વડોદરા
વડોદરામાં મેયર વિરૂદ્ધ પત્રિકા પોસ્ટ કરવા મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ભાજપના કોર્પોરેટર અને શાસક પક્ષના પૂર્વ નેતા અલ્પેશ લિંબાચિયાની ધરપકડ કરી છે. વડોદરા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.વડોદરાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના રનિંગ કોર્પોરેટરની આ રીતે ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા લેપટોપ અને પ્રિન્ટરમાંથી અલ્પેશની સંડોવણીના પુરાવા હાથ લાગતા ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે. ત્યારે ભાજપ સંગઠનમાંથી પણ અલ્પેશને સસ્પેન્ડ કરવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે આજ સાંજ સુધીમાં જ ર્નિણય લેવાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે મેયર નિલેશ રાઠોડ અને તેમના ભાઈ વિરૂદ્ધ તેમણે એક પત્રિકા ભાજપના હોદ્દેદારોને પોસ્ટ કરી હતી. જેમાં મેયર વિરૂદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલો સામે આવતા બે દિવસ પહેલા જ અલ્પેશ લિંબાચિયાનું રાજીનામું લઈ લેવાયું હતું. આ મામલે પોલીસ અલ્પેશના સાળા અને સાઢુની પણ ધરપકડ કરી ચૂકી છે.
