Gujarat

જે અવિનાશી પદને ભક્તો પ્રાપ્ત થાય છે તે અવિનાશી પદ કેવું છે?

અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે જેમાં સંસારરૂપી વૃક્ષનું વર્ણન છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે આજે પંદરમા અધ્યાયના શ્ર્લોક-૬ અને ૭નું ચિંતન કરીશું..

જે અવિનાશી પદને ભક્તો પ્રાપ્ત થાય છે તે અવિનાશી પદ કેવું છે? તેનું વિવેચન કરતાં ભગવાન ગીતા(૧૫/૬)માં કહે છે કે

ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ

યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ..

તે પરમપદને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતાં નથી અને જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી તે જ મારૂં પરમધામ છે.જીવ પણ મારો અંશ હોવાથી મારાથી અભિન્ન છે તે મારા ધામને નિત્ય પ્રાપ્ત છે.

પરમાત્મા તત્વ ચેતન છે અને સૂર્ય-ચંદ્ર અને અગ્નિ જડ-પ્રાકૃત છે.સૂર્ય-ચંદ્ર અને અગ્નિ નેત્ર-મન અને વાણીને પ્રકાશિત કરે છે.એ ત્રણે પણ જડ છે એટલા માટે નેત્રોથી એ પરમાત્મા તત્વને જોઇ શકાતું નથી, મનથી તેનું ચિંતન થઇ શકતું નથી અને વાણીથી તેનું વર્ણન કરી શકાતું નથી.તે ચેતનતત્વ આ બધા પ્રકાશિત પદાર્થોમાં સદા પરીપૂર્ણ છે.ચેતન જીવાત્મા પણ પરમાત્માનો અંશ હોવાથી સ્વયં પ્રકાશ સ્વરૂપ છે તેથી મન-બુદ્ધિ અને ઇન્દ્રિયો વગેરે જડ પદાર્થો તેને પ્રકાશિત કરી શકતાં નથી.

જીવ પરમાત્માનો અંશ છે.તે જ્યાંસુધી પોતાના અંશી પરમાત્માને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંતના શરણમાં જઇ પ્રાપ્ત કરી લેતો નથી ત્યાંસુધી તેનું આવાગમન ચાલુ રહે છે.જેમ નદીઓના જળને પોતાના અંશી સમુદ્રને મળવાથી જ સ્થિરતા મળે છે તેવી જ રીતે જીવને પોતાના અંશી પરમાત્માને મળવાથી જ વાસ્તવિક અને સ્થાઇ શાંતિ મળે છે.વાસ્તવમાં જીવ પરમાત્માથી અભિન્ન જ છે પરંતુ સંસારના માનેલા સંગના લીધે તેને ઉંચ-નીચ યોનિઓમાં જવું પડે છે.

આ અવિનાશી પરમપદ આત્મરૂપથી બધામાં સમાનરૂપે વ્યાપ્ત છે આથી સ્વરૂપથી આપણે તે પરમપદમાં સ્થિત છીએ પરંતુ જડતા(શરીર વગેરે) સાથે તાદાત્મય-મમતા અને કામનાના કારણે આપણને તેની પ્રાપ્તિ અથવા તેમાં આપણી સ્વાભાવિક સ્થિતિનો અનુભવ થતો નથી.આપણે ભગવાનના અંશ છીએ તેથી ભગવાનનું જે ધામ છે તે જ આપણું ધામ છે તે કારણે તે ધામની પ્રાપ્તિ થતાં પાછું ફરીને સંસારમાં આવવું પડતું નથી.જ્યાંસુધી આપણે આપણા એ ધામમાં જઇશું નહી ત્યાંસુધી મુસાફરની જેમ અનેક યોનિઓમાં અને અનેક લોકોમાં ફરતા જ રહીશું.આ સંસાર સ્વદેશ નહી પરદેશ છે.આ પોતાનું નહી પારકું ઘર છે.

જીવથી શું ભૂલ થઇ રહી છે કે જેનાથી તેને નિત્ય પ્રાપ્ત પરમાત્માસ્વરૂપ પરમધામનો અનુભવ થતો નથી તેનું વર્ણન કરતાં ભગવાન શ્ર્લોકઃ૧૫/૭માં કહે છે કે..

મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતન

મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ..

આ સંસારમાં જીવ બનેલો આત્મા પોતે મારો જ સનાતન અંશ છે અને તે પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે,પોતાની માની લે છે.જેમની સાથે જીવની તાત્વિક અથવા સ્વરૂપની એકતા નથી એવી પ્રકૃતિ અને પ્રકૃતિનાં કાર્યમાત્રનું નામ લોક છે.આત્મા પરમાત્માનો અંશ છે પરંતુ પ્રકૃતિનાં કાર્ય શરીર ઇન્દ્રિયો પ્રાણ મન વગેરે સાથે પોતાની એકતા માનીને તે જીવ થઇ ગયો છે.આ જીવપણું વાસ્તવિક નહી પરંતુ બનાવટી છે.નાટકમાં કોઇ પાત્ર બનવાની જેમ જ આ આત્મા જીવલોકમાં જીવ બને છે.

ભગવાન જીવને પોતાનો માને છે.ભગવાન વાસ્તવિકતા પ્રગટ કરતાં કહે છે કે જીવ ફક્ત મારો જ અંશ છે તેમાં પ્રકૃતિનો સહેજપણ અંશ નથી.જેવી રીતે સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં ભળીને પોતાને ઘેટું માની લે એવી જ રીતે જીવ શરીર વગેરે જડ પદાર્થોની સાથે ભળીને પોતાના અસલી ચેતન સ્વરૂપને ભુલી જાય છે.

શરીર વગેરે પદાર્થોને આપણે પોતાની સાથે લાવ્યા નથી, ઇચ્છાનુસાર તેમાં પરીવર્તન કરી શકતા નથી, પોતાની પાસે સ્થિર રાખી શકતા નથી, તેઓની સાથે હંમેશાં રહી શકતા નથી, તેઓને પોતાની સાથે લઇ જઇ શકતા નથી છતાંપણ તેઓને પોતાના માનીએ છીએ આ આપણી કેટલી મોટી ભૂલ છે.ભગવાનમાં ફક્ત મન-બુદ્ધિ જોડવાની અપેક્ષાએ પોતાની જાતને ભગવાનમાં જોડવી એ શ્રેષ્ઠ છે આમ કરવાથી મન-બુદ્ધિ આપોઆપ સુગમતાપૂર્વક ભગવાનમાં જોડાઇ જાય છે.

ભગવાન દ્વારા મળેલી સ્વતંત્રતાનો દુરઉપયોગ કરીને જીવ ભગવાનથી વિમુખ થયો છે.જેવી રીતે સોનાનું ઘરેણું તત્વતઃ સોનાથી અલગ નથી તેવી રીતે જીવ પણ તત્વતઃ પરમાત્માથી ક્યારેય અલગ થઇ શકતો નથી.જ્યારે મનુષ્ય ભગવાનની આજ્ઞાનુસાર પોતાના કર્તવ્યનું પાલન કરે છે ત્યારે તેઓ તેની એટલી ઉન્નતિ કરી દે છે કે જીવન સફળ થઇ જાય છે અને જન્મ-મરણરૂપી બંધન સદાયના માટે દૂર થઇ જાય છે.જ્યારે મનુષ્ય ભૂલથી કોઇ નિષિદ્ધ આચરણ-પાપ કરી બેસે છે ત્યારે ભગવાન દુઃખોને મોકલીને તેને ચેતવે છે,જૂના પાપો ભોગવાવીને તેને શુદ્ધ કરે છે અને નવા પાપોમાં પ્રવૃત્ત થતાં રોકે છે.

જીવ જેટલું પણ નાશવાન પદાર્થોને મહત્વ આપે છે તેટલો જ તે પતન તરફ જાય છે અને જેટલું પણ અવિનાશી પરમાત્માને મહત્વ આપે છે તેટલો જ તે ઉંચે ચઢે છે કારણ કે જીવ પરમાત્માનો અંશ છે. અંશ હોવાથી સદાય ભગવાનમાં સ્થિત રહે છે.મન અને ઇન્દ્રિયો પ્રકૃતિમાં સ્થિત છે તેમને પોતાનાં માનવાં, તેમની સાથે પોતાનો સબંધ માનવો એ જ તેમને આકર્ષિત કરવાં કહેવાય છે.મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો સાથે સબંધ જોડીને જ જીવ બંધાય છે તેથી શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિને સંસારને અર્પણ કરી દેવાં જોઇએ એટલે કે સંસારની સેવામાં જોડી દેવાં જોઇએ અને પોતાની જાતને ભગવાનને અર્પણ કરી દેવી જોઇએ.

મનુષ્ય ભૂલથી શરીર સ્ત્રી પૂત્ર ધન મકાન માન-મોટાઇ વગેરે નાશવાન વસ્તુઓને પોતાની અને પોતાના માટેની માનીને દુઃખી થાય છે.સંસારની ચીજ સંસારને આપી દે અને પરમાત્માની ચીજ પરમાત્માને આપી દેવી એ ઇમાનદારી છે.આ ઇમાનદારીનું નામ જ મુક્તિ છે.સ્થૂળ-સુક્ષ્મ અને કારણ શરીરની સાથે પોતાનો સબંધ માની લેવો એ જ અનર્થનું કારણ છે.જીવ શરીરને પોતાની તરફ ખેંચે છે, પોતાનું માને છે પરંતુ જે વાસ્તવમાં પોતાના છે તે પરમાત્માને પોતાના માનતો નથી તે જીવની ભૂલ છે.

જીવ નિર્ગુણ બ્રહ્મનો નહી પરંતુ સગુણ ઇશ્વરનો અંશ છેઃઇશ્વર અંશ જીવ અવિનાશી.(રામાયણ) કારણ કે બ્રહ્મ તો ચિન્મય સત્તા માત્ર છે તેથી તેમાં અંશ-અંશીભાવ થઇ શકતો નથી.જીવની બ્રહ્મ સાથે એકતા છે એટલે કે અનેક રૂપથી તે જીવ છે તે જ એક રૂપથી બ્રહ્મ છે.શરીરની સાથે સબંધ થવાથી તે જીવ છે અને શરીર સાથે સબંધ ન થવાથી તે બ્રહ્મ છે.

આપણો સબંધ પરમાત્માની સાથે છે તેથી આપણે પરમાત્મામાં સ્થિત છીએ પરંતુ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિનો સબંધ અપરા પ્રકૃતિની સાથે છે તેથી તે બધાં પ્રકૃતિમાં સ્થિત છે.શરીર સાથે માની લીધેલા સબંધનો ત્યાગ કરવા માટે ત્રણ વાતો માનવી પડશેઃશરીર મારૂં નથી કારણ કે તેના ઉપર મારૂં કોઇ નિયંત્રણ નથી, મારે કશું જ જોઇતું નથી અને મારે પોતાના માટે કશું કરવું નથી.ભગવાન સાથે નિત્ય સબંધ રહે તે માટે ત્રણ વાતો માન્ય રાખવી જોઇએઃજોઇએઃભગવાન મારા છે, હું ભગવાનનો છું અને સર્વ કાંઇ ભગવાનનું જ છે.

મનુષ્યમાં ત્રણ ઇચ્છાઓ હોય છેઃભોગની-તત્વની અને પ્રેમની ઇચ્છા.ભોગની ઇચ્છા કામના, તત્વની ઇચ્છા જીજ્ઞાસા અને પ્રેમની ઇચ્છા અભિલાષા કહેવાય છે.ભોગની કામના શરીરના સ્તરે,તત્વની જીજ્ઞાસા સ્વરૂપના સ્તરે અને પ્રેમની પિપાસા પરમાત્માના સ્તરે થાય છે.શરીરને પોતાનું માનવું એ ભૂલ છે કારણ કે શરીર પ્રકૃતિનો અંશ છે અને જીવ પરમાત્માનો સનાતન અંશ છે..

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *