ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર ’ મારી માટી – મારો દેશ’ કાર્યક્રમના સુચારું આયોજન અર્થે ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગાંધીનગરના પદાઘિકારીઓ અને વિવિઘ સંસ્થાના પ્રતિનિઘિઓ પણ સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમ થકી જિલ્લાવાસીઓમાં માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, વીર શહીદોને વંદના અને દેશ ભાવના ઉજાગર કરવા માટેનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં કલેકટર હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ગાંધીનગર જિલ્લામાં બે તબક્કામાં યોજાશે. જેમાં તા. ૯ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ગ્રામ કક્ષાએ અને ૧૮ ઓગસ્ટથી તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ યોજાશે. ગ્રામ્ય કક્ષાએ જે કાર્યક્રમ યોજાય તેમાં વઘુને વઘુ લોકો સહભાગી બને તે માટેનો ઉમદા ભાવ રાખવામાં આવ્યો છે. ગ્રામ્ય સ્તર ખાતે જે-તે ગામની માટી લઇ કળશમાં મુકવામાં આવશે. ગામમાં ૭૫ વૃક્ષોનું વાવેતર કરી અમૃત વાટિકાનું નિર્માણ કરી જેમાં શિલાફલકમ મૂકવામાં આવશે. શિલાફલકમાં ગામના આઝાદીના સમયમાં બિલદાન આપનાર શહીદ વીરો સાથે દેશ માટે પોતાનો જીવ આપનાર લશ્કર કે પોલીસ જવાનોના નામાવલી અંકિત કરાશે. દરેક ગામને અમૃત વાટિકા માટે નજીકની નર્સરીમાંથી રોપા સરળતાથી મળી રહે તે માટે વન સંરક્ષકની કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં શહીદોના પરિવારનું સન્માન કરવા સાથે ઘ્વજવંદન કાર્યક્રમ યોજાશે.
જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે, તાલુકા કક્ષાના કાર્યક્રમનો આરંભ તા. ૧૮મી ઓગસ્ટથી કરવામાં આવશે. તમામ તાલુકામાં યોજાનારા કાર્યક્રમનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં તાલુકાના તમામ ગામના લોકો પોતાના ગામમાંથી માટી ભરેલ કળશ લઇ આ કાર્યક્રમમાં આવશે. તાલુકા કક્ષાના કાર્યક્રમ દરમ્યાન જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ તાલુકામાં પોલીસ માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે તમામ શાળામાં રેલી, પ્રભાતફેરી, વૃક્ષારોપણ, ચિત્ર સ્પર્ઘા જેવા વિવિઘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
કલેકટરે ઉમેર્યું હતું કે, નગરપાલિકા અને તાલુકા કક્ષાનો કાર્યક્રમ અલગ અલગ યોજાશે. તેની સાથે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પણ આ કાર્યક્રમનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવા માટે ’ હર ઘર તિરંગા ’ અંતર્ગત ૬૦ હજાર જેટલા રાષ્ટ્ર ઘ્વજનું વિતરણ કરવામાં આવશે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સર્વે નાગરિકોને સહભાગી બનવા માટે પણ કલેકટરશ્રીએ અપીલ કરી છે.
આ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણા, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, ગાંધીનગર (ઉ)ના ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, માણસાના ઘારાસભ્ય જે.એસ.પટેલ, ગાંધીનગર(દ)ના ઘારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ અનિલભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, નિવાસી અધિક કલેકટર ભરત જાેષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાનવીબેન પટેલ સહિત વિવિઘ સંસ્થાઓના પ્રતિનિઘિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


