પણજી
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના દ્વિ-વાર્ષિક રિપોર્ટમાં કહેવાયું છે કે ચીન સતત તેની હવાઈ, સમુદ્રી અને તેની સૈન્ય ક્ષમતાઓને તાઈવાન વિરુદ્ધ ઉપયોગ કરવા માટે મજબૂત કરી રહ્યું છે. આ ક્ષમતાઓમાં અમારા મહત્વપૂર્ણ બંદરો, એરપોર્ટ અને દેશની બહાર જતા ઉડ્ડયનો વિરુદ્ધ નાકાબંધી, સંચારની અમારી હવાઈ અને સમુદ્રી લાઈનોને કાપવાનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટમાં એવી પણ ચેતવણી અપાઈ છે કે ચીન બેલિસ્ટિક અને ક્રુઝ વેરિઅન્ટ સહિત તેની મિસાઈલોથી તાઈવાન પર હુમલો કરવામાં સક્ષમ છે.ચીન અમારા દરિયાઈ ટ્રાફિકના લિંક્સ, મુખ્ય બંદરો અને એરપોર્ટની નાકાબંધી કરે તેવી તાઈવાને આશંકા વ્યક્ત કરી છે તેવા સમયમાં ભારતે ચીનનું નામ લીધા વિના હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સ્વતંત્ર, મુક્ત અને સમાવેશી સમુદ્રી ટ્રાફિક વિરુદ્ધ લેવાનારા પગલાં સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ચીનનું નામ લીધા વિના નૌકાદળના પ્રમુખ એડમિરલ કર્મબીર સિંહે જણાવ્યું હતું કે જે દેશોના કરતૂતો હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં સ્વતંત્ર, મુક્ત અને સમાવેશી દરિયાઈ ટ્રાફિકને રોકશે તો તેમને તેમની ભૂલનો બોધપાઠ શીખવાડવો જાેઈએ. તેમને જણાવવું જાેઈએ કે તેઓ ખોટા છે અને પોતાની ભૂલો સુધારે. જરૂર પડતા ભારત તેમને રોકવા માટે કાર્યવાહી પણ કરશે. તેમણે ઉમેર્યું કે, કોઈ દેશ સમુદ્રમાં ખોટા કામ કરશે તો તેને તેની વર્તમાન સ્થિતિ બદલતા રોકવામાં આવશે. કર્મબીર સિંહે ગોવા મેરીટાઈમ કોન્કલેવના ઉદ્ધાટન સત્રમાં જણાવ્યું હતું કે, ચીન દક્ષિણ ચીન સાગરના મોટાભાગના વિસ્તાર પર કબજાે કરીને ત્યાંથી પસાર થઈ રહેલા જહાજાેના ટ્રાફિકને રોકવાની રૂપરેખા તૈયાર કરી રહ્યું છે અને તે અંગે આખી દુનિયા ચિંતિત છે. આ કોન્કલેવમાં સંરક્ષણ સચિવ અજય કુમારે કહ્યું કે હિન્દ અને પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં નૌકાદળોના થઈ રહેલા વિસ્તાર સામાન્ય ઘટનાક્રમ નથી. તેની પૃષ્ઠભૂમિમાં અનેક મોટા કારણો છુપાયેલા છે. તેની સાથે સંકળાયેલા જાેખમોને નકારી શકાય તેમ નથી. તેમણે કહ્યું કે, આ સમુદ્રી ક્ષેત્રમાં અભૂતપૂર્વ રીતે સૈન્ય હાજરી, આતંકવાદ, લૂંટારાઓની ગતિવિધિઓ અને હથિયારોની દાણચોરી જેવા પડકારોમાં વધારો થયો છે.
