મુંબઈ
ગુજરાતના ભૂતપૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટર અનૈ ડાબોડી ઝડપી બોલર અશરફ મકડાનું બુધવારે વલસાડ ખાતે નિધન થયું હતું. ૪૫ વર્ષીય મકડા છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા. તેઓ વલસાડના વતની હતા. ૨૦૦૪/૦૫ની સિઝનમાં ગુજરાત માટે રણજી ટ્રોફી કારકિર્દીનો પ્રારંભ કરનારા મકડા એ સમયના ગુજરાતના સફળ ઝડપી બોલર હતા. મૃદુ સ્વભાવના અશરફ મકડા રણજી ટ્રોફી અગાઉ ખાસ જુનિયર ક્રિકેટ રમ્યા ન હતા પરંતુ તેમનામાં રહેલી આક્રમક બોલર તરીકેને પ્રતિભાએ તેમને ગુજરાતની ટીમમાં પ્રવેશ અપાવ્યો હતો. ૧૯૭૮ની ૨૮મી ઓગસ્ટે વલસાડમાં જન્મેલા અશરફ મકડાએ ૨૦૦૪ના ડિસેમ્બરમાં મુંબઈ ખાતે મુંબઈ સામેની મેચ રમીને પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ૩૯ રણજી મેચની કારકિર્દીમાં તેમણે ૨૮.૪૯ ની સરેરાશથી ૧૧૫ વિકેટ ઝડપી હતી. જેમાં પાંચ વખત તેમણે ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ખેરવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ૨૦૦૭માં અમદાવાદમાં રમાયેલી મેચમાં ત્રિપુરા સામે મકડાએ ૯૦ રન આપીને સાત વિકેટ ઝડપી હતી જે તેમની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન હતું. આ ઉપરાંત પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સામે પણ તેમણે પાંચ વિકેટ ઝડપી હતી. અશરફ મકડા નીચેના ક્રમમાં ઉપયોગી બેટિંગ માટે પણ જાણીતા હતા. અને જરૂર પડે ત્યારે એક બેટ્સમેન તરીકે પણ ટીમને યોગદાન આપતા રહેતા હતા.

