, ભારત બીજા દાવમાં ૯૮/૧

પોર્ટ ઓફ સ્પેન
ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાઝે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ક્રિકેટ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપીને તેની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમનો પ્રથમ ઈનિંગ્સમાં ધબડકો થયો હતો અને કેરેબિયન ટીમ ૨૫૫માં ઓલ આઉટ થઈ જતા ભારતને ૧૮૩ રનની સરસાઈ મળી હતી. સિરાઝે ૨૩.૪ ઓવરમાં ૬૦ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. સિરાઝે ટેસ્ટમાં બીજી વખત પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. વરસાદના વિક્ષેપ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝે ચોથા દિવસની રમત પાંચ વિકેટે ૨૨૯ રનથી આગળ ધપાવી હતી અને સવારના પ્રથમ સત્રમાં જ ફક્ત ૨૬ રનમાં બાકીની પાંચ વિકેટ ગુમાવતા ભારતે ટેસ્ટ પર પોતાની પકડ મજબૂત કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમ બીજા દાવ માટે રમવા ઉતરી હતી અને લંચ સેશન સુધીમાં ભારતે ઝડપી રમત રમતાં ૧૨ ઓવરમાં એક વિકેટના નુકસાને ૯૮ રન કર્યા હતા. રોહિત શર્માએ (૫૭) બીજા દાવમાં પણ ફિફ્ટી ફટકારીને મક્કમ શરૂઆત કરી હતી. પ્રથમ દાવની ૧૮૩ રનની સરસાઈને ધ્યાનમાં લેતા ભારતની લીડ ૨૮૧ રનની થઈ હતી. પ્રથમ સત્ર સુધીમાં યશસ્વી જયસ્વાલ ૩૭ રને રમતમાં હતો. વેસ્ટ ઈન્ડિઝ સામે ટ્રિનિદાદમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે બીજા દાવમાં આક્રમક રમત રમી હતી. કેપ્ટન રોહિત શર્માએ ૩૫ બોલમાં જ ફિફ્ટી ફટકારી હતી. આ સાથે જ રોહિતની ટેસ્ટમાં આ સૌથી ઝડપી ફિફ્ટી રહી હતી. વિન્ડિઝનો બેટિંગ બાદ ફિલ્ડિંગમાં પણ કંગાળ દેખાવ રહ્યો હતો અને રોહિતના બે વખત કેચ છૂટતાં તેને જીવતદાન મળ્યું હતું. આખરે ગેબ્રિયલની ઓવરમાં તે ફાઈન લેગ પર હોલ્ડરના હાથે કેચ આઉટ થયો હતો.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *