કેરળ
કેરળમાં ઉછીના લીધેલા પૈસાથી ૧૧ મહિલાઓ રાતોરાત કરોડપતિ બની ગઈ છે. આ મહિલાઓ પાસે થોડા અઠવાડિયા પહેલા લોટરીની ટિકિટ ખરીદવા માટે ૨૫૦ રૂપિયા પણ નહોતા અને હવે તેમને ૧૦ કરોડ રૂપિયાની લોટરી લાગી છે. જ્યારે મહિલાઓએ થોડા અઠવાડિયા પહેલા ૨૫૦ રૂપિયાની લોટરી ટિકિટ ખરીદવા માટે પૈસા એકઠા કરવાનું નક્કી કર્યું ત્યારે તેમના પર્સમાં ૨૫ રૂપિયા પણ નહોતા. તેમાંથી એકે પોતાનું નસીબ અજમાવવા માટે એક પરિચિત પાસેથી નાની રકમ ઉછીની લીધી હતી. આ ૧૧ મહિલાઓ કેરળના પરપ્પનંગડી મ્યુનિસિપાલિટી હેઠળ હરિત સેનામાં કચરો ઉપાડવાનું કામ કરે છે. આ મહિલાઓએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેઓ એક ક્ષણમાં કરોડપતિ બની જશે. બુધવારે યોજાયેલા ડ્રો બાદ કેરળ લોટરી વિભાગ દ્વારા તેમને ૧૦ કરોડ રૂપિયાના મોનસૂન બમ્પરના વિજેતા જાહેર કરવામાં આવી હતી. સાથીદારો પાસેથી પૈસા ભેગા કરીને ટિકિટ ખરીદનાર રાધાએ ઉત્સાહમાં કહ્યું હતું કે ‘અમે પહેલા પણ પૈસા ભેગા કરીને લોટરીની ટિકિટ ખરીદી છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે અમને કોઇ મોટી લોટરી લાગી હોય. અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે તે ડ્રોની આતુરતાથી રાહ જાેઈ રહી હતી, પરંતુ જ્યારે કોઈએ તેને કહ્યું કે પડોશી પલક્કડમાં વેચાયેલી ટિકિટે પ્રથમ ઇનામ જીત્યું છે ત્યારે તેનું હૃદય તૂટી ગયું હતું. તેણે કહ્યું હતું કે ‘જ્યારે ખબર પડી કે અમને જેકપોટ મળી ગયો છે, ત્યારે ઉત્સાહ અને ખુશીનો કોઇ પાર નહોતો. આપણે બધા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ અને પૈસા આપણી સમસ્યાઓના ઉકેલમાં ઘણી હદ સુધી રાહત આપશે. મહિલાઓને જીવન નિર્વાહ કરવામાં પણ મુશ્કેલ પડી રહી છે. હરિતા કર્મ સેનાના સભ્યોના રૂપમાં તેમને મળતો નજીવો પગાર તેમના પરિવારો માટે એકમાત્ર આવક છે. હરિતા કર્મ સેના ઘરો અને સંસ્થાઓમાંથી બિન-બાયોડિગ્રેડેબલ કચરો ઉપાડે છે, જેને રિસાયક્લિંગ માટે શ્રેડિંગ એકમોમાં મોકલવામાં આવે છે. નગરપાલિકામાં હરિતા કર્મ સેના કોન્સોર્ટિયમના પ્રમુખ શીજાએ જણાવ્યું હતું કે આ વખતે ભાગ્યએ સૌથી વધુ લાયક મહિલાઓની મદદ કરી છે. તેમણે કહ્યું કે તમામ વિજેતાઓ ખૂબ જ મહેનતુ છે અને તેમના પરિવાર માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે. તેમણે કહ્યું હતું કે ‘ઘણા લોકોને લોન ચૂકવવાની છે. દીકરીઓના લગ્ન કરાવવાના હોય છે અથવા તો પોતાના પ્રિયજનોની સારવારનો ખર્ચ ઉઠાવવાનો છે. તેઓ જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે લડતા અત્યંત સાદા ઘરોમાં રહે છે. બમ્પર લોટરી વિજેતાઓને અભિનંદન આપવા માટે ગુરુવારે અહીંના મ્યુનિસિપલ ગોડાઉન સંકુલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.