નવી દિલ્હી
દેશમાં ગરીબીના કારણે ૬૯ ટકા અને બેરોજગારીના કારણે ૨૪ ટકા લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો. આ ઉપરાંત ડ્રગ અથવા દારૂની લતના કારણે ૧૭ ટકા, બીમારીના કારણે ૧૬ ટકા અને પારિવારિક સમસ્યાના કારણે ૧૪ ટકા લોકોએ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું કારણ પરીક્ષાના બદલે સંભવતઃ અભ્યાસ ચાલુ રાખવાની અક્ષમતા જેવા લાંબા સમયના પરિબળો કારણભૂત હોવાનું મનાય છે. પરીક્ષામાં નિષ્ફળતાના કારણે વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાનું પ્રમાણ ૨૪ ટકા ઘટયું છે, પરંતુ વ્યાવસાયિક અથવા કારકિર્દી સંબંધિત સમસ્યાઓના કારણે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ૧૧ ટકા વધ્યું છે. એનસીઆરબીના અહેવાલ મુજબ દેશના પાંચ રાજ્યોમાં આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધુ જાેવા મળ્યું છે, જેમાં મહારાષ્ટ્રમાં ૧૯,૯૦૯, તામિલનાડુમાં ૧૬,૮૮૩, મધ્ય પ્રદેશમાં ૧૪,૫૭૮, પશ્ચિમ બંગાળમાં ૧૩,૧૦૩ અને કર્ણાટકમાં ૧૨,૨૫૯ લોકોની આત્મહત્યાનો સમાવેશ થાય છે. દેશમાં આત્મહત્યાની કુલ ઘટનાઓમાંથી આ પાંચ રાજ્યોમાં ૫૦.૧ ટકા જ્યારે બાકીના ૨૩ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૪૯.૯ ટકા ઘટનાઓ નોંધાઈ હતી. દેશની કુલ વસતીના સૌથી વધુ ૧૬.૯ ટકા વસતી ધરાવતા ઉત્તર પ્રદેશમાં આત્મહત્યાથી મોતનું પ્રમાણ માત્ર ૩.૧ ટકા હતું. દેશના ૫૩ મેગા સિટીમાં કુલ ૨૩,૮૮૫૫ આત્મહત્યા નોંધાઈ હતી.ભારતમાં કેન્દ્ર સરકારના તાજા આંકડા મુજબ વર્ષ ૨૦૨૦માં ૧.૫૩ લાખ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં ૧૦,૬૭૭ ખેડૂતો અને ખેતમજૂરોનો સમાવેશ થાય છે. આમ દૈનિક સરેરાશ ૪૧૮ લોકોએ આત્મહત્યા કરી હતી તેમ એનસીઆરબીના અહેવાલમાં જણાવાયું હતું. ગયા વર્ષે આત્મહત્યા અને અકસ્માતે મોતના જાહેર થયેલા આંકડાઓ પરથી જણાય છે કે માર્ગ અકસ્માત અને તેના સંબંધિત મોતના આંકડામાં તીવ્ર ઘટાડો આવ્યો છે જ્યારે આત્મહત્યાના કિસ્સામાં જંગી વધારો થયો છે. આત્મહત્યાથી મૃત્યુ પામેલા લોકોમાં વિદ્યાર્થીઓ (૨૧.૨ ટકા) અને નાના વેપારીઓના પ્રમાણમાં મોટો વધારો થયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)એ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦માં ૧,૫૩,૦૫૨ લોકોએ આત્મહત્યા કરી હતી, જે ૨૦૧૯માં ૧,૩૯,૧૨૩ લોકોની આત્મહત્યાની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૦ના સમયને આવરી લેતો આ રિપોર્ટ દર્શાવે છે કે ગયા વર્ષે આત્મહત્યા કરનારાઓની સંખ્યામાં થયેલો ૧૦ ટકાનો વધારો વર્ષ ૧૯૬૭ પછી સૌથી મોટી વૃદ્ધિ છે. વર્ષ ૨૦૨૦માં પ્રતિ ૧૦ લાખની વસતીએ ૧૧.૩ લોકોએ આત્મહત્યા કરી હતી, જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી ઊંચો દર છે. છેલ્લે ૨૦૧૦માં પ્રતિ ૧૦ લાખની વસતીએ ૧૧.૪ લોકોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૯માં પ્રતિ લાખ વ્યક્તિએ આત્મહત્યાનો દર ૧૦.૪ હતો. ગયા વર્ષે આત્મહત્યા કરનારા લોકોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓનો સમાવેશ થાય છે. કોરોના મહામારીથી સૌથી વધુ નુકસાન શિક્ષણ ક્ષેત્ર પર થયું છે, કારણ કે માર્ચ ૨૦૨૦માં શરૂ થયેલા ૬૮ દિવસ લાંબા આકરા લોકડાઉન પછી પણ સ્કૂલો અને કોલેજાે ખૂલી શકી નહોતી. પ્રત્યેક વર્ષે આત્મહત્યાઓમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ ૭થી ૮ ટકા હોય છે, જે કોરોનાકાળના વર્ષ ૨૦૨૦માં વધીને ૨૧.૨ ટકા જેટલું થઈ ગયું હતું. વિદ્યાર્થીઓ પછી પ્રોફેશનલ્સ અથવા પગારદારો (૧૬.૫ ટકા) અને રોજમદાર (૧૫.૭ ટકા) દ્વારા આત્મહત્યાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અહેવાલ દર્શાવે છે કે કોરોનાકાળ દરમિયાન પગારદાર વ્યાવાસયિકો કરતાં નાના વેપારીઓને સૌથી વધુ ફટકો પડયો છે. પરિણામે વેન્ડર્સ અને ટ્રેડ્સમેન દ્વારા આત્મહત્યાનું પ્રમાણ અનુક્રમે ૨૬.૧ ટકા અને ૪૯.૯ હતું. આ આંકડાઓ દર્શાવે છે કે કોરોના મહામારીના કારણે શિક્ષણમાં સતત સમસ્યાઓ અને નાણાકીય નુકસાનની ભારતમાં વ્યાપક અસર થઈ છે.


