મુંબઈ
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટેસ્ટ અને વનડે સીરીઝ રમ્યા બાદ આરામ કરી રહ્યો છે. વિરાટ કોહલી હવે ૩૦ ઓગસ્ટથી રમાનારી એશિયા કપ ૨૦૨૩માં ભાગ લેશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કોહલીની કમાણી અંગેના કેટલાક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કિંગ કોહલી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે લગભગ ૧૪ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ અંગે ખુદ વિરાટ કોહલીએ સ્પષ્ટતા આપવી પડી હતી. તેણે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે આ વાત પાયાવિહોણી છે. કોહલીએ કહ્યું છે કે તેની કમાણી અંગે જે સમાચાર અહીં-ત્યાં ફેલાયા છે તે બધા ખોટા છે. તેણે કહ્યું કે મને જીવનમાં જે મળ્યું છે તેનો હું આભારી અને ઋણી છું અને સોશિયલ મીડિયા પરથી મારી કમાણી વિશે ચાલી રહેલા સમાચારોમાં કોઈ સત્ય નથી. વિરાટ કોહલીના ટિ્વટ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે ૧૪ કરોડ રૂપિયા ચાર્જ નથી કરતો. આ મામલે ખુદ કોહલીએ ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતો ખેલાડી છે. ઈન્સ્ટાગ્રામ પર ૨૫૬ મિલિયન લોકો તેને ફોલો કરે છે.


