Gujarat

શ્રી મહાકાલ જ્યોતિલિંગની કથા

મધ્ય પ્રદેશની ઉજ્જૈન નગરી એ આકાશ અને ધરતી બંન્નેના કેન્દ્રબિંદુ પર સ્થિત છે.આવી આ પુણ્યશાળી અવંતિનગરીમાં ભગવાન શ્રીમહાકાલેશ્વર જ્યોર્તિલિંગની સ્થાપના છે જે બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે. ઉજ્જૈની શબ્દનો અર્થ થાય છે ઉત્કર્ષ સાથે જયઘોષ કરનારી નગરી.સ્વયંભૂ-ભવ્ય અને દક્ષિણમુખી હોવાને કારણે અહી બિરાજમાન દેવાધિદેવ દક્ષિણામૂર્તિ તરીકે પ્રસિદ્ધ છે.આ જ્યોતિર્લિંગનાં દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે એવી માન્યતા છે.મહાકવિ કાલિદાસે તેમના સુપ્રસિદ્ધ કાવ્યગ્રંથ મેઘદૂતમાં ઉજ્જૈન નગરનું વર્ણન કરતી વેળા શ્રીમહાકાલેશ્વર જ્યોર્તિલિંગનો ઉલ્લેખ કર્યો છે.શાસ્ત્રોમાં આ શિવલિંગની મહત્તાનું વર્ણન કરતા કહેવાયું છે કે આકાશે તારકં લિંગમ્ પાતાલે હાટકેશ્વરમ્ ભૂલોકે ચ મહાકાલો: લિંગમ્ ત્રય નમોડસ્તુતે..એટલે કે આકાશ-પાતાળ અને ભૂલોક પર સ્થિત મહત્વના ત્રણ શિવલિંગોમાં મહાકાલની ગણના ભૂલોકના સ્વામી તરીકે થઈ છે.ઉજ્જૈનની ભૂમિ પર તો મહાકાલ જ સર્વેસર્વા મનાય છે અને એટલે જ તો તે અહીં રાજાધિરાજ તેમજ અવંતિકાનાથ તરીકે પૂજાય છે.

  આ તીર્થક્ષેત્રનું મહત્વ સમજવા આપણે વેદકાળ જેટલા પાછળ જવું પડશે.તે કાળે ક્ષિપ્રા નદીની આજુબાજુના પ્રદેશમાં ભક્તિ દીન-હીન ક્ષુદ્ર બની હતી.જે કંઇ ભક્તો અને ભાવિકો હતા તે દૈન્યથી ભરેલા હતા.એકાદશીનો ઉપવાસ કરવો,અધિક મહિનામાં એકટાણું કરવું અને એકાદ બે ભજન ગાવા એટલે થઇ ગયા ભક્ત ! આવી મુર્ખાઇમાં લોકો રાચતા હતા.આ દીન અને વહેમી ભક્તોને ભાવિકોની સાચી ભક્તિ એટલે શું તેની ખબર જ નહોતી.નાસ્તિકતા વધી ગઇ હતી.ખાવો-પીવો અને મઝા કરો..આ વૃત્તિના માણસો વધુ સંખ્યામાં હતા.

તે સમયે ક્ષિપ્રા નદીના કિનારે અવંતિનગરીમાં ચંદ્રસેન રાજા રાજ્ય કરતા હતા.તે ઘણા જ ધાર્મિક હતા.પૈતૃક પરંપરામાં તેમને મહાકાલની ઉપાસના મળી હતી.ચંદ્રસેનના વખતનો કાળ બગડી ગયો હતો.ધર્મ-સંસ્કૃતિ અને ભક્તિના વિશે લોકોમાં ખોટી કલ્પના ઘુસી ગઇ હતી.જ્ઞાનની પૂજા ખલાસ થઇ ગઇ હતી.એક દિવસ ચંદ્રસેન અંતઃકરણપૂર્વક મહાકાલની પૂજા કરતા હતા તે સમયે એક ગોપપૂત્ર પોતાની માતા સાથે ત્યાં આવે છે.ગોપપૂત્રે રાજાની પૂજા જોઇ.ત્યાંનું વાતાવરણ અને રાજાની તલ્લીનતા જોઇ તેનું હ્રદય આનંદ વિભોર બન્યું.પૂર્વજન્મના તેના સુપ્ત સંસ્કાર જાગૃત થયા.તે ઘેર આવ્યો પરંતુ તેનું ચિત્ત મહાકાલમાં જ ચોંટેલું રહેતું હતું.તેનું રમવાનું ભણવાનું બધું છુટી ગયું.આખો દિવસ તે શિવલિંગ બનાવે અને ચંદ્રસેનની જેમ ચિત્ત એકાગ્ર કરીને બેસી રહે.

કંઇ વ્યક્તિને ક્યારે ક્યે સમયે અને ક્યાં પહોંચાડવી તે ફક્ત ભગવાનને જ ખબર હોય છે.માણસ ગમે તેટલું ચિંતન કરે તેમ છતાં તેની ચાલ કોઇ સમજી શકતું નથી.આપણે બધા આ સંસારની શતરંજના પ્યાદાં છીએ એટલે તે ક્યાં લઇ જાય છે અને કેમ લઇ જાય છે તેની માથાકુટમાં પડ્યા વિના ભગવાનને નમસ્કાર કરીએ.

એકવાર જમવાની વાર હતી.ગોપપૂત્રની માતા રસોઇ બનાવતી હતી.ગોપપૂત્ર શિવલિંગ બનાવી ચિત્ત એકાગ્ર કરી બેઠો હતો તે સમયે તેની માતાએ જમવા માટે બૂમ મારી પણ તે ભગવાનમાં તલ્લીન હતો એટલે સાંભળ્યું નહી એટલે તેની માતા આવીને જુવે છે તો તે ધ્યાનસ્થ થઇ બેઠો હતો.તેની માતા ગુસ્સે થઇ કેમકે તેને ભણતર છોડ્યુ હતું.તેનું મન સંસારની વાતોમાં ચોંટતું નહોતું.ઘરમાં પણ તે ધ્યાન આપતો નહોતો એટલે માતાએ કહ્યું કે હું તારા ઉપર આશા રાખીને જીવું છું કે તૂં ભણશે,મોટો થશે,કમાશે અને મને સુખી કરશે.મને રથમાં બેસાડી યાત્રા કરાવશે પણ દિવસે દિવસે તારૂં ગાંડપણ વધી ગયું છે. જ્યારે જુઓ ત્યારે શિવલિંગ બનાવી ગાંડાની જેમ આંખો મીંચી બેસી રહે છે.તારો આ નંદીપતિ(શિવ) તને ખવડાવવાનો છે? હું તને શું બનાવવા માંગતી હતી અને તૂં શું કરે છે તેનું તને ભાન છે? આમ કહીને બળજબરીથી તેનો હાથ પકડીને ઉભો કર્યો એટલે તે અસ્વસ્થ થઇ જાય છે.મારી માતાએ મારા આરાધ્યદેવની આવી નિર્ભત્સના કરી !

એક રાત્રિએ તે માતાને સૂતી મુકીને ચાલી નીકળ્યો.ફરતાં ફરતાં તે ઓર્વ ઋષિના આશ્રમમાં આવીને તે વિદ્યા ભણવા લાગ્યો.એક વખત તે ઓર્વ ઋષિને પુછે છે કે ગુરૂજી ! મારે શિવ મેળવવા છે મને તે મળશે? ગુરૂજીએ કહ્યું કે તૂં જે વાણીથી બોલે છે તે વાણી બોલાવનાર શક્તિ એટલે જ શિવ.તે શિવ તો તારામાં જ છે.તે શિવ તો તૂં પોતે જ છે.તે શિવ સર્વવ્યાપક છે.આ દિવ્ય ભક્તિની વિચારધારા સમાજમાં લઇ જા. ગોપપૂત્રને નવી દ્રષ્ટિ મળી.અંતર્ભક્તિ તો બાળપણથી જ હતી.હવે તેનામાં ડહાપણ આવ્યું.તેને વિદ્યા મળી તેની સમજણ નિર્માણ થતાં ગુરૂજીને પ્રણામ કરી તેને વિદાઇ લીધી.

ગોપપૂત્ર તપોવનની બહાર આવ્યો.એક વૃક્ષની નીચે બેસી વિચારવા લાગ્યો કે પ્રભુનું શું કાર્ય કરવું? તેને ભગવાનને પુછ્યું કે તારૂં કંઇક કાર્ય કરવું છે પણ મને કંઇ સુઝતું નથી.તમે જ મને રસ્તો બતાડો. ભગવાનને પણ લાગ્યું કે આના હાથે મહાન કાર્ય થશે.આનામાં બુદ્ધિ-તેજસ્વીતા અને ભક્તિ ભાવ છે પરંતુ ભગવદકાર્ય કરવું હોય તો શક્તિ અને વૈભવ વિના ભક્તિ યોગ્ય રીતે સમાજમાં લઇ જઇ શકાતી નથી. ગોપપૂત્રની તીવ્ર ઇચ્છા જોઇ ભગવાને તેને દર્શન આપ્યા.ભગવદકાર્યને માટે વૈભવ મળે તે માટે તેને ચિંતામણી આપ્યો.જે કંઇ વૈભવ જોઇએ તે આ ચિંતામણી પાસેથી મળે.આવો ચિંતામણી આપી ભગવાન અદ્રશ્ય થયા.

જે સ્થળે તેને પહેલી પ્રેરણા મળી જીવનનું માર્ગદર્શન મળ્યું જે ઠેકાણે ભગવાનનો પહેલો આવિષ્કાર થયો તે મંદિરમાં ભક્તિમાં તલ્લીન થઇ ભગવાન પાસે બેસી ભગવાનને હાંક મારી કે તેં મને વૈભવ આપ્યો પણ તેનું શું કરવું તેની મને ખબર પડતી નથી, એટલામાં રાજા ચંદ્રસેન પૂજા કરવા મંદિરમાં આવ્યા. ગોપપૂત્રને ભગવાનમાં તલ્લીન થઇ બેઠેલો જોઇ તેમને આશ્ચર્ય થાય છે.હવે તે પહેલાંના જેવો ગોપપૂત્ર રહ્યો નહોતો. તે તેજસ્વી અને જ્ઞાની થયો હતો.તેની પાસે કુબેરના વૈભવને શરમાવે તેવો વૈભવ આપનાર ચિંતામણી હતો.ચંદ્રસેનને લાગ્યું કે આપણે આંગણે ભગવાનના મંદિરમાં આવો તેજસ્વી મહાન કર્મયોગી પરમ ભક્ત આવી ચડ્યો છે તે આપણું સદભાગ્ય છે.ભગવાનની પૂજા કરી ચંદ્રસેન ગોપપૂત્ર પાસે આવ્યા તેમને નમસ્કાર કર્યા.

ગોપપૂત્રે કહ્યું રાજા ! આ મહાકાળ તમારા ઉપાસ્ય દેવ છે.કાળને બદલાવનાર લોકોના આ દેવતા છે અને તેમની ઉપાસના કરનાર તમે પોતે જ કાળના પ્રવાહમાં તણાઇ ગયા? તમે ભગવાનની ભક્તિ ભુક્તિ માટે કરો છો? આજે આખું જગત શા માટે પીડિત થયું છે?સમાજ નિસ્તેજ અને લાચાર કેમ બન્યો? તેજસ્વી ભક્તિ કેમ ચાલી ગઇ? આજે તો પીછેસે આયા આગે લૌટ ગયા..આવી ભક્તિ ચાલી રહી છે.આ સ્થિતિ શી રીતે થઇ? અને આવું જો ચાલ્યા કરશે તો વિચાર કર કે આગળ જતાં ભક્તિની શું સ્થિતિ થશે?

રાજા ! તને વૈભવનો મિજાજ છે પરંતુ એમ ન સમજતો કે તમારા એકલા પાસે વૈભવ છે.મારી પાસે તારાથી ચડીયાતો વૈભવ છે એમ કહી ખિસ્સામાંથી ચિંતામણી બહાર કાઢ્યો તો આખું મંદિર ઝળહળી ઉઠ્યું. પરંતુ આ વૈભવ સંભાળે કોન? લે રાજા ! આ ચિંતામણી તારી પાસે રાખ.આનાથી તમોને જોઇએ તેટલો વૈભવ મળશે.તારી પાસે શક્તિ છે,વૈભવ છે હવે ભગવાનનું કામ કરો.ત્યાર પછી ગોપપૂત્રે પોતાની માતાને પગે લાગ્યો.ગોપપૂત્રની બુદ્ધિ, ચંદ્રસેનની શક્તિ અને ભગવાને આપેલા ચિંતામણીના વૈભવથી આ જોડીએ અદભૂત કાર્ય કર્યું.બગડેલી સંસ્કૃતિ પાછી સુધારી.વિકૃત થયેલી ભક્તિને યોગ્ય રૂપ આપ્યું.

ચંદ્રસેન રાજા પાસે ચિંતામણી છે એ સમાચાર મળતાં ક્ષિપ્રા નદીના કિનારે અવંતિનગરીના પાસેના વિસ્તારના વિત્તલાલસુ રાજાઓએ ભેગા મળી ચંદ્રસેન ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું.ચંદ્રસેને આ વાત જાણતાં ગોપપૂત્ર પાસે આવી સમાચાર આપ્યા અને યુદ્ધ માટે તત્પરતા દેખાડી.ગોપપૂત્રે રાજાને વાર્યો અને કહ્યું કે પહેલાં હું એકલો તેમને મળી આવું છું.ગોપપૂત્ર એકલો આ બધા રાજાને મળવા જાય છે અને કહે છે કે..

તમને ખબર છે ચિંતામણી કોને મળે? તમે જાણો છો ચંદ્રસેનને ચિંતામણી શા માટે મળ્યો છે? અરે ! થોડો તો વિચાર કરો કે જે વૈભવ માટે તમે દોડધામ કરો છો, જેના માટે તમે યુદ્ધ કરવા તૈયાર થયા છો તે વૈભવ તમે મરશો ત્યારે શું તમારી સાથે આવવાનો છે? આંખ મિંચાયા પછી બધું જ અહી રહેવાનું છે. ગોપપૂત્રની તેજસ્વી-આકર્ષક અને પ્રભાવી વાણી સાંભળી,જીવન તરફ જોવાની તેજસ્વી વિચારધારા જોઇ રાજાઓને લાગ્યું કે આપણી કંઇક ભૂલ થાય છે.ત્યાર પછી ગોપપૂત્રે વૈભવ કોની પાસે હોવો જોઇએ તેની મિમાંસા કરી.ગોપપૂત્રે બધા ક્ષત્રિય રાજાઓનો એક ક્ષાત્રસંઘ ઉભો કર્યો અને ચંદ્રસેનને પ્રમુખ બનાવ્યા.

ગોપપૂત્રે આ સંઘબળથી,ચંદ્રસેન અને ચિંતામણીની મદદથી,ભગવાન મહાકાલની પ્રેરણા અને આર્શિવાદથી તત્કાલીન આખો સમાજ બદલાવ્યો.આ બધાનું કાર્ય જોઇ સમાજમાં નિર્માણ થયેલી શાંતિ અને પ્રસન્ન વાતાવરણ જોઇ ભગવાન મહાકાલ ત્યાં વ્યક્ત થયા અને સર્વને દર્શન આપ્યા.

આ ગોપપૂત્રનું નામ શ્રીકર હતું.આ મહાન કર્તૃત્વશાળી પરમ જ્ઞાની શિવભક્ત શ્રીકરની નવમી પેઢીએ ભગવાન વિષ્ણુના પૂર્ણ અવતાર તરીકે શ્રીકૃષ્ણ જન્મ્યા હતા.આવા શ્રીકરે મહાકાલના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.ભયભાવ અને અભયભાવ દેખાડનાર આ મહાકાલ કાળના પ્રવાહમાં તણાઇ જતા લોકો માટે કાળ જેવા છે.આ અવંતિ એટલે આજનું ઉજ્જૈન.

ભગવાન મહાકાલનાં દર્શન કર્યા પછી કાળ બદલવાનો વિચાર આવે પરંતુ પ્રત્યક્ષ કાર્ય કરવું મુશ્કેલ છે.જીવનમાં કર્મયોગ હોવો જોઇએ.અંતઃકરણ ભાવભીનું હોવું જોઇએ.આવા કર્મયોગીને મહાકાલ મદદ કરે છે. શિવ એટલે કલ્યાણ.શિવ એટલે જ્ઞાન.જીવનમાં અને ભક્તિમાં જ્ઞાન હોવું જોઇએ.

શિવનો અર્થ છે કલ્યાણ.તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો.તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય.પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે.શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે.અહી વિશ્વકલ્યાણ નિમગ્ન બ્રહ્માકાર વિશ્વાકાર ૫રમ આત્મા જ સ્થિત હોય છે.હિમાલય જેવું શાંત મહાન સ્મશાન જેવું સુમસામ શિવરૂ૫ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી તપસ્વી અપરિગ્રહી જીવન સાધનાનાં પ્રતિક છે.

આલેખનઃ

શ્રી વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

3-મહાકાલેશ્વર.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *