Gujarat

ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જંતુનાશકોના વપરાશ બાદ તેના અવશેષોને લીધે થતા પાકના નુકસાનને અટકાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.

ખેતીમાં વધતા જતા જંતુનાશકોના વપરાશને પગલે છોટાઉદેપુર જીલ્લાની ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોની માહિતી માટે એક માર્ગદર્શિકા બહાર પડેલ છે. જેમાં જંતુનાશકોના ઉપયોગના પરિણામે થતા નુકસાનને અટકાવવા માટે સૂચનો કરવામાં આવ્યા છે એવા જંતુનાશકો કે જેની વિઘટનની પ્રક્રિયા ધીમી હોય, લાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહેતા હોય અથવા ચરબીમાં દ્રાવ્ય હોય અને જૈવિક વિસ્તૃતીકરણની પ્રક્રિયાથી શરીરમાં જમા થાય છે તેના ઉપયોગ પર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે અથવા તો તેને નિયંત્રિત વપરાશ હેઠળ મૂકવામાં આવે છે, આવા જંતુનાશકોનો વપરાશ બિલકુલ કરવો જોઈએ નહિ.
પાકસંરક્ષણ રસાયણોની નોંધણી (રજીસ્ટ્રેશન) માટેની સંસ્થા દ્વારા જે તે પાક ઉપર જે તે રસાયણોની માત્રા ભલામણ કરવામાં આવે છે. આ ભલામણો વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા લેવામાં આવેલ પરીક્ષણના પરિણામો દ્વારા નકકી કરવામાં આવે છે. આ ભલામણ કરેલ માત્રાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. વધુ પડતું પ્રમાણ અને અથવા વધુ પડતો છંટકાવ જીવાત (કીટક) માં પ્રતિકારકતા કેળવવા સુધી દોરી જાય છે. પરિણામે ખેડૂતોને વધારે પ્રમાણનો ઉપયોગ કરવાની ફરજ પડે છે,  જે આયક રીતે નુકસાનકારક તો છે જ સાથેસાથે જે તે કૃષિ પેદાશોમાં જંતુનાશકોના અવશેષોની માત્રા વધે છે અને પાક સંરક્ષણ રસાયણના વિકાસ પાછળ થયેલ ખર્ચ પણ નિરર્થક નિવડે છે.
શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ કારણ કે શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવાથી જંતુનાશકોના અવશેષો ઓછા થાય છે. શાકભાજીને પાણીથી ધોવાથી અવશેષો ઓછા થવાનું પ્રમાણ ખરબચડી સપાટીવાળા કરતા સુંવાળી સપાટીવાળા શાકભાજીમાં વધુ હોય છે જયારે શોષક (સીસ્ટેમીક) પ્રકારની જંતુનાશકો કરતાં સ્પર્શક (કોન્ટેકટ) જંતુનાશકોમાં વધુ હોય છે.
શાકભાજી, ફળ ફળાદી અને અનાજ વગેરેમાં જંતુનાશક રસાયણોની મહત્તમ અવશેષ માત્રા (એમ.આર.એલ) કેટલી હોવી જોઈએ તે ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફ. એ.ઓ.) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન (ડબલ્યુ. એચ.ઓ.) દ્વારા નક્કી કરવામાં આવે છે કે અવશેષોની માત્રા એમ.આર.એલ. કરતા વધુ હોય તો તે નુકસાનકારક સાબિત થાય છે. તેથી વિવિધ ખેત પેદાશોમાં જુદા જુદા જંતુનાશકના વેઈટીંગ પીરીયડ પહેલાં ખેતપેદાશો ઉતારવા કે વીણી કરવી નહિ
શકય હોય ત્યાં જલ્દીથી વિઘટન પામતા કૃષિ રસાયણો જેવા કે એમામેક્ટિન બન્ઝોએટ, સ્પિનોસાડ, ઈન્ડોક્ઝકાર્બ અને નોવાલ્યૂરોન જેવા કૃષિ રસાયણોનો ઉપયોગ કરવો.
સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવાથી જંતુનાશકોનો વપરાશ ઘટતા જંતુનાશકોના અવશેષોના પ્રશ્નો હળવા કરી શકાય છે. દા.ત. ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી, જમીન તપવાથી કોશેટા, જીવાણુ તથા ફૂગનો નાશ થાય છે. જેથી જંતુનાશકોનો વપરાશ ઘટે છે. રોગ જીવાત પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવાથી, વનસ્પતિયુકત જંતુનાશકો, પરજીવી અને પરભક્ષી કિટકો, એનપીવી. પ્રકાશ પિજર, ફેરોમોન ટ્રેપ, ફળમાખી પિંજર, પીળા ચીકણા પિંજર, પિંજરપાક, કીટકભક્ષી પક્ષીઓને બેસવા માટેના બેલી- ખડા વગેરેનો ઉપયોગ કરી જંતુનાશકોનો વપરાશ ઘટાડી શકાય છે જેનાથી કૃષિપેદાશોમાં જંતુનાશકોના અવશેષોનું પ્રમાણ ઘટાડી શકાય છે.
જે તે પાક પર યોગ્ય જંતુનાશકનો છંટકાવ તેની ભલામણ કરેલ માત્રામાં જ તથા જીવાતની ક્ષમ્યમાત્રા ઓળગ્યા બાદ જ કરવો.
ઘરમાં મચ્છર, માખી, વંદા, ઊધઈ, ઉદર વગેરેના નિયંત્રણ માટે જંતુનાશકો વાપરતી વેળા યોગ્ય કાળ લેવામાં ન આવે તો જંતુનાશકો અનાજ, પાણી, લોટ વગેરેમાં ભળી જાય છે અને તેના અવશેષો આપણા શરીરમાં પ્રવેશે છે. ઘરગથ્થુ જીવાતોનું નિયંત્રણ કરતી વખતે જંતુનાશકો છાંટયા પહેલાં પાણીના વાસણો, અનાજના પીપ, અનાજની ગુણો વગેરે કાપડ અથવા પ્લાસ્ટિકથી ઢાંકી દેવા જોઈએ,મકાનમાં ઊધઈ નિયંત્રણ માટે લોરપાયરીફોસનો ઉપયોગ થાય છે પરંતુ આનુ વિઘટન જલદીથી થતું નથી. હાલમાં નિયોનીકોટીનોઇડ જૂથની ઈમીડાકલોપ્રીડ કીટકનાશક ઊધઈ નિયંત્રણ માટે અસરકારક અને દુર્ગંધ વગરની છે. અને અવશેષોના પ્રશ્ન ઓછા આવે છે.
   જો અનાજમાં ભેજ વધુ હોય તો સૂર્ય પ્રકાશમાં અનાજ સુકવ્યા પછી જ તેના સંગ્રહ માટે હવાચૂસ્ત પીપનો ઉપયોગ કરવો કે જેથી કીટકો તેમાં પ્રવેશી શકે નહિ. આ ઉપરાંત ઘઉં જેવા અનાજને દિવેલનો પટ આપીને સંગ્રહ કરવામાં આવે તો કીટકોનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. બાજરી જેવા અનાજમાં રાખ અથવા લીમડાના પાન ભેળવવામાં આવે છે. આ બધી કાળજી રાખવા છતાં જો કીટકો પડે તો ધૂમકરનો ઉપયોગ કરવાથી તેના અવશેષો અનાજમાં આવશે નહિ.
   એકના એક જંતુનાશકોનો વારંવાર ઉપયોગ ન કરતાં જુદા જુદા જંતુનાશકોનો ઉપયોગ કરવો તથા એક જ જૂથના જંતુનાશકોનો ત્રણ થી વધારે છંટકાવ કરવો નહિ. આમ કરવાથી જીવાતોમાં જે તે જંતુનાશકો સામે પ્રતિકારક શકિત પેદા થશે નહિ તેના કારણે જંતુનાશકોનું પ્રમાણ વધારવાની જરૂર નહિ પડે અને અવશેષોના પ્રશ્નો ઘટશે..
આ અંગે વધુ જાણકારી ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી કે.વી.કે. ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતીનિયામક(વિ) નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૩ નો સંપર્ક કરવો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *