Gujarat

બીન સચિવાલય કલાર્કની ભરતીમાં કૌભાંડ, પાટણવાવ પોલીસમાં ફરિયાદ

પોલીસે રાજકોટ જિલ્લાના યુવા રાજકીય આગેવાનની ધરપકડ કરી
ધોરાજી, કુતિયાણા અને પોરબંદર પંથકના ૨૦૦ થી વધુ નોકરી વાચ્છુકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યાં

બોગસ સહી સાથેના તૈયાર કરેલા નોકરીના નિમણુંક પત્ર ધાબડી અંદાજે રૂ. ૬ થી ૭ કરોડનું કૌભાંડ આચર્યું

નોકરી ઇચ્છુકો શિક્ષિત બેરોજગારો સાથે અવાર નવાર કરોડોની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવતી હોવા છતાં તાજેતરમાં ગત ફેબ્રઆરી ૨૦૨૨ માં લેવાયેલી બીન સચિવાલય કલાર્કની ભરતીમાં ધોરાજી, કુતિયાણા અને પોરબંદર પંથકના ૨૦૦ થી વધુ નોકરી વાચ્છુકો સાથે રાજકીય આગેવાનના ભાણેજ સહિત બે શખ્સોએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, નિયામક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વડાઓની બોગસ સહી સાથેના તૈયાર કરેલા નોકરીના નિમણુંક પત્ર ધાબડી અંદાજે રૂ. ૬ થી ૭ કરોડનું કૌભાંડ આચર્યાનું પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાજકોટ જિલ્લાના યુવા રાજકીય આગેવાનની ધરપકડ કરી કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગ દર્શન હેઠળ એલસીબી અને પાટણવાવ પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાસ કરી ગણતરીની કલાકોમાં કૌભાંડના સુત્રધારને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના જીંજરી ગામના વતની અને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા રવિરાજભાઇ મનસુખભાઇ કુંડારીયાએ પાટણવાવ નજીક આવેલા કલાણા ગામના નવનીત કાંતીભાઇ રામાણી અને ધોરાજીના નિકુંજ માવાણી નામના શખ્સોએ બીન સચિવાલય કલાર્કની ભરતીમાં નોકરી અપાવી દેવાની લોભામણી લાલચ દઇ બોગસ કોલ લેટર આપી રૂ. ૧૨ લાખ લઇ નોકરીનો બોગસ કોલ લેટર આપી છેતરપિંડી કર્યાની પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સરકારી નોકરીના બોગસ કોલ લેટર તૈયાર કરી ખોટી સહી સાથેના નિમણુંક પત્રને ખરા હોવાના કૌભાંડમાં ધોરાજી, કુતિયાણા અને પોરબંદર સહિતના ૨૦૦ જેટલા શિક્ષિત બેરોજગાર સાથે કરોડોની ઠગાઇ થયાનું ધ્યાને આવતા પોલીસની જુદી જુદી ટીમ બનાવી કૌભાંડના સુત્રધાર નવનીત કાંતીભાઈ રામાણીની રાતોરાત ધરપકડ કરી કૌભાંડમાં સંડોવાયેલા રાજકીય આગેવાનના ભાણેજ નિકુંજ માવાણીની શોધખોળ હાથ ધરી છે. બીન સચિવાલય કલાર્કની ભરતી માટે સૌ પ્રથમ ૨૦૧૮માં જાહેર થયા બાદ તા. ૩-૨-૧૯ ના રોજ પરિક્ષા લેવાનું નક્કી થયા બાદ પરિક્ષા રદ થયા બાદ લાંબા સમયના વિલંબ બાદ તા.૧૩-૨-૨૨ના રોજ પરિક્ષા લેવામાં આવી હતી.

આ પરિક્ષામાં પાસ કરાવી દેવાની અને નોકરીનો નિમણુંક ઓર્ડર અપાવી દેવાની લોભામણી લાલચ દઇ કલાણાના નવનીત કાંતીભાઈ રામાણીએ રૂ. ૧૫ લાખની માંગણી કર્યા બાદ રૂ. ૧૨ લાખમાં સોદો નક્કી કરી પ્રથમ રૂ. ૧.૫૦ લાખ એડવાન્સ લીધા હતા. પરિક્ષા બાદ રવિરાજભાઇ કુંડારીયાને અમદાવાદના બોપલ ખાતે આવેલી સુર્યા ઇન હોટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે હોટલમાં તેમની જેમ નોકરી માટે કુતિયાણાના આશિષ બોખીરીયા, જામ જાેધપુરના કોમલભાઇ બકોરી, ડુંગરી ગામની દિશાબેન ચનીયારા અને શિતલબેન છુછર હતા. તેઓની સાથે વાતચીત દરમિયાન નવનીત રામાણીને નોકરી અપાવવાના બદલામાં રૂ. ૧૫ લાખ આપવાનું નક્કી થયાનું જણાવ્યું હતું. પાંચેયને ધોરાજીના નિકુંજ મળ્યો હતો તે પાંચેય નોકરી ઇચ્છુકોને ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે લઇ જવામાં આવ્યા હતા.

ત્યાં પાંચેયને બહાર ઉભા રાખી તેમના ડોક્યુમેન્ટ લઇને એક ઓફિસમાં ગયા બાદ ડોકયુમેટ સબમીટ થયાનું જણાવી ત્રણ દિવસમાં ઓર્ડર આવી જશે તેમ કહી અમદાવાદની હોટલમાં રોકયા હતા ત્યારબાદ તમામને જતા રહેવાનું અને નોકરીનો નિમણુંક પત્ર તેમના ઘરે આવી જશે તેમ કહી જવા દીધા હતા. થોડા દિવસો બાદ તમામને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારી, ગાંધીનગર આરોગ્ય નિયામક, પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરની બોગસ સહી કરેલા તૈયાર કરેલા ડુપ્લીકેટ કોલ લેટર ધાબડી તમામ પાસેથી રૂ. ૧૨ થી ૧૫ લાખ સુધીની રકમ લઇ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે રાજકોટ જિલ્લા યુવા રાજકીય આગેવાન ગણાતા કલાણા ગામના નવનીત કાંતીભાઇ રામાણીની ધરપકડ કરી તેની સાથે સંડોવાયેલા રાજકીય આગેવાનના ભાણેજની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બંને શખ્સોએ જુદા જુદા શહેરના ૨૦૦ થી વધુ નોકરી ઇચ્છુકો પાસેથી રૂ. ૧૨ થી ૧૫ લાખ ખંખેરી અંદાજે પાંચ થી છ કરોડનું કૌભાંડ આચર્યુ હોવાની શંકા સાથે તેમજ તેની સાથે અન્ય શખ્સોની પણ સંડોવણી હોવા અંગેની તપાસ માટે નવનીત રામાણીને રિમાન્ડ પર લેવા કોર્ટમાં લઈ ગયેલ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસે આરોપીની પૂછપરછ કરી કૌભાંડમાં કેટલા લોકો સામેલ છે અને કેટલા લોકો સાથે છેતરપીંડી કરી છે જેની તપાસ શરૂ કરી છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *